બૉલિવુડમાં અમુક લોકો પોતાનું એકચક્રી શાસન ચલાવવા પોતાના કહ્યામાં ન રહેનાર કલાકાર કસબીઓને માનસિક ત્રાસ આપતા હોવાનો આક્ષેપ ઘણા સમયથી થઈ રહ્યો છે. જોકે ગયા મહિને સુશાંત સિંહ રાજપુતે કરેલી આત્મહત્યા બાદ અનેક જણ અવાજ ઉઠાવી રહ્યા છે. એમાંય કંગનાએ તો આ મામલે પડકાર પણ ફેંક્યો છે. જોકે આનાથી પણ ગંભીર બાબત હવે બહાર આવી છે. ભારત સરકાર વિરૂદ્ધ અભિયાન ચલાવવાની સાથે કાશ્મીરના આતંકવાદીઓને સહાય કરનારા જેકેએલએફના સભ્ય સાથે ધંધાકીય સંબંધ ધરાવતા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
કોઈ પણ હિસાબે ભારતને બરબાદ કરવા માંગતું પાકિસ્તાન હવે બૉલિવુડના કલાકારોનો ઉપયોગ કરી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે. કાશ્મીરમાં આતંકવાદ ભડકાવવા માટે, કાશ્મીરના યુવાનોને ગેરમાર્ગે દોરવાની સાથે ભારત વિરૂદ્ધ ભડકાવવાની સાથે આતંકવાદ તરફ વાળવા પાકિસ્તાન કેવી રીતે બૉલિવુડના કલાકારોને સંડોવી રહ્યું હોવાનું ભાજપના નેતા બૈજયંત જે. પાંડાએ બુધવારે ટ્વીટ કરીને જણાવ્યું હતું. જોકે તેમણે કોઈના નામ આપ્યા નહોતા. હવે આવા કલાકારોના નામ સામે આવી રહ્યા છે. જે કલાકારોને ભારતની પ્રજાએ સ્ટાર બનાવ્યા, એમના ફોટા આવા લોકો સાથે જોવા મળે તો સ્વાભાવિક છે કે તેમની સામે શંકાની સોઈ ઉઠવાની જ.
જાણવા મળ્યા મુજબ શાહરૂખ ખાન અને ગૌરી ખાન સાથે ધંધાદારી સંબંધ ધરાવનાર જમ્મુ કાશ્મીર લિબરેશન ફ્રન્ટનો સભ્ય ટૉની અશાઈ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન સાથે ઘરોબો ધરાવવાની સાથે આઈએસઆઈ સાથે પણ સંકળાયેલો હોવાનું કહેવાય છે. એટલું જ નહીં ભારતદ્વેષી ટ્વીટ માટે કુખ્યાત ટૉની હંમેશ ભારત વિરૂદ્ધ ઝેર ઓકતો રહ્યો છે. ટૉની અશાઈનો મામલો બહાર આવ્યા બાદ શાહરૂખ ખાન કે ગૌરી ખાને હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી.
સોશિયલ મીડિયા પર શાહરૂખ ખાન અને ગૌરી ખાન સાથેના ટૉની અશાઈના અનેક ફોટોગ્રાફ્સ જોવા મળે છે. ટૉની અશાઇ વડાપ્રધાન વિરૂદ્ધના દુષ્પ્રચારમાં સામેલ છે. સૂત્રોના જણાવ્યા મુજબ દુબઈના એક પ્રોજેક્ટમાં ટૉની અશાઇ અને શાહરૂખ ખાન ભાગીદારો છે. શાહરૂખ ખાન ઉપરાંત અન્ય કલાકારોના પણ ટૉની સાથેના ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયા પર જોવા મળે છે. સરકારે પાકિસ્તાની ઇવેન્ટ મેનેજર રેહાન સિદ્દીકીને બ્લેક લિસ્ટેડ કર્યો છે. અમેરિકામાં રહેતો રેહાન ભારત વિરોધી દુષ્પ્રચારમાં સામેલ હતો. તો અમેરિકામાં જ રહેતો આર્કિટેક્ટ ટૉની અશાઇ કાશ્મીર મુદ્દે ભડકાઉ બયાનબાજી કરતો આવ્યો છે.
અશાઇ ડિઝાઇન કોર્પોરેશન નામની કંપની ચલાવે છે જેના અંતર્ગત હૉલિવુડના અનેક કલાકારોના ઘર ડિઝાઇન કર્યા છે. ટૉની અશાઇએ ઇમરાન ખાન સાથેની અનેક મુલાકાતોના ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. તો અમુક મુલાકાત દરમ્યાન પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન સાથે કાશ્મીર મુદ્દે પણ ચર્ચા કરી હોવાનો દાવો કર્યો છે.
થોડા વરસ પહેલાં દુનિયાના સૌથી પૉશ વિસ્તાર ગણાતા દુબઈના પામ જુમેરાહ ખાતે શાહરૂખ ખાને ઘર ખરીદ્યા બાદ 2014માં દુબઈ ખાતે પોતાનો રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ લૉન્ચ કર્યો હતો. 2.3 મિલિયન ચોરસફૂટમાં ફેલાયેલા રૉયલ એસ્ટેટ્સ બાય શાહરૂખ ખાન નામના પ્રોજેક્ટના બ્રૉશરમાં આ પ્રોજેક્ટની ડિઝાઇન શાહરૂખના મિત્ર ટૉની અશાઇએ બનાવી હોવાનો ઉલ્લેખ છે તો ઇન્ટિરિયર ગૌરી ખાને કર્યું હોવાનું જણાવાયું છે.
શાહરૂખ ખાન બૉલિવુડના સૌથી અમિર સ્ટારમાંથી એક છે. મળતા અહેવાલ મુજબ શાહરૂખ 600 મિલિયન ડૉલર (લગભગ 4 હજાર કરોડ રૂપિયા)ની પ્રોપર્ટીનો માલિક છે. એની પાસે મુંબઈમાં મન્નત ઉપરાંત દુબઈમાં પણ એક આલિશાન બંગલો છે.
દુબઈમાં શાહરૂખ ખાનની ફિલ્મ હેપ્પી ન્યૂ યરનું ગ્રૅન્ડ ગ્લોબલ પ્રીમિયર આયોજિત કરાયું હતું. જેના વીવીઆઈપી મહેમાનોની યાદીમાં ટૉની અશાઇનું પણ નામ સામેલ હતું. આ ઇવેન્ટ દરમ્યાન ટૉની બૉલિવુડના અનેક કલાકારોના સંપર્કમાં આવ્યો અને એના ફોટોગ્રાફસ સોશિયલ મીડિયા પર જોવા મળે છે.