નેશનલ અવૉર્ડ વિજેતા ફિલ્મ રેવાના સર્જકો રાહુલ ભોલે અને વિનીત કનોજિતાની નવી ફિલ્મ 8 જુલાઈએ રિલીઝ થઈ રહી છે. ફિલ્મનું નામ છે વિકીડાનો વરઘોડો. ફિલ્મના પ્રચાર માટે મુંબઈ આવેલા રાહુલ-વિનીત કનોજિયાએ ફિલ્મી ઍક્શનને આપેલી મુલાકાતમાં વિકીડાનો વરઘોડોની સાથે તેમના આગામી પ્રોજેક્ટ અંગે પણ વાત કરી હતી.
2018માં ગુજરાતીના જાણીતા લેખક ધ્રુવ ભટ્ટની નવલકથા તત્વમસી પર આધારિત અર્થસભર ગુજરાતી ફિલ્મ રેવાથી ચર્ચામાં આવેલા લેખક-દિગ્દર્શક-એડિટર રાહુલ ભોલે અને વિનીત કનોજિયા હવે કૉમેડી ફિલ્મ લઈને આવી રહ્યા છે. રેવા બાદ વિકીડાનો વરઘોડો જેવી કૉમેડી ફિલ્મ બનાવવાનું કોઈ ખાસ કારણ? પ્રશ્નના જવાબમાં રાહુલે કહ્યું કે, રેવા બાદ અમે લોકોને અમારા આગામી પ્રોજેક્ટ વિશે જાણવાની તાલાવેલી હતી. તો પત્રકાર મિત્રો પૂછતા કે હવે કઈ નોવેલ પરથી ફિલ્મ બનાવવાની યોજના છે. ત્યારે અમનને લાગ્યું કે અમારે નિર્માતા તરીકે ટાઇપકાસ્ટ થવું નથી જેમના પર માત્ર સાહિત્યિક કે ઑફબીટ ફિલ્મો બનાવવાનું લેબલ લાગેલું હોય. એટલે અમે હટકે વિષય પર ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું અને અમે રૉમ-કૉમ બનાવવાનું પ્લાનિંગ કર્યું.
તો તમારા મનમાં ફિલ્મનું કથાબીજ હશે જ…
ના. હકીતમાં અને એક બીજા વિષયની સ્ક્રિપ્ટ લઈ મલ્હારને મળવા અમદાવાદ જઈ રહ્યા હતા. આ પણ એક રોમાન્ટિક વિષય હતો. અમે મીટિંગના સ્થળે પહોંચીએ એ પહેલાં મારા મનમાં રમતા વિ।યની વન લાઇન વિનીતને સંભળાવી. એને પણ વનલાઇનર ઘણી પસંદ પડી. અમે મલ્હાર ઠાકરને મળ્યા અને એને સ્ક્રિપ્ટ સંભળાવી. ફિલ્મ કરવાની હા તો પાડી પણ એની બૉડી લેન્ગ્વેજ દર્શાવતી હતી કે ફિલ્મની વાર્તા ખાસ પસંદ પડી નથી. દરમિયાન ત્યાંથી નીકળવા અગાઉ મેં એને વનલાઇનર સંભળાવી. અને એણે તુરંત કહ્યું કે બીજું બધું પડતું મુકો આપણે આ વિષય પર જ ફિલ્મ બનાવવાનું શરૂ કરીએ.
ફિલ્મ માટે મલ્હારને જ લેવાનું કોઈ ખાસ કારણ?
મલ્હાર સાથે અમારું બૉન્ડિંગ વરસોથી છે. મુંબઈમાં ચાર-પાંચ વરસના સ્ટ્રગલના દિવસો દરમિયાન અમે રૂમ પાર્ટનર હતા. મલ્હાર ગુજરાતી નાટકોમાં કામ કરતો હતો તો હું મરાઠી નાટકોનું ગુજરાતીમાં રૂપાંતર કરતો. એના અભિનયક્ષમતાથી હું પરિચિત હતો. એમાંય એનું કૉમિક ટાઇમિંગ જબરજસ્ત છે. રિયલ લાઇફમાં પણ એની મજાક-મસ્તી ચાલતી જ હોય છે. અને વિકીડાના વરઘોડાનું વિકીનું પાત્ર પણ એવું જ મોજીલું છે.
મલ્હાર સાથે વાત થયા બાદ અમે સ્ટોરી ડેવલપ કરી. હીરો તરીકે તો મલ્હાર નક્કી હતો. પણ ફિલ્મની ત્રણ હીરોઇનો નક્કી કરવાની હતી. જોકે રેવામાં અમારી સાથે કામ કરી ચુકેલી મોનલ ગજ્જર ફિલ્મના એક પાત્ર અનુશ્રી માટે પર્ફેક્ટ હતી. જ્યારે જીનલ બેલાનીનું કામ અમે ઘણી ગુજરાતી ફિલ્મોમાં જોયું હતું. અમે એને સ્કૂલમાં ભણતી રાધિકાના પાત્ર માટે પસંદ કરી. જોકે કૉલેજ ગર્લના પાત્ર માટે કોઈ અભિનેત્રી ફિટ બેસતી નહોતી. ઘણા ઑડિશન લીધા પણ એકને પણ લૉક કરી શક્યા નહીં. દરમિયાન માનસી રાચ્છનો ઑડિશનનો વિડિયો અમે ભાવનગરમાં શૂટિંગ કરતા હતા ત્યારે મળ્યો. એ જોઇને લાગ્યું કે કૉલેજ ગર્લ વિદ્યાના પાત્ર માટે આ છોકરી ફિટ છે.
ફિલ્મની વાર્તા કેવા પ્રકારની છે?
રાજ કપૂરની ફિલ્મ મેરા નામ જોકરના એ ભાઈ જરા દેખ કે ચલો ગીતમાં જિંદગીની વ્યાખ્યા ત્રણ કલાકના શો સાથે કરી હતી. તો અમે પ્રેમના ત્રણ તબક્કા દર્શાવ્યા છે. સ્કૂલમાં થતો પહેલો પ્રેમ, કૉલેજના ધમાલ-મસ્તીભર્યા માહોલમાં થતો પ્રેમ અને ત્રીજો લાઇફ પાર્ટનર સાથેનો. ફિલ્મમાં વિકીના પણ પ્રેમના ત્રણ તબક્કા દર્શાવ્યા છે. પણ આ ત્રણેય પ્રેમિકાઓ વિકીના લગ્નમાં ભેગા થાય છે અને પછી શું થાય છે એ તો ફિલ્મ જોશો તો જ ખબર પડશેને…
આગામી પ્રોજેક્ટ પણ કૉમેડી જ હશે?
ના. અમે વૈવિધ્યસભર વિષયો પર ફિલ્મ બનાવવા માગીએ છીએ. હાલ અમે એક થ્રિલર પર કામ કરી રહ્યા છીએ. ગુજરાતીમાં બની રહેલી આ ફિલ્મ વિશે અત્યારે બીજું કંઈ કહેવું ઘણું વહેલું ગણાશે.
ફિલ્મના નિર્માતા શરદ પટેલ
છેલ્લો જિવસ, સ્વિટી વેડ્સ એનઆરઆઈ, તાશ્કંદ ફાઇલ્સ, બુદ્ધા ઇન ટ્રાફિક જૅમ અને સ્ટિલ અબાઉટ સેક્શન 377 જેવી ફિલ્મો અને વેબ સિરીઝનું નિર્માણ કરનાર સિનેક્રૉપના શરદ પટેલ ગુજરાતી ફિલ્મ વિકીડાનો વરઘોડોના પણ નિર્માતા છે. શરદ પટેલે જણાવ્યું કે મેં હંમેશ ફિલ્મના કન્ટેન્ટ પર ધ્યાન આપ્યુ છે. જેમાં દેશના અમુક ધરબાઈ ગયેલા મુદ્દાઓ પર આધારિત ફિલ્મ કે વેબ સિરીઝ બનાવી છે તો નિર્ભેળ મનોરંજન આપતી ફિલ્મોનું પણ નિર્માણ કર્યું છે. વિકીડાનો વરઘોડો પણ દર્શકોને ફિલ્મી ડાયલોગની ભાષામાં કહું તો એન્ટરટેઇન્મેન્ટ, એન્ટરટેઇન્મેન્ટ અને એન્ટરટેઇન્મેન્ટ જ પૂરૂં પાડશે.