ગુજરાતીઓનું ખાવાનું જેટલું મીઠું છે એટલા જ મીઠાં ગુજરાતીઓ છે : વિજય દેવરકોન્ડા

મારા જ્યોતિષે આગાહી કરી હતી કે મહિલાઓ મારા જીવનમાં મહત્ત્વની ભૂમિકા ભજવશે

બૉલિવુડમાં એન્ટ્રી કરી રહેલા સાઉથના સુપરસ્ટાર વિજય દેવરકોન્ડા અને અનન્યા પાંડેની બહુચર્ચિત ફિલ્મ લાઇગર 25 ઓગસ્ચ, 2022ના રિલીઝ થઈ રહી છે. પુરી જગન્નાથ, ચાર્મી કૌર, કરણ જોહર અને અપૂર્વ મહેતા નિર્મિત અને પુરી જગન્નાથ દિગ્દર્શિત ફિલ્મ લાઇગરનો પ્રચાર પૂર જોશમાં થઈ રહ્યો છે. તાજેતરમાં ફિલ્મના હીરો વિજય દેવરકોન્ડાએ ફિલ્મી ઍક્શનના પ્રતિનિધિ જ્યોતિ વેન્કટેશને ખાસ મુલાકાત આપી હતી. પ્રસ્તુત છે જુહૂ સ્થિત ફાઇવસ્ટાર હોટેલ સન-એન-સેન્ડ ખાતે લીધેલી મુલાકાતના મુખ્ય અંશ.

તમારી તેલુગુ હિટ અર્જુન રેડ્ડીની હિન્દી રીમેક કબીર સિંહ બૉક્સ ઑફિસ પર બ્લૉકબસ્ટર પુરવાર થઈ હોવા છતાં લાઇગર જેવી હિન્દી ફિલ્મની ઑફર સ્વીકારવામાં આટલો સમય કેમ લીધો?

સાચું કહું તો અર્જુન રેડ્ડીની અભૂતપૂર્વ સફળતા બાદ મને અનેક ઑફર આવી પણ હિન્દી ફિલ્મોમાં કામ કરવા માનસિક રીતે તૈયાર નહોતો. મેં અનેક ઑફર ગુમાવી પણ મને એનો અફસોસ નથી, પણ જે ક્ષણે તૈયાર થયો એ સમયે કરણ જોહરે પુરી જગન્નાથ દિગ્દર્શિત લાઇગરમાં મુખ્ય ભૂમિકાની ઑફર કરી અને મેં તુરંત હામી ભરી દીધી.

તમારી ફિલ્મ લાઇગર 25 ઓગસ્ટે રિલીઝ થઈ રહી છે ત્યારે તમે કેટલા નર્વસ છો?

માનો કે ન માનો, મને પૂરો વિશ્વાસ છે કે ફિલ્મ હિન્દીમાં બ્લૉકબસ્ટર પુરવાર થશે. ફિલ્મનું શૂટિંગ 140 દિવસ સુધી અમેરિકા અને મુંબઈ ખાતે થયું છે. અત્યાર સુધીમાં મેં 5-6 વાર ફિલ્મ જોઈ છે અને એની સફળતા અંગે આશ્વસ્ત છું.

લાઇગર તમારા પડકારરૂપ દૃશ્યોની તૈયારી તમારા માટે કેટલી મુશ્કેલ હતી?

મારી પાસે મારા શરીરને એ માટે કેળવવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો. ફિલ્મની ફાઇટ સિક્વંસની કલ્પના કૉરિયોગ્રાફીની જેમ કરવામાં આવી છે. ફિલ્મ માટે જે કોઈ સીન મેં ભજવ્યા તેને એક ઊંચાઈ પર લઈ જવાની કોશિશ કરી છે. દરેક દૃશ્યને પૂરો ન્યાય આપવાનો પ્રયાસ કર્યો છે. મારી ઇચ્છા હતી કે ફિલ્મની વાર્તા મારા માધ્યમથી દર્શકો સુધી પહોંચે.

તમે ઇન્ડિયન આઇડલના એક સ્પર્ધક પાસે તાજેતરમાં લાઇગર માટે તમિલ અને તેલુગુ વર્ઝન માટે ગીત ગાવાનો મોકો આપ્યો, એ કેવી રીતે શક્ય બન્યું?

સોની ટીવીએ મને ફોન કરીને જણાવ્યું કે મારો એક ચાહક છે જે ઘણો સારો ગાયક છે. મને થયું જો કોઈનું ભલું મારા હાથે થતું હોય તો વાંધો શું છે. મેં એનો વિડિયો સાંભળ્યા બાદ લાઇગરના તમિલ અને તેલુગુ વર્ઝનમાં એની પાસે ગીત ગવડાવવાનું નિર્માતાને કહ્યું.

ભારતભરમાં તમારી ફિલ્મના પ્રચાર માટે પ્રવાસ કરવાનો અનુભવ કેવો રહ્યો?

ઘણો મજેદાર અનુભવ હતો. મને ગુજરાતીઓનું ખાવાનું જેટલું જ મીઠું છે એટલા મીઠાં ગુજરાતીઓ છે. ગુજરાતના મીડિયાએ જે પ્રેમ દાખવ્યો એ જોઈ હું ચકિત રહી ગયો. હું જ્યારે બિહાર ગયો તો લાગ્યું કે બિહારી પણ મારા જેવા જ છે.

જો તમારી લાઇગર સુપરહિટ થઈ તો તમે તેલુગુની સાથે હિન્દી ફિલ્મોમાં પણ કામ કરશો?

હુ સ્પષ્ટપણે મારી જાતને માત્ર તેલુગુ-હિન્દી ફિલ્મ અભિનેતા તરીકે નહીં પણ એક રાષ્ટ્રીય અભિનેતા તરીકે ઓળખાવીશ. કારણ, ભારતમાં જેટલી ભાષામાં ફિલ્મ બને છે એમાં હું અભિનય કરવા માગું છું. મને લાગે છે કે ભાષા કોઈ અવરોધ નથી. હા, અત્યાર સુધી મેં તેલુગુ ફિલ્મો વધુ કરી છે એ હકીકત છે.

શું આપનો ભાઈ પણ તેલુગુ ફિલ્મોનો લોકપ્રિય અભિનેતા છે?

હા, પણ તમને કેવી રીતે ખબર? મારો ભાઈ આનંદ દેવરકોન્ડા પણ લોકપ્રિય તેલુગુ અભિનેતા છે. આનંદે તેલુગુ પિરિયડ ડ્રામા દોરાસાનીથી કરિયરની શરૂઆત કરી હતી. અને એક મજાની વાત, લાઇગર 25 ઓગસ્ટે રિલીઝ થઈ રહી છે તો આનંદની ત્રીજી ફિલ્મ હાઈવે 19 ઓગસ્ટે લુગુ ઓટીટી પ્લેટફોર્મ અહા સ્ક્રીન પર રિલીઝ થઈ રહી છે.

શું તમે ઘણા આસ્તિક અને માતાને ઘણો પ્રેમ કરો છો?

એકદમ સાચી વાત. હું એક આશ્રમ જેવી સ્કૂલમાં ભણ્યો છું જ્યાં માત્ર છોકરાઓ જ હતા. હું છ વરસનો હોઇશ ત્યારે આશ્રમશાળામાં પ્રવેશ મેળવ્યો. અમને બધાને સવારે ઊઠીને પ્રાર્થના કરતા શીખવવામાં આવ્યું હતું. ત્યારથી ભગવાનમાં મને શ્રદ્ધા છે. તાજેતરમાં લાઇગરના પ્રચારના હેક્ટિક શિડ્યુલને કારણે તબિયત લથડી. ત્યારે મારી માતાએ મને એક પવિત્ર દોરો મને કાંડા પર બાંધવા આપ્યો અને કહ્યું આને કાઢતો નહીં. પણ મેં માનું કહ્યું સાંભળ્યું નહીં અને દોરો કાઢી નાખ્યો. પરંતુ એક દિવસે સાંજે મારી હોટેલના રૂમમાં હતો ત્યારે માતાએ યુટ્યુબ પર એક વિડિયો જોયો જેમાં મારા હાથ પર પવિત્ર દોરો નહોતો. બીજા દિવસે જ મને ફોન કરી વઢી નાખ્યો. હું મારી માને નારાજ કરવા માગતો નહોતો અને મેં દોરો ફરી બાંધી દીધો.

એવું કહેવાય છે કે છોકરીઓ માટે તમને પૂર્વગ્રહ છે અને તમને સંબંધોમાં વિશ્વાસ નથી, શું આ વાત સાચી છે?

મારો ભાઈ હંમેશ મને કહે છે કે મારા નસીબમાં સંબંધ નથી કે હું મેરેજ મટિરિયલ નથી. એક જ્યોતિષે મને કહેલું કે, મારા જીવનમાં મહિલાઓ મોટી ભૂમિકા ભજવશે. મારી શરૂઆતની અમુક ફિલ્મોમાંની એક હકીકતમાં બે મહિલાઓએ બનાવી હતી. હું મારાં નાનીનાં ઘણો નજીક છું. મારા જીવનમાં જે કંઈ બન્યું છે એમાં મહિલાઓનું યોગદાન વધુ છે. જોકે તમને નવાઈ લાગશે કે મેં જ્યારે કૉલેજમાં એડમિશન લીધું ત્યારે છોકરીઓ સાથે આંખો મેળવવામાં ઘણો ડર લાગતો. એ ડર પર કાબુ મેળવવામાં ઘણો સમય લાગ્યો. મને યાદ છે છોકરીઓ સામેથી તેમના ફોન નંબર આપતી હોવા છતાં હું ફોન કરતો નહોતો. તમને હસવું આવશે પણ તેમની સાથે શું વાત કરવી એ મને સમજાતું જ નહોતું. છોકરીઓ સામે મારા હોઠ જાણે સીવાઈ જતા.

Exit mobile version