તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની ટીમ આજકાલ સિંગાપોરમાં શૂટિંગ કરી પાછી સ્વદેશ પાછી ફરી છે પણ ત્યાં ફિલ્માવાયેલા એપિસોડ હવે શોમાં દર્શાવાઈ રહ્યા છે. સિંગાપોરમાં ગોકુળધામના રહેવાસીઓ મોજ માણી રહ્યા છે. મજાની વાત એ છે કે સિંગાપોર ગયેલા ચંપક કાકા ધોતી કુર્તાને બદલે જીન્સ અને ટી-શર્ટમાં વિદેશની સહેલ કરી રહ્યા છે. માત્ર બાપુજી જ નહીં, ગોકુળધામનું મહિલામંડળનો ફેન્સી લૂક પણ જોવા લાયક છે.
તો દયાભાભી અને ઐયરની ગેરહાજરીમાં જેઠાલાલ બબિતાનું પૂરૂં ધ્યાન રાખી રહ્યા છે. જેઠાલાલ બબિતા સાથે સ્વૅગ કરતા પોઝ આપે છે તો સાઇટ સીઇંગ દરમ્યાન બબિતાજીને કોઈ તકલીફ ન પડે એનું પણ ધ્યાન રાખી રહ્યા છે. એટલું જનહીં, બબિતાજીને ઇમ્પ્રેસ કરવા જેઠાલાલ કહે છે કે તેઓ નાના હતા ત્યારથી સાપ-અજગરથી ડરતા નહોતા અને એની સાથે રમતા પણ ખરા. જેઠાલાલના આ દાવાની ખરાઈ કરવા તેઓ સિંગાપોરના ઝૂમાં જાય છે જ્યાં અનેક સાપ-અજગરને ગળે વીંટાળી ફોટો પડાવતા હોય છે. ગોકુળધામવાસીઓએ જેઠાલાલને અજગર સાથે ફોટો પડાવવા જણાવ્યું. બિચારા જેઠાલાલ, સરીસૃપથી ફફડતા જેઠાલાલે નતમસ્તક થઈ અજગરને ગળે વીટાળવો પડ્યો.
જોકે મજાની વાત એ છે કે સિંગાપોરની ટુર કોણે સ્પોન્સર કરી એની જાણ ગોકુળધામના રહેવાસીઓને નથી. તેમને માટે તો આ રહસ્ય ઘુંટાયેલું જ છે. શું વિદેશની ટુર સ્પોન્સર કરનાર અજનબી ગોકુળધામવાસીઓને કોઈ કાવતરામાં ફસાવવામાં માંગે છે? એ તો આગામી એપિસોડમાં જાણી શકાશે.