કૉલજકાળ દરમિયાન કરેલી મજાક-મસ્તી કે ટીખળ જીવનભર ભૂલાતી નથી. પરંતુ મજાકમાં કરલા ફોન જીવનમાં ઉથલપાથલ મચાવી દે તો? આવા જ કથાનક પર આધારિત ફિલ્મ હૅલ્લો 3 માર્ચના રિલીઝ થઈ રહી છે. તાજેતરમાં રિલીઝ થયેલા ફિલ્મના ટ્રેલરને જોઈ લાગી રહ્યું છે કે હૅલ્લો રૂંવાટાં ખડા કરી દે એવી રોમાંચક થ્રિલર હશે.
પરિમલ પટેલ નિર્મિત અને નીરજ જોશી દિગ્દર્શિત ફિલ્મ હૅલ્લોના કેન્દ્રમાં ત્રણ કૉલેજિયનો છે. એક નાઇટઆઉટ દરમિયાન ત્રણને એક ટીખળ સૂજે છે અને તેઓ કોઈ પણ અજાણ્યા નંબર પર કૉલ કરી જણાવે છે કે તમે કોણ છો એની અમને જાણ છે અને તમે જે કર્યું એની અમને ખબર છે. જેમને કૉલ ગયા તેમની રાત તો વેરણ થઈ જાય છે, પરંતુ ખરી મુસીબત હવે શરૂ થાય છે. ત્રણેય કૉલજિયન મિત્રોને અજાણ્યા નંબર પરથી એક ફોન આવે છે અને તેમના પગ તળેની જમીન સરકવા લાગે છે.
વાર્તા હવે એવો વળાંક લે છે કે એમાં પોલીસ, એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ સહિત પોલીસ કમિશનરની પણ એન્ટ્રી થાય છે. તો બીજી બાજુ ત્રણેય કૉલેજિયનોના માતા-પિતાને તેમના સંતોનોની ચિંતા સતાવી રહી છે. રહસ્યના અનેક વળાંકો ધરાવતી ફિલ્મ હૅલ્લો આ શુક્રવારે રિલીઝ થઈ રહી છે.
અગાઉ કૅશ ઑન ડિલિવરી, શરતો લાગુ, સ્વાગતમ, ગજબ થઈ ગયો જેવી વિવિધ વિષયો પર આધારિત સફળ ફિલ્મો આપનાર નીરજ જોશી હવે એક થ્રિલર લઈને આવ્યા છે. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં વિવિધ વિષયો ધરાવતી ફિલ્મો આવી રહી છે અને દર્શકો આવકારી પણ રહ્યા છે ત્યારે નીરજ જોશીનો આ પ્રયાસ સફળ રહેશે એવી અપેક્ષા છે.
ફિલ્મના ટાઇટલમાં માત્ર પાર્શ્વ સંગીતકાર તરીકે પાર્થ ભરત ઠક્કરના નામનો જ ઉલ્લેખ હોવાથી એવું લાગી રહ્યું છે કે થ્રિલર ફિલ્મમાં ગીત નહીં હોય.
ફિલ્મના કલાકારો છે દર્શન પંડ્યા, જયેશ મોરે, મૅઝલ વ્યાસ, નીલ ગગદાની, રિષભ જોશી, આયુષી ધોળકિયા, નિધિ શેઠ, પ્રશાંત બારોટ, હરિક્રિશ્ન દવે, ડૉલી ત્રિવેદી, મોરલી પટેલ અને જાહ્નવી ચૌહાણ. પરિમલ પટેલ નિર્મિત અને નીરજ જોશી દિગ્દર્શિત ફિલ્મના સહ નિર્માતાઓ છે શિલ્પા પટેલ, દર્શિલ પટેલ અને રોમલ પટેલ. ફિલ્મના સિનેમેટોગ્રાફર છે હિમાંશુ દુબે.