દેશની આર્થિક રાજધાની મુંબઈ પણ કોરોનાની ભીંસમાં આવી છે. કોવિડ-19ના કેસમાં રોજ વધારો થતો જોવા મળે છે તો મૃત્યુનો આંકડો પણ વધતો જાય છે. કોરોનાની ચપેટમાં બૉલિવુડના સિતારા પણ આવી રહ્યા છે. સિંગર કનિકા કપૂર બાદ તાજેતરમાં જાણીતા નિર્માતા અને ઇવેન્ટના આયોજક કરિમ મોરાની અને તેમની બે પુત્રીઓના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યા હતા. તો ટેલિવુડ-બૉલિવુડની અભિનેત્રી અંકિતા લોખંડે અને શિવિન નારંગના બિલ્ડિંગમાં એક કેસ પોઝિટિવ આવતા બિલ્ડિંગને સીલ કરવામાં આવ્યું હતું. હવે મળતા અહેવાલ મુજબ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં બાઘાનું પાત્ર ભજવી દર્શકોની અપાર ચાહના મેળવનાર તન્મય વેકરિયા કાંદિવલીમાં જે બિલ્ડિંગમાં રહે છે એને પણ સીલ કરવામાં આવ્યું છે.
બે-ત્રણ દિવસ અગાઉ સમાચાર આવ્યા હતા કે કાંદિવલીના મહાવીર નગર વિસ્તારમાં કોરોનાનો એક કેસ પોઝિટિવ આવ્યો છે અને પૂરા બિલ્ડિંગને સીલ કરવામાં આવ્યું છે. જોકે પાછળથી જાણ થઈ હતી કે આ બિલ્ડિંગમાં તો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનો બાઘા ઉર્ફે તન્મય વેકરિયા પણ રહે છે. તન્મયના જણાવ્યા મુજબ એની બિલ્ડિંગમાં ત્રણ જણને કોરોના થયો હોવાનું કહેવાય છે તેમણે વિદેશ યાત્રા કરી નહોતી એટલે કોઈના સંપર્કમાં આવવાથી જ ચેપ લાગ્યો હશે.
કેસ પોઝિટિવ આવતા ગયા મંગળવારથી બિલ્ડિંગને સીલ કરાયું છે. રોજબરોજની ચીજો સોસાયટીમાં પહોંચાડવામાં આવે છે. સોસાયટીના કોઈ સભ્યને બિલ્ડિંગની બહાર જવાની પરવાનગી નથી તો કોઈ અંદર પણ આવી શકતું નથી. અમારે પૂરા 14 દિવસ ક્વૉરન્ટાઇનમાં રહેવું પડશે.