કરિયરના પચાસમા વરસે જોઇએ અમિતાભની અનોખી આંકડાબાજી

પોર્ટુગીઝોથી ગોવાને સ્વતંત્રતા અપાવવા માટેની લડત પર આધારિત ખ્વાજા અહમદ અબ્બાસની ફિલ્મ સાત હિન્દુસ્તાની પચાસ વરસ અગાઉ ૭ નવેમ્બર ૧૯૬૯ના રિલીઝ થઈ હતી. આજે અબ્બાસની ફિલ્મ કોઈને ખાસ યાદ રહી નથી પણ એમાં કામ કરનાર સાત અભિનેતામાંના એક  ઉંચા-પાતળા અને સામાન્ય લાગતા અભિનેતા તરફ એ સમયે કોઈનું ખાસ ધ્યાન ખેંચાયું નહોતું. પણ પચાસ વરસ બાદ એ કલાકાર મેગા સ્ટાર…, મિલેનિયમ સ્ટાર… કે સદીના મહાનાયક તરીકે વિખ્યાત છે. આ કલાકાર છે ૨૦૧૯નો દાદાસાહેબ ફાળકે ઍવોર્ડથી સન્માનિત અમિતાભ બચ્ચન. જી, સાત હિન્દુસ્તાની સાથે અમિતાભ બચ્ચને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં  પચાસ વરસ પૂરા કર્યા છે. જોકે સાત હિન્દુસ્તાની બાદ પણ સફળતા અમિતાભના કદમો ચુમતી આવી નહોતી. એક પછી એક અનેક ફિલ્મો નિષ્ફળ જતા એના પર ફ્લૉપ આર્ટિસ્ટનું લેબલ લાગ્યું હતું. પણ હિંમત હારે એ બીજા. અમિતાભે ઇન્ડસ્ટ્રીમાં ટોચના હીરો બનવાનું મનોમન નક્કી કર્યું હતું. અને નસીબની દેવીએ પણ અમિતાભના દૃઢ નિશ્ચય આગળ ઝૂકવું પડ્યું. ૧૯૭૩માં આવેલી ઝંઝીર ફિલ્મે અમિતાભ બચ્ચનને બૉલિવુડનો એન્ગ્રી મેન બનાવી દીધો. ઝંઝીર ફિલ્મથી નિષ્ફળતાની ઝંઝીરો તોડનાર અમિતાભે પાછળ વળીને જોયું નથી. હા, વચ્ચે પાછો નિષ્ફળતાનો દોર આવ્યો… માથે દેવાના ડુંગર ખડકાયા. પણ અન્યોને કરોડપતિ બનાવવાની સાથે અભિનેતાએ પણ પોતાની આર્થિક સ્થિતિને પણ સબળ બનાવી. આજે ૭૮ વરસની ઉંમરે પણ તેઓ ઇન્ડસ્ટ્રીના સૌથી વ્યસ્ત અભિનેતાઓમાંના એક છે.

7 નવેમ્બરે જ્યારે અમિતાભ બચ્ચન કરિયરના પચાસ વરસ પૂરા કરી રહ્યા છે ત્યારે આપણે જોઇએ અમિતાભની અનોખી આંકડાબાજી.

અમિતાભની ચાર હીરોઇનોએ એમની માતાની પણ ભૂમિકા ભજવી

અદાલત અને કભી કભીમાં અમિતાભ બચ્ચનની હીરોઇન બનેલી વહીદા રહેમાને ત્રિશૂલમાં અમિતાભની માતાની ભૂમિકા ભજવી હતી. વહીદા ઉપરાંત રાખી, શર્મિલા ટાગોર અને નૂતન પણ અમિતાભની હીરોઇનની સાથે માતાની ભૂમિકામાં નજરે પડી હતી.

૨૧ ફિલ્મોમાં અમિતાભનું નામ વિજય

એમાં શંકાને કોઈ સ્થાન નથી કે અમિતાભની પહેલી હિટ ફિલ્મમાં ઇન્સ્પેક્ટર વિજય નામ ફિલ્મ સર્જકોને એટલું પસંદ પડ્યું કે અભિનેતાનું વિજય નામકરણ એક-બે નહીં ૨૧ ફિલ્મોમાં કરવામાં આવ્યું હતું. અને મજાની વાત એ છે કે વિજય નામ ધરાવતી મોટા ભાગની ફિલ્મો હિટ થઈ હતી.

૯ ફિલ્મોમાં અમિતાભનું નામ અમિત

સિત્તેર અને એંસીના દાયકામાં બચ્ચન અમિત નામે જાણીતા હતા. દરમ્યાન એમની સિલસિલા, દો અંજાને, બેનામ જેવી નવ ફિલ્મોમાં અભિનેતાનું નામ અમિત રખાયું હતું.

૧૯ ફિલ્મોમાં અમિતાભે પોલીસ ઑફિસરની ભૂમિકા ભજવી

ઝંઝીર ફિલ્મથી એન્ગ્રી પોલીસ ઑફિસરની ભૂમિકા ભજવી લોકપ્રિયતાની શિખરે પહોંચેલા અમિતાભ એ પછી ૧૯ ફિલ્મોમાં પોલીસ અધિકારી તરીકે જોવા મળ્યો હતો. પોલીસ અધિકારી તરીકે એમની છેલ્લી ફિલ્મ હતી બન્ટી ઔર બબલી જેમાં ડીસીપી દશરથ સિંઘનું પાત્ર ભજવ્યું હતું.

૧૬ ફિલ્મોમાં અમિતાભની હીરોઇન હતી હેમા માલિની

વરિષ્ઠ કપલ તરીકે બાગબાન, બાબુલ, વીર ઝારામાં અનોખી છાપ છોડનારા હેમા માલિની અને અમિતાભની જોડી હીરો-હીરોઇન તરીકે પણ હિટ રહી હતી.

જોકે અમિતાભે સૌથી હિટ ફિલ્મો રાખી સાથે આપી છે. બંગાળી અભિનેત્રી સાથે કરેલી ૧૩ ફિલ્મોમાંથી ૧૨ સુપરહિટ સાબિત થઈ હતી.

તો અમિતાભ-પરવીન બાબીની જોડી ૧૨ ફિલ્મોમાં, રેખા સાથે ૧૧, ઝીનત અમાન ૮ ફિલ્મોમાં હીરોઇન તરીકે જોવા મળી હતી. જ્યારે રિયલ લાઇફનાં મિસિસ બચ્ચન જયા ભાદુરી-બચ્ચન સાથે ૯ ફિલ્મો કરી હતી. જયા સાથે અભિમાન કર્યા બાદ બંનેએ લગ્નના બંધનમાં જોડાવાનું નક્કી કર્યું હતું.

દિગ્દર્શક મનમોહન દેસાઈ સાથે કરી ૮ ફિલ્મો

અમિતાભ બચ્ચને નિર્માતા-દિગ્દર્શક મનમોહન દેસાઈ અને હૃષિકેશ મુખર્જી સાથે એક-બે નહીં પૂરી આઠ-આઠ ફિલ્મોમાં કામ કર્યું હતું. આ બે દિગ્ગજ સર્જકો ઉપરાંત અન્ય એક દિગ્દર્શક સાથે પણ આઠ ફિલ્મો કરી અને એ છે રામ ગોપાલ વર્મા.

૧૫ ફિલ્મોમાં ભજવ્યા ડબલ રોલ

૧૯૭૩માં આવેલી બંધે હાથમાં અમિતાભે બેવડી ભૂમિકા ભજવી હતી. અમિતાભ બચ્ચનને બેવડી ભૂમિકામાં લે તો સિંગલ ફીમાં નિર્માતાને બે અમિતાભ મળતા હતા. પંદર ફિલ્મોમાંથી અમિતાભે પાંચમાં પિતા-પુત્રની ભૂમિકા ભજવી હતી. તો મહાનમાં તેમણે પિતા અને બે પુત્રની ત્રેવડી ભૂમિકા ભજવી હતી.

પાંચ ફિલ્મોમાં નેગેટિવ રોલ કર્યા

સુપરહિટ ઝંઝીર બાદ અમિતાભે પરવાનામાં એક એવા પ્રેમીની ભૂમિકા ભજવી જે કોઇ પણ ભોગે પ્રેમિકાને પામવા માગે છે અને એ માટે હત્યા કરતા પણ અચકાતો નથી. ત્યાર બાદ બચ્ચને જૉની ગદ્દાર, આંખે, રામ ગોપાલ વર્મા કી આગ જેવી ફિલ્મોમાં ખલનાયકની ભૂમિકા ભજવી હતી.

૧૧ ફિલ્મોમાં નિરૂપા રૉયએ માતાની ભૂમિકા ભજવી

દીવારમાં અમિતાભ બચ્ચનની માતાની ભૂમિકા કર્યા બાદ પચીસ વરસ દરમ્યાન નિરૂપા રૉયએ અમિતાભની માતા તરીકે કુલ ૧૧ ફિલ્મો કરી. ફિલ્મ ઇન્ડસ્ટ્રીની મા-બેટાની સુપરહિટ જોડી ગણાતી હતી. બંનેની છેલ્લી ફિલ્મ હતી લાલ બાદશાહ.

૮ પ્રાદેશિક ભાષાની ફિલ્મો કરી

અમિતાભ એની નોકરીની શરૂઆત કોલકાતાથી કરી હોવાથી બંગાળી ભાષા અજાણી નહોતી. અને એની પહેલી પ્રાદેશિક ફિલ્મ પણ બંગાળી જબન હતી. ત્યાર બાદ ભોજપુરી, મરાઠી, મલયાલી મળી કુલ આઠ ફિલ્મો પ્રાદેશિક ભાષામાં કરી છે.

અમિતાભની ૧૮ ફિલ્મોમાં વિલન હતો અમજદ ખાન

આઠ વરસના ગાળામાં બંનેએ ૧૯ ફિલ્મો કરી જેમાં ૧૮માં અમજદ ખાને વિલનની ભૂમિકા ભજવી હતી. તેમની એક માત્ર ફિલ્મ સાજિદ નડિયાદવાલાની યારાનામાં બંનેએ લંગોટિયા મિત્રોની ભૂમિકા ભજવી હતી.

જ્યારે અમિતાભના કૉ-સ્ટાર તરીકે શશી કપૂરે બાર ફિલ્મો કરી હતી. બંને સૌપ્રથમ રોટી કપડા ઔર મકાનમાં દેખાયા હતા તો છેલ્લી ફિલ્મ હતી અકેલા. શશી કપૂરના દિગ્દર્શનમાં અમિતાભે અજૂબામાં કામ કર્યું હતું.

૩૦ ફિલ્મોમાં વૉઇસ ઓવર આપ્યો

ઑલ ઇન્ડિયા રેડિયોએ જેને નકારી કાઢ્યો હતો એ અમિતાભે ૩૦ જેટલી ફિલ્મોમાં વૉઇસ ઓવર આપ્યો છે. મૃણાલ સેનની ભુવન શોમ બાદ સત્યજીત રેની શતરંજ કે ખિલાડી અને ઓસ્કારમાં ગયેલી લગાન સહિત ત્રીસ ફિલ્મોમાં બચ્ચને વૉઇસ ઓવર આપ્યો હતો.

અમિતાભની ૨૨ ફિલ્મોમાં લક્ષ્મીકાંત પ્યારેલાલનું સંગીત

અમિતાભે કરેલી કુલ ફિલ્મોમાંથી ૨૨ ફિલ્મોમાં લક્ષ્મીકાંત પ્યારેલાલનું સંગીત હતું. તો ૨૧ ફિલ્મો સાથે આર.ડી. બર્મન બીજા ક્રમાંકે આવે છે. ત્યાર બાદ જેમની સાથે સૌથી વધુ સ્ટેજ શો કર્યા એ કલ્યાણજી આણંદજીએ અમિતાભની ૧૪ ફિલ્મોમાં સંગીત પીરસ્યું હતું. તો અનુ મલિક ૮ અને રાજેશ રોશને સાતમાં સંગીત આપ્યું હતું.

પાંચ ફિલ્મોમાં દિવ્યાંગની ભૂમિકા ભજવી

મનોજકુમારની ફિલ્મ રોટી કપડા ઔર મકાનમાં યુદ્ધમાં એક હાથ ગુમાવનાર સૈનિકની ભૂમિકા ભજવ્યા બાદ અમિતાભે કબીરામાં પણ પાકિસ્તાની સૈનિકે ફેંકેલા ગ્રેનેડમાં જમણો હોથ ગુમાવનાર કબીરાનું પાત્ર ભજવ્યું હતું. તો વઝીરમાં વ્હીલચેરમાં બેઠેલા દર્શાવાયા હતા. જ્યારે પામાં અકાળે વૃદ્ધ બનાવી દેતી બિમારીના ભોગ બનેલા બાળકની ભૂમિકા બખૂબી નિભાવી હતી. મજાની વાત એ છે કે ફિલ્મમાં અભિષેકે અમિતાભના પિતાનું પાત્ર ભજવ્યું હતું.

Exit mobile version