શેમારુના 150થી વધુ નાટકો ડિરેક્ટ કર્યા હતા
શેમારું પર દર્શાવતા મોટા ભાગના નાટકોનું દિગ્દર્શન કરનાર ગુજરાતી નાટ્યજગતની સાથે ફિલ્મો, સિરિયલ, વેબ સિરીઝ પણ ડિરેકટ કરનાર સુનિલનું આજે સવારે હૃદય રોગના ભારે હુમલાને કારણે અવસાન થયું હતું.
અમદાવાદ ખાતે સંજય ગોરડિયા સાથે વેબ સિરીઝ ભૂંગળા બટેકાનું શૂટિંગ કરી કરી રહ્યા હતા. સવારે ૭ થી ૯ વાગ્યા સુધી લો ગાર્ડન પાસે શૂટિંગ કર્યા બાદ શિફ્ટિંગ હતું. જોકે સુનિલને સવારથી હાથમાં દુખાવો થઈ રહ્યો હતો. શૂટિંગ માટે બીજા લોકેશન પર જઈ રહ્યા હતા ત્યારે અચાનક સુનીલના મોઢામાંથી ફીણ નીકળ્યું. એટલે એને તુરંત નજીકની હોસ્પિટલ લઈ જવાયો. પણ સારવાર મળે એ પહેલાં જ એણે દેહ છોડી દીધો.
એનો પાર્થિવ દેહ આજે સાંજ કે રાત સુધીમાં મુંબઈ પહોંચશે એમ સંજય ગોરડિયાએ એક મેસેજ દ્વારા જણાવ્યું હતું.
ગુજરાતી નાટકોમાં મ્યુઝિક ઓપરેટર તરીકે કરિયરની શરૂઆત કરનાર સુનીલની એક જ મહેચ્છા કે ઇન્ડસ્ટ્રીમાં દિગ્દર્શક તરીકે નામના મેળવવી. નાટકોમાં બેકસ્ટેજથી લઈ લગભગ તમામ કામો કરનાર સુનિલે અભિનય સુદ્ધાં કર્યો હતો.
સુનીલના નિધન અંગે શેમારુના કેતન મારૂએ લખ્યું કે એના અવસાનના સમાચાર સાંભળી આઘાત લાગ્યો. એને ફિલ્મ, વેબ સિરીઝ, નાટકોનું દિગ્દર્શન કરવું એ જાણે એના જીવન સાથે વણાઈ ગયું હતું. શેમારૂ માટે સુનિલે ૧૫૦થી વધુ નાટકો અને શોનું દિગ્દર્શન કર્યું હતું. એના અચાનક ચાલ્યા જવાથી ગુજરાતી ફિલ્મ અને ટીવી ઇન્ડસ્ટ્રીએ પ્રતિભાશાળી ડિરેક્ટર ગુમાવ્યો છે.
સુનિલે મીના ઘીવાલા, જય મહેતા, દિનેશ બંસલ સહિતના અનેક મોટા નિર્માતાઓ સાથે કામ કર્યું હતું.