મુંબઈની પંચતારક હોટેલ જે. ડબલ્યુ. મેરિયટ ખાતે ગુરુ-શિષ્ય પરંપરા ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ઉત્સવમાં માત્ર હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સંગીતના દિગ્ગજો જ નહીં પણ શાસ્ત્રીય સંગીતના ધુરંધરે પણ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં પંડિત હરિપ્રસાદ ચૌરસિયા, અનુરાધા પૌડવાલ, જસપિન્દર નરુલા, તલત અઝીઝ, પં. ભવદીપ જયપુરવાલે, પીનાઝ મસાણી, આદિત્ય ચંદન દાસ, ઘનશ્યામ વાસવાણી, પ્રતિભા સિંહ બઘેલ, અન્વેષી જૈન, વિપિન અનેજા, આકૃતિ કક્કર, મીનલ જૈન, સુદીપ બેનર્જી, રામ શંકર, ક્ષિતિજ વાળા, પ્રિયંકા વૈદ્ય, મયુરેશ પાઈ, શ્રાવણી ચૌધરી ઉપરાંત અગ્રણી અગ્રણી ઉદ્યોગપતિ બિરલા ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર એ. અશોક ખોસલા, હિંદુજા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો.
આ પ્રસંગે ગુરુ અનુપ જલોટા અને શિષ્ય સુમીત તપ્પુએ ગાયેલાં સાત ગીતોનું આલ્બમ લીગસી પણ રિલીઝ કરાયું હતું. જેમાં શાસ્ત્રીય, ભક્તિ, આધ્યાત્મિક, ગઝલ, સૂફી તથા ગીતનો સુભગ સમન્વય જોવા મળે છે. આ આલબમ સંગીતની દુનિયાની ગુરુ-શિષ્ય પરંપરાને સમર્પિત છે.
આ અવસરે અનુપ જલોટાએ જણાવ્યું કે, મારી ફિજીની પહેલી ટુર સમયે સુમિતના પરિવાર સાથે મારી મુલાકાત થઈ હતી. મારા કાર્યક્રમમાં ત્રણ-ચાર સુમિત આવ્યો હતો. ત્યાર બાદ જ્યારે પણ ફિજીમાં મારી કૉન્સર્ટ થતી ત્યારે સુમિત આવતો અને સંગીતમાં લીન થઈ જતો. મેં એની આંખોમાં ચમક જોઈ, સંગીત પ્રત્યેની તેની લગની જોઈ શિષ્ય બનાવ્યો. આજે એને વિશ્વસ્તરીય કલાકાર તરીકે સ્થાપિત થયેલો જોઈ ગર્વની લાગણી અનુભવી રહ્યો છું.
શિષ્ય સુમિતે કહ્યું કે, અનુપજીને મળ્યા બાદ મારું જીવન બદલાઈ ગયું. અમારું બંધન આ જિંદગી પૂરતું સીમિત નથી… એ શાશ્વત હોવાનું પ્રતીત થાય છે. લીગસી આલબમ એ માર્ગદર્શન, પ્રેમ અને પ્રેરણાનું પ્રતિબિંબ છે જે તેમણે મને આપ્યું છે. અને મને વિશ્વાસ છે કે લીગસી આલબમ સંગીત પ્રેમીઓને મંત્રમુગ્ધ કરશે.