કોકિલકંઠી ગાયિકા લતા મંગેશકરના આશીર્વાદ સાથે આશા ભોસલે, સુદેશ ભોસલે, સોનુ નિગમ, સુરેશ વાડકર સહિત બૉલિવુડના અનેક નામી ગાયકો ત્રણ દિવસ પર્ફોર્મ કરશે

સંગીત સેતુ, ભારતના 18 કલાકારોના વર્ચ્યુઅલ કાર્યક્રમની શ્રેણી છે. 21 દિવસના લૉકડાઉનના સમયગાળા દરમ્યાન ભારતીય નાગરિકો અને ચાહકો માટે ઇન્ડિયન સિંગર્સ રાઇટ્સ અસોસિયેશન (આઈએસઆરએ)નો એક અનોખો પ્રયાસ છે. 10 થી 12 એપ્રિલ સુધી રોજ રાત્રે 8થી 9 દરમ્યાન પોર્ટલ પર પ્રસારિત કરાશે. સંગીત સેતુ ઇન્ડિયન સિંગર્સ રાઇટ્સ અસોસિએશન દ્વારા કોવિડ-19 વિરૂદ્ધ વડાપ્રધાન કેર ફંડના સમર્થન માટેની પરિકલ્પનાની સાથે આયોજન કરાયું છે.

ભારત રત્ન લતા મંગેશકરે પીએમકેર્સ સંગીત સેતુ ઑનલાઇન કૉન્સર્ટના સમર્થનમાં ટ્વીટર પર લખ્યું, અમારા ગાયકોના સંગઠન આઈએસઆરએના માધ્યમ દ્વારા સંગીત સેતુ નામનો કાર્યક્રમ રજૂ કરી રહ્યા છીએ. તમામ કલાકારોને શુભેચ્છાઓની સાથે આશા રાખું છું કે આપ સર્વે આ કાર્યક્રમ માણશો. સંગીત સેતુના અધિકૃત ટ્વીટર હેન્ડલે કોકિલકંઠી ગાયિકાના ટ્વીટને રીટ્વીટ કર્યું અને લખ્યું, અમને આ કાર્યક્રમના શુભારંભ માટે ભારતીય સંગીતના લેજન્ડ લતા મંગેશકરે આશીર્વાદ અને શુભેચ્છાઓ આપ્યાં એ માટે અમે તેમનો આભાર માનીએ છીએ.

સંગીત સેતુ વર્ચ્યુઅલ કૉન્સર્ટ સાથે સંકળાયેલા ગાયક સુદેશ ભોસલેએ કહ્યું કે, સંગીત સેતુનો હિસ્સો બનવું હકીકતમાં આનંદની વાત છે, જે જીવલેણ મહામારી કોવિડ-19 વિરૂદ્ધની લડત માટે પીએમકેર્સનું સમર્થન કરે છે. આશા છે કે લોકો વડાપ્રધાનના પીએમકેર્સ ફંડમાં તેમનું યોગદાન આપશે. તેમણે વધુમા કહ્યું કે, લતા મંગેશકર, આશા ભોસલે, એસપી બાલાસુબ્રહ્મણ્યમ, ઉદિત નારાયણ, કુમાર સાનુ, હરિહરન, કે.જે. યેસુદાસ, સોનુ નિગમ, કૈલાસ ખેર, સલિમ મર્ચન્ટ, શંકર મહાદેવન, અનુપ જલોટા, કવિતા કૃષ્ણમૂર્તિ, અલકા યાજ્ઞિક, પંકજ ઉધાસ, શાન અને તલત અઝીઝ જેવા દિગ્ગજ કલાકારો પર્ફોર્મ કરશે.

સંગીત સેતુ 10, 11, 12 એપ્રિલના રાત્રે 8થી 9 દરમ્યાન ઓટીટી પ્લેટફોર્મ જિયોટીવી, એમએક્સ પ્લેયર, વોડાફોન પ્લે, આઇડિયા ટીવી, હૉટસ્ટાર અને તાતા સ્કાય ઉપરાંત ડિજિટલ પ્લેટફોર્મ હંગામા, પેટીએમ, ફ્લિપકાર્ટ, હૅલો અને ડેલી હન્ટ પર પ્રસારિત થશે. ડાયરેક્ટ ટુ હૉમ સહિત ડિશ ટીવી અને તાતા સ્કાય પર પણ પ્રસારિત થશે. કોવિડ-19 વિરૂદ્ધ પીએમકેર્સ ફંડને ટેકો આપવાના ઉદ્દેશથી દૂરદર્શન પર પણ સંગીત સેતુ કાર્યક્રમ પ્રસારિત થશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ટ્વીટ પર આ પહેલ અંગે ખુશી વ્યક્ત કરતા કહ્યું, ઉત્કૃષ્ટ કલ્પના. એ સાથે આપ સૌ કલાકારો અભિનંદનના અધિકારી છો. તમામ કલાકારોને સાંભળવા એટલે કે ખાસ ટ્રીટ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here