ફિલ્મની જાહેરાત થઈ ત્યારથી જેની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે એ અમિતાભ બચ્ચન અને ઇમરાન હાશ્મીની ફિલ્મ ચેહરેની રિલીઝ ડેટ ફરી લંબાઈ છે. આનંદ પંડિત દ્વારા નિર્મિત મિસ્ટ્રી થ્રિલર અગાઉ એપ્રિલમાં રિલીઝ થવાની હતી. પરંતુ ગુલાબો સિતાબોના નિર્માતા રૉની લાહિરી અને શૂજિત સિરકારની વિનંતીને માન આપી રિલીઝની તારીખ બદલવામાં આવી છે. હવે ચેહરે 17 જુલાઈ 2020ના રિલીઝ થશે.

રિલીઝની નવી તારીખ અંગે નિર્માતા આનંદ પંડિતે જણાવ્યું કે, હા, અમે ગુલાબો સિતાબોના નિર્માતાએ વિનંતી કરતા ચેહરેની તારીખ બદલી 17 જુલાઈ કરી છે. શૂજિત સિરકાર અને રૉની લાહિરી સાથેના સંબંધો ઘણા સારા રહ્યા છે. રોમાંચક ફિલ્મોને સારી રીતે રિલીઝ કરવી એ માત્ર અમારા ફાયદાની જ વાત નથી, પરંતુ અમિતાભ બચ્ચનના ચાહકો માટે પણ આનંદના સમાચાર છે. એટલે અમે ચૈહરેને 17જુલાઈએ રિલીઝ કરવાનો નિર્ણય કર્યો.

રાઇઝિંગ સન ફિલ્મ્સના નિર્માતા રૉની લાહિરીએ પણ આ વાતની પુષ્ટી કરતા કહ્યું કે, અમાંરી ફિલ્મ તૈયાર હોવાથી અમે એપ્રિલમાં રિલીઝ કરવા ઉત્સુક હતા. આનંદ પંડિત સાથે અમારો તાલમેલ ઘણો સારો છે અને ચેહરેનું શૂટિંગ ચાલી રહ્યું હતું, એટલે અમે નમ્રતાપૂર્વક તેમને એપ્રિલમાં ગુલાબો સિતાબોને રિલીઝ કરવાનું પ્લાનિંગ હોવાનું જણાવ્યું હતું. ત્યારે તેમણે પણ પૂરી સજ્જનતા દાખવી ચેહરેની રિલીઝ ડેટ પાછળ ઠેલી.

રિયા ચક્રવર્તી, સિદ્ધનાથ કપૂર, દૃથમન ચક્રવર્તી, ક્રિસ્ટેલ ડિસોઝા, રઘુવીર યાદવની સાથે અન્નુ કપૂર જેવા કસાયેલા કલાકારો ધરાવતી ફિલ્મ વિશે અનેક અટકળો ચાલી રહી છે. શરૂઆતમાં એવા અહેવાલો આવી રહ્યા હતા કે ફિલ્મ વકીલાતના ધંધા પર આધારિત એક ક્રિસ્પ અને આકર્ષક થ્રિલિંગ ડ્રામા છે. જેમાં અમિતાભ બચ્ચન અને ઇમરાન હાશ્મી એક બીજા વિરૂદ્ધ દાવપેચ ખેલી રહ્યા છે. હકીકતમાં ફિલ્મમાં અમિતાભ બચ્ચન એક વકીલની ભૂમિકામાં છે અને ઇમરાન હાશ્મી બિઝનેસ ટાયકુન છે.

17 જુલાઈ 2020ના રિલીઝ થઈ રહેલી ચેહરેનું નિર્માણ આનંદ પંડિત મોશન પિક્ચર્સ અને સરસ્વતિ એન્ટરટેઇન્મેન્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા કરવામાં આવ્યું છે. ફિલ્મના દિગ્દર્શક છે રૂમિ જાફરી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here