અભિનેતા તરીકે કરિયરની શરૂઆત કર્યાની સિલ્વર જ્યુબિલી વિવેક શાહ કંઇક અનોખી રીતે ઉજવી રહ્યા છે. તેમની કારકિર્દીના પચીસમાં વરસમાં દેશ કોરોના જેવી જીવલેણ મહામારીનો સામનો કરી રહ્યો છે. કોરોનાને નાથવા સામાજિક દૂરી મહત્ત્વનો ભાગ ભવતી હોવાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવ્યાપી લૉકડાઉનની જાહેરાત કરી. 3 મે સુધી ચાલનારા લૉકડાઉનને કારણે રોજેરોજ કમાઇને ખાનારા કે નીચલા મધ્યમવર્ગના લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. આ એવા લોકો છે જેમણે કદી કોઈ સામે હાથ લાંબો નહીં કર્યો હોય. તેમનું સ્વમાન જાળવવાની સાથે સહાય પહોંચાડવાનું કાર્ય ગુજરાતી ફિલ્મ-ટીવી અને નાટ્યજગતના કલાકાર,નિર્માતા-દિગ્દર્શક વિવેક શાહ તેમના વિશ્વમ આર્ટ ટ્રસ્ટ દ્વારા કરી રહ્યા છે.

વિવેક શાહે ફિલ્મી ઍક્શનને જણાવ્યું કે અત્યાર સુધીમાં તેમણે અઢીસો જેટલા પરિવારને એક મહિનાનું રાશન પહોચાડ્યું છે. તો લૉકડાઉન શરૂ થયું ત્યારથી રોજ ચારસોથી વધુ દૈનિક રોજીરોટી કમાનાર લોકોને ખીચડી-છાસ અને પાણીની બૉટલનું વિતરણ કરી રહ્યા છે. જો લૉકડાઉન લંબાશે તો જરૂરિયાતમંદને અનાજ કે ફૂડ પેક્ટ્સ પહોંચાડવાનું ચાલુ રાખશે. આ શુભ કાર્યમાં દાતાઓનો સાથ મળી રહ્યો છે પણ જો આર્થિક સહાયનો સ્રોત વધે તો વધુ લોકોને લાભ આપી શકાય એમ વિવેક શાહે જણાવ્યું હતું.

વિવેક શાહના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અત્યાર સુધીમાં તેમણે 35 નાટકો, 42 સિરિયલ અને 19 ફિલ્મોમાં અભિનય પ્રતિભા દાખવી ચુક્યા છે. 2015માં તેમણે પોતાની નિર્માણ સંસ્થા વિવેક શાહ પ્રોડક્શનની સ્થાપના કરી અને એના અંતર્ગત 13 નાટકોનું નિર્માણ કર્યું છે.દોઠેક મહિના અગાઉ તેમણે બે ગુજરાતી ફિલ્મ બનાવવાની ઘોષણા કરી હતી. જેમાંથી એક ફિલ્મમાં જીમિત ત્રિવેદી મુખ્ય ભૂમિકામાં છે. જોકે એનું ટાઇટલ હજુ નક્કી કર્યું નથી. જ્યારે બીજી ફિલ્મ છે ક કમળનો ક. લૉકડાઉન પૂરૂં થયા બાદ ફિલ્મનું શૂટિંગ શરૂ કરાશે.