ઢોલિવુડમાં છેલ્લા થોડા સમયથી વૈવિધ્યસભર વિષયો ધરાવતી ફિલ્મો જોવા મળી રહી છે. અગાઉની ગુજરાતી ફિલ્મોની ઈમેજથી સાવ અલગ પ્રકારની અને ઢોલિવુડને આગવી ઓળખ આપતી ફિલ્મોનું નિર્માણ હાલના ગુજરાતી નિર્માતાઓ કરી રહ્યા છે.
આવી જ એક અનોખી ફિલ્મ ‘ફક્ત મહિલાઓ માટે‘ બૉલીવુડના વિખ્યાત પ્રોડ્યુસર આનંદ પંડિત લઈને આવી રહ્યા છે. ‘આનંદ પંડિત મોશન પિક્ચર્સ’ હેઠળ બનેલી અને જેમાં મેગા સ્ટાર અમિતાભ બચ્ચને કેમિયો કર્યો છે એ ફક્ત મહિલાઓ માટે 19 ઓગસ્ટના રિલીઝ થઈ રહી છે. ફિલ્મમાં મેગા સ્ટાર અમિતાભ બચ્ચન અભિનય કરવાની સાથે ગુજરાતીમાં ડાયલોગ્સ બોલતા હોય એ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે માઈલસ્ટોન સમી ઘટના ગણી શકાય.
ફિલ્મના શૂટિંગ બાદ અમિતાભ બચ્ચને તેમના બ્લૉગ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર લખ્યું હતું કે ‘નો કવેશ્ચન્સ આસ્કડ, નો આન્સર ગીવન. ડિડ ફોર અ ફ્રેન્ડ’. એટલે કે ‘નથી મેં કોઈ સવાલો કર્યા, નથી મને કોઈ જવાબો અપાયા. મેં મિત્ર માટે આ ફિલ્મ કરી છે.’
એટલે કે આનંદ પંડિત સાથેની મિત્રતાને કારણે અમિતાભ બચ્ચને ગુજરાતી ફિલ્મમાં અભિનય કરવાનું પસંદ કર્યું.
ગુજરાતી ફિલ્મ ‘ફક્ત મહિલાઓ માટે’ એ એક વ્યક્તિ, ચિંતન પરીખની વાત છે. 28 વર્ષીય મધ્યમ-વર્ગીય માણસ જે એના જીવનમાં સતત મહિલાઓથી ઘેરાયેલો અને પરેશાન રહે છે. અંબાજીની એક ભાગ્યશાળી યાત્રા સમયે માતાજીને તે પ્રાર્થના કરવાની સાથે એવી શક્તિ માંગે છે જે તેને સ્ત્રીઓને સમજવામાં મદદ કરી શકે. અને તેની આ ઈચ્છા પૂરી થાય છે. અને પછી એની સમસ્યા દૂર થાય છે કે પછી…
ફિલ્મના નિર્માતા આનંદ પંડિત કહે છે, “હું હંમેશા ગુજરાતી ભાષામાં કૌટુંબિક ફિલ્મો બનાવવા માંગતો હતો અને મારા મગજમાં પહેલું નામ માત્ર અમિતાભ બચ્ચનનું હતું. હું ભાગ્યશાળી છું કે તેઓ આ ફિલ્મમાં કેમિયો ભજવવા માટે જ નહીં પરંતુ ફિલ્મની સ્ટોરીના વર્ણનમાં તેમનો જાદુઈ અવાજ આપવા માટે પણ સંમત થયા. મને આશ્ચર્ય તો એ વાતે થાય છે કે જયારે મેં સૂચવ્યું કે અમે તેમના દૃશ્યો ડબ કરીએ? પરંતુ તેમણે ખૂબ જ વિનમ્રતાપૂર્વક કહ્યું, “આપ પહેલે હમારા કામ દેખીયે!” અને જાતે જ સંપૂર્ણ ગુજરાતી શબ્દપ્રયોગ સાથે અવાજ રેકૉર્ડ કર્યો. આ સૂચવે છે કે તેઓ તેમના કામમાં શોર્ટકટ નથી લેતા. હું ખૂબ જ ખુશ છું કે તેઓ ‘ફક્ત મહિલા માટે ‘નો એક ભાગ છે અને આ સાથે હું આ ફિલ્મ રિલીઝ થઈ રહી છે ત્યારે હું ખૂબ જ ઉત્સાહિત છું અને મને આશા છે કે દર્શકોને આ ફિલ્મ પસંદ પડશે.
વૈશલ શાહ કહે છે, આનંદ પંડિત સાથે ફિલ્મનું નિર્માણ કરીને હું ગૌરવ અનુભવી રહ્યો છું. અમિતાભ બચ્ચન સાથે હિન્દી ફિલ્મ ચેહરે પછી, હવે આ ફિલ્મમાં બચ્ચને વાર્તાના વર્ણનમાં પોતાનો અવાજ આપ્યો છે અને તેણે કેમિયો પણ કર્યો છે. અમે 19મી ઑગસ્ટ ઉપર તહેવારના દિવસોમાં આ ફિલ્મ રિલીઝ કરી રહ્યાં છીએ, તેથી પરિવારો માટે આ એક મોટી ટ્રીટ હશે.”
ફિલ્મના દિગ્દર્શક જય બોડાસ કહે છે, મેં ક્યારેય વિચાર્યું નહોતું કે મારુ ડેબ્યુ મિસ્ટર અમિતાભ બચ્ચન સાથે હશે, જોકે આ ફિલ્મમાં કૌટુંબિક મનોરંજનના તમામ મસાલા છે. પરિવારની દરેક વ્યક્તિ માટેની આ ફિલ્મ છે.
ફક્ત મહિલાઓ માટેમાં અમિતાભ બચ્ચન સાથે જોવા મળશે યશ સોની, દીક્ષા જોશી, તર્જની ભાડલા, કલ્પના ગગડેકર, ભાવિની જાની, દીપ વૈદ્ય.
ફિલ્મનું ટ્રેલર જોવા નીચેની લિન્ક પર ક્લિક કરો