દિવાળીની પૂર્વસંધ્યાએ દબંગ સ્ટાર સલમાન ખાને એના ચાહકોને ખાસ ગિફ્ટ આપી હતી. જેની ચાહકો લાંબા અરસાથી રાહ જાઈ રહ્યા હતા એ દબંગ-૩નું ટ્રેલર આજે (બુધવારે) સ્ટાર સ્ડેડેડ ઇવેન્ટમાં રિલીઝ કરવામાં આવ્યું હતું. ફિલ્મ આ વરસે જ ૨૦ ડિસેમ્બરે રિલીઝ થઈ રહી છે.
ફિલ્મનું ટ્રેલર ઘણું દમદાર છે અને એ કહેવામાં જરાય અતિશયોક્તિ નહીં લાગે કે સલમાન ખાન અગાઉ કરતા વધુ દબંગ અંદાજમાં નજરે પડી રહ્યો છે. દબંગ-૩ની ખાસ વાત એ છે કે ફિલ્મ તમને એ વાત સંભળાવે છે જેને કારણે ચુલબુલ પાંડે અસલમાં દબંગ ખાન બને છે. ટ્રેલરમાં થોડી હસી-મજાકની સાથોસાથ અગાઉ કરતા વધુ ઍક્શન અને થ્રિલ દર્શાવવામાં આવી છે.
સલમાન ખાનની આ ફિલ્મથી મહેશ માંજરેકરની દીકરી સઈ માંજરેકર બૉલિવુડમાં ડેબ્યુ કરી રહી છે. ટ્રેલરના અમુક સીનમાં સલમાન ખાન અને સઈ રોમાન્સ કરતા નજરે પડે છે. સલમાન ખાન પણ બે રૂપમાં દેખાય છે એકમાં એને મૂછ વગરનો દર્શાવવામાં આવ્યો છે જે એકદમ યંગ અવતારમાં હોય એવું લાગી રહ્યું છે. તો બીજા અવતારમાં મૂછો સાથે છે અને ભારે-ભરખમ પર્સનાલિટી સાથે વધુ દબંગ લાગી રહ્યો છે.
ટ્રેલરની શરૂઆત સલમાન ખાનના એક ડાયલોગ સાથે થાય છે જેમાં એ કહે છે, એક હોતા હૈ પુલિસવાલા ઔર એક હોતા હૈ ગુંડા, ઔર એક હોતા હૈ પુલિસવાલા ગુંડા. ફિલ્મના વિલનની વાત કરીએ તો કિચ્ચા સુદીપને ન મસ્ક્યુલર દેખાડાયો છે કે ન કાવતરાખોર. હા, એને પહેલાના વિલન સરખામણીએ વધુ પડતો નિર્દયી દર્શાવાયો છે. ફિલ્મનું શૂટિંગ ઘણા મજેદાર લોકેશન્સ પર કરવામાં આવ્યું છે.