દેશ-વિદેશમાં ગાંધીજી અને સરદાર પટેલ તરીકે વિખ્યાત દીપક અંતાણી લાંબા અરસા બાદ એક કૉમેડી ફિલ્મ લઈને આવી રહ્યા છે. ફિલ્મનું નામ છે થેન્ક યુ બૉસ. તાજેતરમાં રિલીઝ કરાયેલા ટ્રેલરને જોઈ ફિલ્મ હાસ્યનું વાવાઝોડુ નહીં પણ એક સુનામી લાગે છે. મધ્યમ વર્ગના લોકોએ અનેક પ્રસંગે પૈસાની જોગવાઈ કરવામાં કેટલી મુસીબતો પડે છે અને એ માટે કેવા કેવા ખેલ ખેલવા પડે છે એની વાત થેન્ક યુ બૉસમાં આલેખવામાં આવી છે.
થેન્ક યુ બૉસમાં એની વાર્તા ઉપરાંત પણ અનેક વિશેષતાઓ જોવા મળશે. જેમકે આનંદ ગોરડિયા મુખ્ય ભૂમિકામાં અને હિતુ કનોડિયા મહેમાન ભૂમિકામાં… વીસ વરસ બાદ ફરી આવો સંજોગ નિર્માણ થયો છે. તો ગુજરાતના સુપરસ્ટાર મલ્હાર ઠાકરના પિતા રજનીકાંત ઠાકર અને નાનો ભાઈ આલોક ઠાકર પણ ફિલ્મમાં જોવા મળશે. ફિલ્મના કલાકારોમાં મુંબઈ-ગુજરાતનું ગજબનું કૉમ્બિનેશન જોવા મળશે. જેમકે મુંબઈથી આનંદ ગોરડિયા, કલ્યાણી ઠાકર અને ફિરદોસ મેવાવાલા છે તો ગુજરાતના જીતુ પંડ્યા, યોગિતા પટેલ અને સુનીલ વાઘેલા અભિનયના ઓજસ પાથરી રહ્યા છે. જોકે દુખદ બાબત એ છે કે તાજેતરમાં અવસાન પામેલા ડીઓપી દિનેશ જીતિયાની આ છેલ્લી ફિલ્મ છે.
સૌથી મહત્ત્વની વાત એ છે કે એનઆરઆઈ નિર્માતા વલ્લભભાઈ પટેલ, મનોજ એચ. પટેલ અને મોન્ટુ પટેલ (અમેરિકા) દ્વારા નિર્મિત ફિલ્મ થેન્ક યુ બૉસ સફળ થાય તો વિદેશમાં વસનારાઓ ફિલ્મનું નિર્માણ કરવા પ્રેરિત થશે અને ઢોલિવુડના વિકાસ માટેની નવી દિશા ખુલી શકે છે.
ફિલ્મના લેખક-ગીતકાર અને દિગ્દર્શક દીપક અંતાણી આ અગાઉ ભવભવના ભરથાર (ચંદન રાઠોડ-કિરણ આચાર્ય), કંકુ પુરાયું ચોકમાં (હિતુ કનોડિયા) અને દિલીપ રાણપુરાની નવલકથા પર આધારિત ફિલ્મ પ્રીતમ આપણી પહેલી પ્રીત જેવી ફિલ્મો બનાવી ચુક્યા છે. એટલું જ નહીં આ ત્રણેય ફિલ્મોએ તેમને શ્રેષ્ઠ દિગ્દર્શક ઉપરાંત અનેક અવૉર્ડ પણ મેળવી આપ્યા.
સાધારણપણે દીપક અંતાણીની ઓળખ ધીર-ગંભર વ્યક્તિ તરીકેની છે તો કૉમેડી ફિલ્મ બનાવવાનું કેમ વિચાર્યું પ્રશ્નના જવાબમાં દીપકભાઈએ ફિલ્મી ઍક્શનને જણાવ્યું કે, ગાંધીજી અને સરદાર પટેલની ભૂમિકા કર્યા બાદ લોકોમાં મારી આવી ઇમેજ બંધાઈ છે. પણ ઘણાને ખ્યાલ નહીં હોય, પણ દૂરદર્શન, ઝી ગુજરાતી સહિત અન્ય ચૅનલ પર હાસ્યરસના અનેક કાર્યક્રમો બનાવ્યા છે. હું નિર્માતાઓનો આભાર માનીશ કે મારામાં રહેલી આ પ્રતિભા પર વિશ્વાસ મુકી થેન્ક યુ બૉસ જેવી હાસ્યરસથી પ્રચુર ફિલ્મ બનાવવાનો મોકો આપ્યો.
18 ફેબ્રુઆરીએ મુંબઈ-ગુજરાતમાં રિલીઝ થઈ રહેલી થેન્ક યુ બૉસના કલાકારો છે આનંદ ગોરડિયા, યોગિતા પટેલ, કલ્યાણી ઠાકર, ફિરદોસ મેવાવાલા, જીતુ પંડ્યા, સુનીલ વાઘેલા, આલોક ઠાકર, રજનીકાંત ઠાકર, રોઇન શાહ અને ખાસ ભૂમિકામાં જોવા મળશે હિતુ કનોડિયા. સંગીત છે ઇકબાલ દરબારનું જ્યારે ગીતો રિલીઝ થયા છે રેડ રિબન એન્ટરટેઇન્મેન્ટ દ્વારા.