ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા,
જંગલની કુંજકુંજ જોવી હતી;
જોવી’તી કોતરો ને જોવી’તી કંદરા,
રોતા ઝરણાંની આંખ લ્હોવી હતી.
કવિ ઉમાશંકર જોશીની આ કવિતાને આમ તો ઘણા લોકોએ આત્મસાત કરી કુદરતને ખોળે ફરવા નીકળ્યા હશે. પરંતુ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં માસ્ટર ભીડેની પુત્રી સોનુની ભૂમિકા ભજવી દર્શકોના દિલ જીતી લેનાર નિધિ ભાનુશાળીએ તો માત્ર એકવીસ વરસની ઉંમરે ભોમિયા વિના માત્ર એક મિત્રની સાથે દેશના દસ રાજ્યો ખુંદી વળી હતી. નિધિ હવે છ મહિનાની રોમાંચક રઝળપાટના વિડિયોની શ્રેણી તૈયાર કરી રહી છે. મુંબઈથી શરૂ કરીને મહારાષ્ટ્ર, ગુજરાત સહિત દસ રાજ્યોના કુદરતી સૌંદર્યને માણી મુંબઈ પાછી ફરી છે. ટ્રિપમાં એની સાથે હતો એનો મિત્ર અને નેચર ફોટોગ્રાફર રિશિ અરોરા.
રોડ ટ્રિપ અંગે જણાવતા નિધિનાં મમ્મી પુષ્પા ભાનુશાળીએ ફિલ્મી ઍક્શનને જણાવ્યું કે, નિધિએ પહેલીવાર જ્યારે રોડ ટ્રિપની વાત કરી ત્યારે અમે સીધી ના પાડી દીધી. એ બે-ચાર અઠવાડિયા માટે નહીં પણ છ મહિનાની રોડ ટ્રિપ પર જવા માંગતી હતી. એટલું જ નહીં રાતવાસો કોઈ હોટેલમાં નહીં પણ જ્યાં પરવાનગી મળે એવી જગ્યાએ તંબુ તાણીને કરવાની યોજના બનાવી હતી. દીકરીને આ રીતે એકલીને, ભલે એનો મિત્ર સાથે હોય પણ રોડ ટ્રિપ પર મોકલવાની અમારી તૈયારી નહોતી. પણ આખરે એની જીદ સામે અમારે નમવું પડ્યું. એણે અમને રોડ ટ્રિપની ઝીણામાં ઝીણી વિગતો જણાવી ત્યારે અમને લાગ્યું કે નિધિએ રોડ ટ્રિપનો ફૂલપ્રૂફ પ્લાન તૈયાર કર્યો છે.
છ મહિના પહેલાં રોડ ટ્રિપ પર નીકળેલી નિધિએ મુંબઈથી શરૂઆત કરીને મહારાષ્ટ્રના જંગલો, દરિયા કિનારા, હિલ સ્ટેશન સહિતના અનેક જાણીતા અજાણ્યા સ્થળોની મુલાકાત લીધા બાદ ગુજરાત, રાજસ્થાન, દિલ્હી, હરિયાણા, પંજાબ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, જમ્મુ કાશ્મીર અને લેહ લદ્દાખ જેવા દસ રાજ્યોને નિધિ અને એનો મિત્ર રિશિ ખૂંદી વળ્યા હતા.
રોડ ટ્રિપ પર જવા અગાઉ નિધિએ કોઈ તૈયારીઓ કરી હતી? પ્રશ્નના જવાબમાં પુષ્પા ભાનુશાળીએ કહ્યુ કે, નિધિએ સમગ્ર પ્રવાસ દરમિયાન હોટેલમાં રાતવાસો ન કરવાનું નક્કી કર્યું હોવાથી ટેન્ટ, રસોઈ બનાવવા માટેનો સામાન, જરૂરી દવાઓ સહિતની અનેક તૈયારીઓ કરી હતી. ઉપરાંત ટ્રિપ પર જવા રૂફટૉપ વાળી ખાસ નવી કાર લીધી હતી જેમાં ટેન્ટ માટે જગ્યા ન મળે તો સૂવાની પણ વ્યવસ્થા થઈ શકે. એમાં વધારાના પંખા મુકાવ્યા અને મુસાફરીનો તમામ સામાન રહી શકે એવી વ્યવસ્થા પણ કરાવડાવી હતી.
અધવચ્ચે કારમાં પંક્ચર પડે કે કોઈ તાંત્રિક ખામી સર્જાય ત્યારે નિધિ શું કરતી?
નિધિ સોળ વરસની હતી ત્યારેથી જ કાર ચલાવતી હતી. ટાયર બદલવાથી લઈ નાની મોટી ટેક્નિકલ ખામી એ જાતે જ દૂર કરતી. ટૂર દરમિયાન પણ લેહ લદ્દાખ જતા કારનું ટાયર ફાટ્યું ત્યારે એણે જાતે જ બદલી નાખ્યું હતું.
મહારાષ્ટ્રથી દિલ્હી સુધી તો ડ્રાઇવિંગમાં ખાસ વાંધો નહીં આવ્યો હોય પણ ઉત્તરાખંડ, કાશ્મીર અને લેહ લદ્દાખના જોખમી રસ્તાઓ પર ડ્રાઇવ કરવાનો અનુભવ કેવો રહ્યો?
આમ તો નિધિને કોઈ ફોબિયા નથી. લેહ લદ્દાખ જતા વચ્ચે આવતા અને સૌથી જોખમી રોડ ગણાતા ઝોઝિલા પાસથી જતા પણ કોઈ ખચકાટ અનુભવ્યો નહોતો. હા, ત્યાં પહોંચ્યા ત્યારે બરફના ભારે વરસાદને કારણે બધતો વાહનવ્યવહાર બંધ થઈ જતા છ-સાત દિવસ ત્યાં અટવાઈ ગયાં હતા. આવા સમયે મિલિટરીનો જવાન મદદે આવ્યો અને એના ઘરે એક દિવસ રહેવાની વ્યવસ્થા કરી આપી. જોકે લેહ પહોંચ્યા બાદ તેમણે એક મહિના માટે ઘર ભાડે લીધું હતું જેથી આસપાસના વણખેડાયેલા વિસ્તારો જોવા જઈ શકાય.
નિધિનો ભાવિ પ્લાન?
આ વરસે એણે ફિલ્મ મેકિંગમાં ગ્રેજ્યુએશન પૂરૂં કર્યા બાદ એક વરસનો ડ્રોપ લીધો છે. હવે એમાં માસ્ટર્સ કરવા માગે છે. ભણતર પૂરું કરવા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલ છોડી હતી. હવે માસ્ટર્સ કર્યા બાદ ફરી ઇન્ડસ્ટ્રી જોઇન કરશે. અભિનયની સાથે દિગ્દર્શનનો પણ શોખ હોવાથી એમાં પણ જંપલાવે એવી શક્યતા છે.