રિશી કપૂરના નિધનના સમાચારથી બૉલિવુડ પર થયો વજ્રાઘાત

બૉલિવુડના દિગ્ગજ અભિનેતા રિશી કપૂરનું ગુરૂવારે સવારે લગભગ પોણા નવ વાગ્યે દક્ષિણ મુંબઈની સર એચ. એન. હોસ્પિટલમાં અવસાન થયું એની જાણકારી દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચને એમના ટ્વીટર અકાઉન્ટ પર ટ્વીટ કરીને જાણકારી આપી હતી. તેમણે માત્ર એક જ વાક્ય લખ્યું હતું વો ગયા. રિશી કપૂર ગયે. અભી ઉનકા નિધન હુઆ. મૈં તૂટ ગયા હૂં. આ સમાચાર વાયુવેગે દેશભરમાં ફેલાઈ ગયા. લોકો સતત સોશિયલ મીડિયા પર તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

ગુરૂવારે સવારે લીધા અંતિમ શ્વાસ

ઇરફાન ખાનના મૃત્યુના આઘાતમાંથી લોકો હજુ બહાર આવ્યા નહોતા ત્યાં ઓર એક આંચકો આવ્યો. બૉલિવુડના દિગ્ગજ અભિનેતા રિશી કપૂરનું ગુરૂવારે સવારે અવસાન થયું. 67 વર્ષીય રિશી કપૂર લાંબા અરસાથી કેન્સર સામે જંગ લડી રહ્યા હતા. અમેરિકામાં લાંબો સમય સારવાર કરાવ્યા બાદ તેઓ પાછા ભારત આવ્યા, અમુક ફિલ્મો પણ કરી. પરંતુ બુધવારે રાત્રે અચાનક તેમની તબિયત બગડી અને તેમને હરકિસનદાસ હોસ્પિટલમાં આઇસીયુમાં રાખવામાં આવ્યા. પરંતુ ગુરૂવારે સવારે તેમમે લગભગ પોણા નવ વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા.

રિશી કપૂરના ભાઈ રણધીર કપૂરે જણાવ્યું હતું કે રિશી કપૂરને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોવાથી હોવાથી હોસ્પિટલમાં દાખલ કરાયા છે જ્યાં તેમની સાથે નીતુ કપૂર પણ છે.

2018માં રિશી કપૂરને કેન્સર હોવાનું નિદાન થયું હતું. આને પગલે તેઓ સારવાર માટે ન્યૂ યોર્ક ગય. જ્યાં આઠ મહિના ટ્રીટમેન્ટ ચાલી હતી. જોકે કપૂર ખાનદાને તેમની બીમારી અંગે કોઈ ખુલાસો કર્યો નહોતો, પરંતુ રિશી કપૂરે પોતે લોકોને આ અંગેની જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે તેમને કેન્સર છે અને તેમની તબિયત સુધારા પર છે.

સારવાર દરમ્યાન પણ મિસ કરતા હતા બૉલિવુડ અને ભારતની લાઇફ

રિશી કપૂર ભલે આજે આપણી વચ્ચે નથી, પરંતુ દાયકાઓ સુધી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને આપેલા અમૂલ્ય યોગદાનને કારણે હંમેશ યાદ રહેશે. તેઓ એક એવા અભિનેતા હતા જેમને કેન્સરની સારવાર દરમ્યાન પણ એમના કામની ચિંતા હતી. આ વાતનો ખુલાસો ખુદ રણબીર કપૂરે કર્યો હતો. રણબીરે એક ઇવેન્ટમાં જણાવ્યું હતું કે તેઓ ન્યૂ યોર્કમાં ટ્રીટમેન્ટ દરમ્યાન પણ વારંવાર પૂછતા હતા કે તેઓ સાજા થઈ ઘરે આવશે તો તેમને કોઈ કામ આપશે કે તેઓ હવે કામ કરી શકશે? રણબીરે વધુમાં જણાવ્યું કે તેઓ ફિલ્મ ઇન્ડસ્ટ્રી અંગે અવારનવાર પૂછતા રહેતા. તેઓ બૉલિવુડ અને ભારતની તેમની લાઇફ ઘણી મિસ કરતા હતા. રણબીર આ અંગે વાત કરતા ઘણો ઇમોશનલ થઈ ગયો હતો.

છેલ્લા શ્વાસ સુધી મેડિકલ સ્ટાફનું મનોરંજન કરતા રહ્યા

રિશી કપૂરના નિધન બાદ કપૂર પરિવાર દ્વારા એક સંદેશ જારી કરવામાં આવ્યો હતો. જેમાં જણાવાયું હતું કે કેન્સર જેવી બીમારીને લડત આપી રહેલા રિશી કપૂર છેલ્લા શ્વાસ સુધી જિંદાદિલ રહ્યા અને મેડિકલ સ્ટાફનું મનોરંજન કરતા રહ્યા.

કપૂર ફૅમિલી દ્વારા જારી કરાયેલા સંદેશમાં કહ્યું હતું કે, આપણા સર્વેના પ્રિય રિશી કપૂરનું લ્યુકેમિયા સામેની બે વરસની લડાઈ બાદ આજે સવારે 8.45 વાગ્યે નિધન થયું. હોસ્પિટલના ડૉક્ટર્સ અને મેડિકલ સ્ટાફે જણાવ્યું કે તેઓ છેલ્લા શ્વાસ સુધી બદાનું મનોરંજન કરતા રહ્યા. બે વરસથી ઇલાજ ચાલી રહ્યો હોવા છતાં તેઓ દૃઢ ઇચ્છાશક્તિથી જિંદગી માણતા રહ્યા.

એ સાથે સંદેશમાં લખ્યું હતું કે, કેન્સર હોવા છતાં રિશીનું ફોકસ હંમેશ પરિવાર, મિત્રો, ભોજન અને ફિલ્મો પર જ રહ્યું હતું. આ સમયગાળા દરમ્યાન તેમને મળનાર તમામને આશ્ચર્ય થતું કે તેમને બીમારી વચ્ચે પણ કેવી રીતે પરિવાર, મિત્રો, ભોજન અને ફિલ્મોથી વેગળા ન થવા દીધા.

પરિવારે વધુમાં જણાવ્યું કે, તેઓ એમના પ્રશંસકોના પ્રેમથી અભિભૂત હતા, જેઓ દુનિયાભરથી આવ્યા હતા. રિશી કપૂરના નિધન બાદ પ્રશંસકોને કહેવાનું કે રિશીને એક સ્માઇલથી યાદ કરો એ પસંદ પડશે, આસું સાથે નહીં.

પરિવાર પર આવી પડેલી આપદા વચ્ચે પણ તેમણે પ્રશંસકોને સલાહ આપી હતી કે કોરોના મહામારીને કારણે એકત્ર થવા પર પ્રતિબંધ હોવાથી ભીડ ન કરે. અમે રિશી કપૂરના ચાહકો, શુભચિંતકો અને પરિવારના મિત્રોને અનુરોધ કરીએ છીએ કે તેઓ કાયદાને માન આપે, અન્ય કોઈ વિકલ્પ પણ નથી.

Exit mobile version