મનોરંજન જગતથી ખૂબ જ દુખદ સમાચાર આવ્યા છે. ટેલિવુડના જાણીતા અભિનેતા સિદ્ધાર્થ શુક્લાનું આજે અવસાન થયુ છે. મળતી જાણકારી મુજબ 40 વર્ષીય અભિનેતાનું મૃત્યુ હાર્ટ ઍટેકને કારણે થયું છે. હૃદયરોગના હુમલા બાદ સિદ્ધાર્થને કૂપર હોસ્પિટલમાં લઈ જવાયો જ્યાં ડૉક્ટરોએ એને મૃત ઘોષિત કર્યો હતો.
અભિનેતા અને બિગ બૉસના વિનર સિદ્ધાર્થ શુક્લાએ રાત્રે સૂતા પહેલાં દવા લીધી હતી, પણ એ ઉઠ્યો જ નહોતો. ડૉક્ટરના જણાવ્યા મુજબ એનું મૃત્યુ હાર્ટ ઍટેકને કારણે થયુ છે.
12 ડિસેમ્બર 1980ના જન્મેલા સિદ્ધાર્થ શુક્લાએ એની કરિયરની શરૂઆત મૉડેલિંગથી કરી હતી. 2004માં એણે ટેલિવિઝનમાં એન્ટ્રી કરી. 2008માં એણે બાબુલ કા આંગન છૂટે ના સિરિયલમાં કામ કર્યું હતું. પરંતુ એને આગવી ઓળખ અપાવી બાલિકા વધુએ. આ સિરિયલે એને ઘરે ઘરે પહોંચાડ્યો.
સિદ્ધાર્થ શુક્લાના અચાનક થયેલા નિધનને કારણે મનોરંજન જગતમાં આઘાતની લાગણી ફેલાઈ છે.