કોકોનટ મોશન પિક્ચર્સ ફરી એકવાર સિદ્ધાર્થ રાંદેરિયા અને વિપુલ મહેતાના સંગાથમાં એક મજેદાર ફિલ્મ કહેવતલાલ પરિવાર લઈને આવી રહ્યા છે. 6 મે, 2022ના રિલીઝ થનારી ફિલ્મનું ટ્રેલર તાજેતરમાં રિલીઝ કરવામાં આવ્યું.
ચાલ જીવી લઇએ જેવી સુપરહિટ ફિલ્મ આપનાર કોકોનટ મોશન પિક્ચર્સની આગામી ફિલ્મ કહેવતલાલ પરિવારના મુખિયા છે રાજુભાઈ ઠાકર (સિદ્ધાર્થ રાંદેરિયા). રાજુભાઈ પારિવારિક મૂલ્યોનું ચુસ્તપણે પાલન કરનારી વ્યક્તિ છે. મજાની વાત એ છે કે તેઓ કોઈ પણ ઘટના કે પરિસ્થિતિને અનુરૂપ કહેવાત કહેવામાં માહેર છે.
રાજુભાઈના પરિવારમાં પણ વૈવિધ્યસભર સ્વભાવ ધરાવતા પરિવારજનો છે. તેમનો પુત્ર (ભવ્ય ગાંધી) આધુનિક વિચારસરણી ધરાવે છે. તો પુત્રા (શ્રદ્ધા ડાંગર) મજેદાર રેસિપીની જાણકાર છે પણ રાજુભાઈ એને ક્યારેય એ બનાવવાની પરવાનગી આપતા નથી. જ્યારે તેમની બહેન (વંદના પાઠક) એક નંબરની આળસુ છે. એનો શોખ છે મોબાઇલ પર ગેમ રમવી અને સોશિયલ મીડિયા પર ટાઇમ પાસ કરવો.
તો સામે પક્ષે છે તેમનો પિત્રાઈ ભાઈ (સંજય ગોરડિયા) જે આધુનિક વિચારસરણી અપનાવે છે અને કાયમ રાજુભાઈને ધંધામાં પડકાર ફેંકતા રહે છે. અલગઅલગ સ્વભાવ ધરાવતા હોવા છતાં કહેવતલાલ પરિવાર મતભેદ હોવા છતાં એક સાથે રહે છે. પણ તેમને એક મોટો ઝટકો લાગવાનો છે. હવે આ આંચકો કેવો હશે એ તો થિયેટરમાં જ જોવા મળશે.
કોકોનટ મોશન પિક્ચર્સ બેનર હેઠળ બનેલી નિર્માતા રશ્મિન મજિઠિયાની ફિલ્મ કહેવતલાલ પરિવારના દિગ્દર્સક છે વિપુલ મહેતા, સંગીતકાર સચિન-જીગર. અને ફિલ્મના કલાકારો છે સિદ્ધાર્થ રાંદેરિયા, સુપ્રિયા પાઠક, વંદના પાઠક, સંજય ગોરડિયા, ભવ્ય ગાંધી અને શ્રદ્ધા ડાંગર. ફિલ્મ 6 મે, 2022ના રિલીઝ થશે.