રાજસ્થાનના બિશ્નોઈ સમાજની બહાદુર મહિલા અમૃતા બિશ્નોઈના સઘર્ષ અને બલિદાનની ઘટના પર આધારિત ફિલ્મ સાકો 363 ફેબ્રુઆરીમાં રિલીઝ થઈ રહી છે. પર્યાવરણ, વૃક્ષો અને જીવજંતુઓની રક્ષા કાજે અમૃતાએ સર્વોચ્ચ બલિદાન આપ્યું હતું. રામરતન બિશ્નોઈ અને વિક્રમ બિશ્નોઈ દ્વારા દિગ્દર્શિત ફિલ્મમાં સ્નેહા ઉલાલે અમૃતા બિશ્નોઈનં પાત્ર ભજવ્યું છે. લાબા અરસા બાદ સ્નેહા સાકો 363થી સિલ્વર સ્ક્રીન પર કમબેક કરી રહી છે.
પર્યાવરણ, વૃક્ષો અને જીવજંતુઓની રક્ષાને પોતાનો ધરમ સમજતા બિશ્નોઈ સમાજે વૃક્ષોની રક્ષા કાજે પોતાના પ્રાણનું બલિદાન આપ્યું હતું. જેનું નેતૃત્વ બિશ્નોઈ સમાજની બહાદુર મહિલા અમૃતા બિશ્નોઈએ કર્યું હતું. આજની પેઢીને નવાઈ લાગશે 300 વરસ પહેલા બિશ્નોઈ સમાજના 363 લોકોએ વૃક્ષોની રક્ષા માટે પોતાના પ્રાણની આહુતિ આપી હતી.
બિશ્નોઈ સમાજના લોકો, જમ્ભેશ્વર મહારાજના 29 સિદ્ધાંતને અનુસરે છે, જે પ્રકૃતિ અને જીવોની સુરક્ષા પર તેઓ માને છે કે વૃક્ષને બચાવવા માટે જો પ્રાણની આહુતિ આપવી એ ઉત્તમ કાર્ય છે. તેમના ગુરુએ કહ્યું હતું કે, જો તમારે એક વૃક્ષને બચાવવા તમારે માથું કપાવવું પડે તો એ સસ્તો સોદો છે.
સાકો એટલે કે પર્યાવરણની રક્ષા માટે પોતાની મરજીથી સામુહિક બલિદાન આપવું. 300 વરસ પહેલા 363 જણે આપેલા સામુહિક બલિદાનની સત્યઘટના પર આધારિત ફિલ્મ સાકો 363 આવતા વરસે 28 ફેબ્રુઆરીએ દેશભરમાં રિલીઝ થશે.
ફિલ્મના દિગ્દર્શક રામરતન બિશ્નોઈ અને વિક્રમ બિશ્નોઈએ જણાવ્યું કે, આ ફિલ્મના માધ્યમથી આજની પેઢીને તેમના પૂર્વજોના પર્યાવરણ પ્રેમી હોવાની સાથે તેમના સર્વોચ્ચ બલિદાનના ઇતિહાસની જાણકારી મળશે. બિશ્નોઈ સમાજના 363 પર્યાવરણ પ્રેમી આ ફિલ્મના નિર્માતા છે.મુકામ પીઠાધિશ્વર આચાર્ય સ્વામી રામાનંદજી મહારાજ, રામરતન બિશ્નોઈ, રામલાલ ભાદુ અને વિક્રમ બિશ્નોઈ મુખ્ય નિર્માતા છે.
શ્રી જમ્ભેશ્વર પર્યાવરણ એવં જીવરક્ષા પ્રદેશ સંસ્થા બેનર હેઠળ બનેલી ફિલ્મ સાકો 363માં સ્નેહા ઉલાલ ઉપરાંત ગેવી ચહલ, મિલિંદ ગુણાજી, ફિરોઝ ઇરાની, બ્રિજ ગોપાલ, રાજેશ સિંહ, શાજી ચૌધરી, સાહિલ કોહલી, નટવર પરાશર જેવા અનેક કલાકારો મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.