કોરોના મહામારીએ વિશ્વભરને એના ભરડામાં લીધું હોવાથી મોટાભાગના દેશોએ લૉકડાઉનની જાહેરાત કર્યું છે. 24X7 કામમાં રચ્યાપચ્યા રહેતા લોકોએ અચાનક ઘરમાં પુરાઈ રહેવાનો વારો આવ્યો. ભારતમાં લૉકડાઉન અમલમાં આવ્યાને એક મહિનો થયો. તો અમેરિકામાં 19થી 24 માર્ચ દરમ્યાન અનેક રાજ્યોમાં લૉકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી. અમેરિકા સૌથી પ્રભાવિત દેશોમાં આવે છે અને અહીં લગભગ 47 હજાર લોકો મૃત્યુ પામ્યા તો પોણા બે લાખ કરતા વધુ લોકો સંક્રમિત થયા છે. આવા સમયે કોરોનાની સાંકળ તોડવા લૉકડાઉનનું ચુસ્તપણે પાલન થાય એ જરૂરી છે.  

અમેરિકાના વિવિધ રાજ્યોમાં રહેતા અને લૉકડાઉનનો અમલ કરી રહેલા ભારતીયોના મનોરંજન માટે હર્ષદ ઠક્કર પિયોરિયા ગુજરાતી સમાજના સહયોગમાં વીકઍન્ડના દિવસે એટલે કે શનિવાર તા. 25 એપ્રિલના શિકાગો સમય મુજબ સાંજે 7થી 9 (ભારતીય સમય મુજબ રવિવાર, 26 એપ્રિલે સવારે 5.30થી 7.30) વાગ્યા સુધી બૉલિવુડ મ્યુઝિક નામે ફેસબુક લાઇવ પર કાર્યક્રમ રજૂ કરશે. ગુજરાતી સમાજ ઑફ પિયોરિયા છેલ્લા દસ વરસથી કાર્યક્રમોનું આયોજન કરી રહ્યું છે.

કાર્યક્રમ અંગેની વિગત આપતા હર્ષદ ઠક્કરે ફિલ્મી ઍક્શનને જણાવ્યું હતું કે, બે કલાકના કાર્યક્રમ દરમ્યાન તેઓ 1960થી લઈ 2000ના સમયગાળા દરમ્યાન રિલીઝ થયેલી હિન્દી ફિલ્મોના સુપરહિટ ગીતો ઉપરાંત ગુજરાતી ગીતો પણ રજૂ કરશે. બૉલિવુડ મ્યુઝિકમાં કુલ કેટલા કલાકારો ભાગે લેશે? પ્રશ્નના જવાબમાં ઠક્કરે જણાવ્યું કે, આ મારો વન મેન શો છે. મારી સાઉન્ડ સિસ્ટમની સહાય વડે શ્રોતાઓને શક્ય એટલું મનોરંજન પીરસવાના પ્રયાસો રહેશે.

મૂળ અમદાવાદના હર્ષદ ઠક્કર પાંત્રીસેક વરસ પહેલા અમેરિકા ગયા એ અગાઉ તેમણે અમદાવાદમાં એલએલબી સુધીનો અભ્યાસ કર્યો. સ્કૂલ-કૉલેજથી જ કલા પ્રત્યે આકર્ષણ હોવાથી નાટકો, રેડિયો, ઓર્કેસ્ટ્રા, ફિલ્મો સાથે સંકળાયેલ હતા. ઉપરાંત, ભારતમાં તેમણે અનેક સ્ટેજ-મ્યુઝિકલ શોનું સંચાલન કરવા ઉપરાંત ગીતો પણ ગાયા છે. તમને જાણીને નવાઈ લાગશે પણ, કેતન મહેતાની ભવની ભવાઈ, નિમેષ દેસાઈની ફિલ્મ નસીબની બલિહારી (પરેશ રાવલની પહેલી ફિલ્મ) જેવી ફિલ્મોનું પ્રોડક્શન સંભાળ્યું છે. ઇસરોમાં પ્રોડક્શન આસિસ્ટંટ તરીકે ફરજ બજાવતા હતા ત્યારે અનેક પ્રોગ્રામો સાથે સંકળાયેલા હતા. એ સાથે તેમણે રેડિયો એડવર્ટાઇઝિંગ ક્ષેત્રે પણ નામના મેળવી હતી. ઉપરાંત નાટ્યજગત સાથે પણ સંકળાયેલા હતા.

હર્ષદ ઠક્કર કહે છે, અમેરિકામાં આવ્યા બાદ મારા હોટેલ ઇન્ડસ્ટ્રી અને પ્રોપર્ટી મેનેજમેન્ટના વ્યવસાય ઉપરાંત મારી કલાની સાધના પણ ચાલુ છે. યુએસના 50 રાજ્યોમાંથી 37-38માં મારા કાર્યક્રમો થયા છે. ઉપરાંત મોરારી બાપુ અને રમેશભાઈ ઓઝાની કથા ઉપરાંત વૈષ્ણવ સમાજના દ્વારકેશલાલજીના કાર્યક્રમનું સંચાલન કરવાનો પણ અવસર મળ્યો છે. અમેરિકાની ચૅનલ ટીવી એશિયા માટે રમેશ ઓઝા અને મોરારી બાપુનો ઇન્ટરવ્યુ પણ લીધો છે. કેનેડાના ટોરન્ટો ખાતે ઉજવાયેલા સ્વર્ણિમ ગુજરાતના બે દિવસના આયોજન દરમ્યાન ભારતના અનેક નામી કલાકારો સાથે સ્ટેજ શેર કરવાની સાથે કાર્યક્રમનું સંચાલન પણ કર્યું હતું. તો અમેરિકા ઉપરાંત ભારતમાં પણ લગ્નપ્રસંગે કાર્યક્રમો આપવા ખાસ બોલાવવામાં આવે છે.

filmyactions@gmail.com

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here