1987માં દૂરદર્શનની સૌથી લોકપ્રિય સિરિયલ રામાનંદ સાગરની રામાયણમાં સુગ્રીવનું પાત્ર ભજવનાર શ્યામ લાલ સોમવારે અવસાન પામ્યા હતા. તેમના પરિવારજનોના કહેવા મુજબ લાંબા રસાથી તેઓ કેન્સરથી પીડાતા હતા અને પંચકુલા પાસેના કાલકા ખાતે રહેતા હતા.
વિધિની વક્રતા જુઓ કે દૂરદર્શન પર પ્રસારિત થઈ રહેલી રામાનંદ સાગરની સિરિયલ રામાયણના સોમવાર, તારીખ 6 એપ્રિલના પ્રસારિત થનારા એપિસોડમાં સુગ્રીવનો રાજ્યાભિષેક થવાનો હતો, અને એ જ દિવસે સુગ્રીવની ભૂમિકા ભજવનાર કલાકાર શ્યામ લાલનું કાલકા ખાતે કેન્સરની બીમારીને કારણે અવસાન થયું.
શ્યામલાલને રામાયણ સિરિયલને કારણે ઘણી પ્રસિદ્ધિ મળી હતી. ત્યાર બાદ શ્યામલાલે મહાભારતમાં ભીમનું પાત્ર ભજવ્યું હતું. સિરિયલ ઉપરાંત તેમણે અનેક ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. જેમાં હીર રાંઝા, છૈલા બાબુ, ત્રિમૂર્તિ જેવી અનેક ફિલ્મોનો સમાવેશ થાય છે.
શ્યામ લાલના મૃત્યુના સમાચાર મળ્યા બાદ રામ અને લક્ષ્મણની ભૂમિકા ભજવનાર અરૂણ ગોવિલ અને સુનિલ લાહિરીએ શોક વ્યક્ત કર્યો હતો. અરૂણ ગોવિલે તેમના ટ્વીટર અકાઉન્ટ પર લખ્યું હતું કે, શ્યામલાલજી લાજવાબ કલાકાર હતા. તેમના અવસાનને કારણે મને ઘણું દુખ થયું છે.