ફિલ્મ રિવ્યુ : ભૂલ ભૂલૈયા-2
ફૅમિલી એન્ટરટેઇનર મૂવી
રેટિંગ : 3/5 સ્ટાર
અક્ષય કુમારની ફિલ્મ ભૂલ ભૂલૈયાની સિક્વલ બનાવવાની જાહેરાત થવાની સાથે જ અક્ષય કુમાર અને કાર્તિક આર્યનની સરખામણી થવા લાગી. ઘણાને આશંકા હતી કે કાર્તિક અક્ષય કુમારને પંગડામાં પગ ઘાલી શકશે કે નહીં. પરંતુ ફિલ્મ જોયા બાદ એટલું તો નક્કી કે સિક્વલમાં નવા ફ્લેવરની વાર્તા માટે કાર્તિક આર્યન એકદમ પર્ફેક્ટ ચૉઇસ છે. જોકે કિયારા અડવાણીના ભાગે ખાસ કરવાનું આવ્યું નથી કારણ આ ફિલ્મ તબુની છે. હકીકતમાં જૂની અને નવી ફિલ્મમાં જો કોઈ સમાનતા હોય તો એ છે રાજસ્થાન અને રાજપાલ યાદવ.
2007માં આવેલી પ્રિયદર્શન દ્વારા દિગ્દર્શિત અક્ષય કુમારની ભૂલ ભૂલૈયાએ બૉક્સ ઑફિસ પર ધૂમ કમાણી કરી હતી. આજે પણ દર્શકોને મોકો મળે તો એ ફિલ્મ જોવાનું ચૂકતા નથી. હવે પૂરા પંદર વર્ષ બાદ એની સિક્વલ આવી છે જેમાં અક્ષયના સ્થાને કાર્તિક જોવા મળે છે. જ્યારે દિગ્દર્શકની જવાબદારી અનીસ બઝમીએ સંભાળી છે.
ફિલ્મની વાર્તા શરૂ થાય છે મંજુલિકાના ભૂતને તાંત્રિકની સહાયતાથી એક રૂમમાં બંધ કરવાથી. ત્યાંથી વાર્તા અઢાર વરસનો કુદકો મારે છે અને એન્ટ્રી થાય છે રુહાન રંધાવા (કાર્તિક આર્યન)ની. એક વિખ્યાત ઉદ્યોગપતિના દીકરા રુહાન દુનિયાભરમાં ભમવાની અને પોતાની રીતે જિંદગી જીવતો નફિકરોય યુવાન છે. સંજોગોવશાત એની મુલાકાત રીત (કિયારા અડવાણી) સાથે થાય છે જે મેડિકલનો અભ્યાસ કરી રહી છે. રીતના કહેવાથી રુહાન રાજસ્થાનના ભવાનીગઢ પહોંચે છે. રુહાન અહીં પહોંચ્યા બાદ બધાને એ કહે છે કે એ ભૂતો સાથે વાતો કરી શકે છે. અને ભવાનીગઢના લોકોમાં એની ઓળખ રૂહ બાબા તરીકેની બની જાય છે. પણ મુશ્કેલી ત્યારે શરૂ થાય છે જ્યારે મંજુલિકાનું ભૂત પાછું બહાર આવી જાય છે.
ભૂલ ભૂલૈયા-2ની વાર્તામાં લૉજિક શોધવા જશો તો મગજ બહેર મારી જશે. પરંતુ ફરહાદ સામજીનો સ્ક્રીન પ્લે અને આકાશના ડાયલોગ તમને સતત હસાવતા રહે છે. કૉમેડીના પંચ ઘણા સારા છે, ઉપરાંત કાર્તિક આર્યનની મજેદાર કૉમિક ટાઇમિંગ દર્શકોને હસવા મજબૂર કરે છે. કાર્તિક આર્યનને એની અભિનય ક્ષમતા દર્શાવવાનો પણ પૂરો મોકો મળ્યો અને એણે એનો ભરપુર ફાયદો ઉઠાવ્યો. કિયારા અડવાણીએ પણ એના પાત્રને ન્યાય આપવાનો પૂરો પ્રયાસ કર્યો છે. જોકે હંમેશની જેમ તબુએ ફરી પોતાને એફર્ટલેસ એક્ટર પુરવાર કરે છે. એ ફિલ્મનું સૌથી મહત્ત્વનું પાત્ર છે. ઉપરાંત સંજય મિશ્રા, રાજપાલ યાદવ અને અશ્વિની કાલસેકરની ત્રિપૂટી પણ કૉમેડીનો ડૉઝ વધારવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે.
અનીસ બઝમી દ્વારા દિગ્દર્શિત આ હૉરર કૉમેડી ફિલ્મમાં કાર્તક આર્યન ઉપરાંત તબુ, કિયારા અડવાણી મુખ્ય ભૂમિકામાં છે. ઉપરાંત રાજપાલ યાદવ, સંજય મિશ્રા, રાજેશ શર્મા, મિલિંદ ગુણાજી અને અમર ઉપાધ્યાય જેવા કલાકારો પણ જોવા મળે છે.
આ એક ફૅમિલી એન્ટરટેઇનર ફિલ્મ છે અને પૂરા પરિવાર સાથે ફિલ્મની મોજ માણી શકાય એવી છે.