ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના નવા અધ્યક્ષ કોણ?

ગુજરાત કલા જગતમાં એકજ ચર્ચા...

મેરેથોનની સ્પીડે ધમધોકાર પાંચેક વર્ષ પહેલાં દોડતી અને છેલ્લા પાંચેક વર્ષથી વગર કોવિડે ક્વોરોન્ટાઇન થઇને, માંદગીના બિછાને પડેલી ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના અધ્યક્ષે રાજીનામું આપી દીધું છે.

સમગ્ર કલા જગતની નજર હવે નવા અધ્યક્ષ તરીકે કોણ બિરાજમાન થાય છે તેના પર મંડાયેલી છે. ગુજરાતના હજારો કલાકારો પ્રાર્થના કરે છે કે, હે ભગવાન, કલાકારોની વેદના સમજે તેવી વ્યક્તિને આ ખુરશી આપજે. એક વાતની સ્પષ્ટતા અહીં કરવી ખૂબ જરૂરી છે. કોઇ પણ અધ્યક્ષ બને પરંતુ તે ગૌરવ પુરસ્કારથી સન્માનિત હોવા ફરજિયાત છે તેવું આ પદ માટેનું બંધારણ છે.

ચર્ચામાં જે નામો છે તેના પર જો પ્રથમ નજર નાખીએ તો હાલ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ સંગઠનમાં સાંસ્કૃતિક સેલના કન્વીનર તરીકે ફરજ બજાવતા અને કલા જગતમાં પોતાની સ્વચ્છ છબી ધરાવતા એવા Bihari Hemu Gadhviનુ નામ ચર્ચામાં છે. બિહારીભાઇ લોકસંગીત ક્ષેત્ર સાથે વર્ષોથી જોડાયેલા છે અને ગુજરાતના ગૌરવ સમા સ્વ. હેમુ ગઢવી સાહેબના પુત્ર છે. પરંતુ પૂર્વ ચેરમેન રાજકોટથી હતા અને બિહારીભાઇ પણ રાજકોટના છે એ દ્રષ્ટિએ જોતાં તેમને કદાચ આ સ્થાન ન મળે એવી શક્યતા ખરી.

બીજું એટલું જ સ્ટ્રોંગ નામ છે ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના પૂર્વ ચેરમેન Yogesh Gadhviનું. યોગેશ ગઢવીએ તેમના કાર્યકાળ દરમ્યાન ઐતિહાસિક કામો કરેલા છે અને માટે જ આજે ગુજરાતના કલા જગતમાં યોગેશ ગઢવીનું નામ લગભગ સર્વ સ્વીકૃત ગણી શકાય. લોકોને સાથે લઇને ચાલવું, સરળતાથી મળવું, ગાંધીનગર ઉપરાંત અમદાવાદના રવિશંકર રાવલ કલાભવન ખાતે હંગામી ધોરણે ઓફિસ ચલાવવી, લગભગ દરેક યોજનાઓનો લાભ ગુજરાતના નાનામાં નાના કલાકારો સુધી પહોચાડવો, સંગીત અને નાટકની સાથે ભવાઇ, તુરી બારોટ જેવા તળના કલાકારોનું પણ ધ્યાન રાખવું, વાઇસ ચેરમેન અને ડિરેક્ટરોની ટીમ બનાવીને કામો પૂરા કરવા, તખ્તાના તોખાર નામે ગુજરાત રાજ્યમાં એક ઐતિહાસિક નાટ્ય મહોત્સવનું આયોજન સફળતાપૂર્વક કરવું… જેવા અનેક સબળ પાસાઓ યોગેશ ગઢવીના નામે આજે પણ અડીખમ છે. સાથે સાથે કમલમ ટીમમાં બક્ષી પંચ મોરચામાં પણ યોગેશ ગઢવી મહત્વની જવાબદારી સંભાળતા હોવાને કારણે સંગઠન સાથેનું સંકલન પણ સારૂં છે. ભૂતકાળનો આ જ અકાદમીના ચેરમેન તરીકેનો ટ્રેક રેકોર્ડ જોતા યોગેશ ગઢવી પણ આ સ્થાન પર રીપીટ થઈ શકે છે.

ભારતીય જનતા પાર્ટીની પોતાની સ્ટાઈલ મુજબ જો કદાચ ન ધારેલો નવો જ ચહેરો મુકવાનો નિર્ણય મોવડી મંડળ તરફથી લેવાય તો બીજું એક એવું બિન વિવાદાસ્પદ નામ સામે આવે છે… Jeetendra Thakkarનું.

જીતુભાઈની વાત કરીએ તો ગૌરવ પુરસ્કારથી સન્માનિત છે, કલા પ્રવૃત્તિઓ થકી કલાકારો સાથે સીધા જોડાયેલા છે. ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીમાં જ એક જમાનામાં તેમણે અધિકારી તરીકે ફરજ પણ બજાવી હોવાથી બહોળો વહીવટી અનુભવ ધરાવે છે.

બીજી તરફ, ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીની જૂની યોજનાઓ માટે પણ ફેર વિચારણા કરવી ખૂબ જરૂરી લાગે છે. એ માટે પણ સાંસ્કૃતિક પ્રધાનની રૂબરૂ મુલાકાત કરવા માટે ગુજરાતના કલા જગત સાથે જોડાયેલા કેટલાક સિનિયર કલાકારોનું એક પ્રતિનિધિ મંડળ પણ તૈયારી કરી રહ્યું છે.

નવા આવનારા ચેરમેનની સાથે યોગ્ય વાઇસ ચેરમેન તથા અન્ય સિનિયર કલાકારોને ડિરેક્ટર તરીકે નિમણુંક કરી કલાકારોની આ અકાદમીને ફરી દોડતી કરાશે એવો દ્રઢ વિશ્વાસ ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ આદરણીય C.R. Paatil, ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ મહામંત્રી Pradipsinh Vaghela, રાજ્યના મુખ્યપ્રધાન Bhupendra Patel તથા સાંસ્કૃતિકપ્રધાન Harsh Sanghavi પર ગુજરાતના હજારો કલાકારો અને કસબીઓ રાખી રહ્યા છે. સૌને વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં અકાદમીનું સુકાન યોગ્ય ટીમના હાથમાં હશે.

લાઇવ અપડેટ માટે આ લિન્ક પર ક્લિક કરો

 

Exit mobile version