કોવિડ-19ને કારણે વિશ્વભરમાં પરિસ્થિતિ ઘણી નાજુક બની રહી છે ત્યારે એનો ફેલાવો રોકવા સોશિયલ ડિસ્ટન્સિંગ ઘણું જરૂરી છે. ઉપરાંત જેઓ કોરોના પેશન્ટના સંસર્ગમાં આવ્યા હોય તેમણે 14 દિવસ આઇસોલેશનમાં રાખવા જરૂરી છે. શાહરૂખ ખાન, કમલ હાસન સહિત અનેક કલાકારોએ તેમની ઑફિસ, બંગલો આઇસોલેશન કે કોરોના વિરૂદ્ધની લડત માટે સરકાર કે સ્થાનિક પ્રશાસનને આપ્યા છે. આમાં ઓર એક નામ ઉમેરાયું છે. જાણીતા અભિનેતા અને વાઇકિંગ ગ્રુપના સીએમડી સચિન જે. જોશીએ પણ સહાયનો હાથ લંબાવ્યો છે.

સચિન બિગ બ્રધર ફાઉન્ડેશન હેઠળ અનેક પ્રકારની સહાય કરી રહ્યો છે. તાજેતરમાં સચિને એની પવઈસ્થિત ધ બીટલ નામની હોટેલ પાલિકાને ઑફર કરી છે. પાલિકાને આપેલા પ્રસ્તાવમાં સચિને જણાવ્યું છે કે ધ બીટલના 36 રૂમોનો ઉપયોગ કોવિડ-19થી સંક્રમિત વિદેશથી આવેલા પ્રવાસીઓને ક્વૉરન્ટાઇન માટે રાખવા માટે કરી શકે છે.

દુબઈમાં ફસાયેલા સચિન જે. જોશીનો પર્ક કરાતા તેમણે કહ્યું કે, મુંબઈ ગીચ વસતિ ધરાવે છે અને શહેરને બચાવવા પૂરતી હોસ્પિટલ કે બેડની વ્યવસ્થા નથી. મહાપાલિકાએ જ્યારે અમને મદદ કરવાનું કહ્યું તો અમે તુરંત હામી ભરી હતી. સચિન જે. જોશીએ અજાન ફિલ્મથી બૉલિવુડ કરિયરની શરૂઆત કરી. ત્યાર બાદ સચિને સની લિયોની સાથે જેકપોટ, લિસા રે અને ઉષા જાધવ સાથે વીરપ્પન ફિલ્મમાં કામ કર્યું હતું. તેઓ છેલ્લે નરગિસ ફખરી અને મોના સિંહ સાથેની અમાવસમાં દેખાયા હતા.

સચિનનું માનવું છે કે વાઇરસ સામેની લડતમાં સહાય કરવી દરેક નાગરિકની ફરજ છે. સરકારી કર્મચારીઓ અને ગરીબોને ધ્યાનમાં રાખી તેમના બિગ બ્રધર ફાઉન્ડેશન અંતર્ગત જરૂરિયાતમંદોને ખાદ્ય પદાર્થોના બૉક્સ વિતરિત કરાઈ રહ્યા છે. અને આ કાર્ય લૉકડાઉન પૂરૂં થશે ત્યાં સુધી ચાલુ રહેશે.

મને ખુશી એ વાતની છે કે પવઈની અમારી હોટેલ ધ બીટલ ક્વૉરન્ટાઇન માટે મુંબઈ મહાપાલિકાને અપાઈ છે.  આ મારા પતિનો નિર્ણય છે અને હું તેમના નિર્ણયનું સન્માન કરૂં છું, એમ નકાબની હીરોઇન અને સચિન જોશીની પત્ની ઉર્વશી શર્માએ જણાવ્યું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here