ફિલ્મના ટેક્નિશિયનો દેશમાં ઝડપથી ફેલાઈ રહેલા કોરોના વાઇરસનો ભોગ ન બને એ માટે તથા હવે પછીની રણનીતિ તૈયાર કરવા ફેડરેશન ઑફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોઇઝ, ઇન્ડિયન મોશન પિક્ચર્સ પ્રોડ્યુસર્સ અસોસિયેશન, આઈએફપીટીસી અને ગિલ્ડના પદાધિકારીઓ અને બ્રોડકાસ્ટર્સની એક આપાતકાલીન બેઠક ઇમ્પાની ઑફિસમાં મળી હતી. મીટિંગમાં ઑલ ઇન્ડિયા ફિલ્મ એમ્પ્લોઇઝ કોન્ફડરેશનના નેશનલ પ્રેસિડન્ટ અને ફેટરેશન ઑફ વેસ્ટર્ન સિને એમ્પ્લોઇઝના જનરલ સેક્રેટરી અશોક દુબે, ફેડરેશનના સલાહકાર અશોક પંડિત, ઇમ્પાના પ્રમુખ ટી. પી. અગ્રવાલ, અભય સિન્હા, સુષમા શિરોમણી, વેસ્ટર્ન ઇન્ડિયા ફિલ્મ પ્રોડ્યુસર અસોસિયેશનના પ્રમુખ સંગ્રામ શિર્કે, આઈએફપીટીસીના જે. ડી. મજિઠિયા, નિર્માતા ટીનુ વર્મા, પ્રદીપ સિંહ અને ગિલ્ડના પદાધિકારીઓ ઉપિસ્થત રહ્યા હતા.
આ મહત્ત્વપૂર્ણ બેઠકમાં નિર્ણય લેવાયો હતો કે ગુરૂવારથી તમામ ફિલ્મો અને ટેલિવિઝન શોનું શૂટિંગ બંધ કરાશે. આ પ્રતિબંધ ૩૧ માર્ચ સુધી અમલમાં રહેશે. આ સમયગાળા દરમ્યાન તમામ નિર્માતાઓને ત્રણ દિવસનો સમય અપાયો છે જેઓ દેશ-વિદેશમાં શૂટિંગ કરતા હોય તો તેમના યુનિટને ત્યાંથી પાછું લાવી શકાય. એ સાથે ફેડરેશન ઑફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોઇઝના પ્રમુખ બી. એન. તિવારીએ સ્પષ્ટતા કરી હતી કે આ સમયગાળા દરમ્યાન પોસ્ટ પ્રોડક્શન, રિહર્સલ વગેરે પણ બંધ રહેશે.
ફેડરેશનના પદાધિકારીઓએ મીટિંગમાં જણાવ્યું હતું કે, નિર્માતા એવા દેશોમાં શૂટિંગ ન કરે જ્યાં કોરોના વાઇરસ ફેલાઈ ચુક્યો છે. જો ત્યાં શૂટિંગ ચાલી રહ્યું હોય તો નિર્માતાઓને વિનંતી છે કે તેમના યુનિટના સભ્યોની મેડિકલ ટેસ્ટ કરાવે અને ત્રણ દિવસમાં પાછા બોલાવે. એ સાથે જ્યાં પણ શૂટિંગ ચાલી રહ્યું હોય ત્યાં સાવચેતીના તમામ પગલાં લેવાની સાથે શૂટિંગના સ્થળે સેનિટાઇઝર અને માસ્કની વ્યવસ્થા કરે.