સાહોના નિર્માતાની આગામી ફિલ્મનું નામ છે રાધે શ્યામ. હિન્દી ઉપરાંત સાઉથની તેલુગુ, તમિલ, કન્નડ અને મલયાલીમાં બની રહેલી ફિલ્મનો હીરો છે સાઉથનો સુપરસ્ટાર પ્રભાસ અને હીરોઇન છે પૂજા હેગડે. ફિલ્મના અન્ય કલાકારો છે સચીન ખેડેકર, ભાગ્યશ્રી, કુણાલ રૉય કપૂર, મુરલી શર્મા, સત્યમ વગેરે. કેકે રાધાક્રિશ્ન કુમારના દિગ્દર્શનમાં બની રહેલી ફિલ્મમાં એક ગુજરાતી કલાકાર પણ પોતાની અભિનયપ્રતિભા દર્શાવી રહ્યા છે.
ગુજરાતી અભિનેત્રીઓએ સાઉથની ફિલ્મોમાં પોતાનું આગવું સ્થાન જમાવ્યું છે. જેમાં મૂળ સુરતની નમિતા તો દક્ષિણાત્ય ફિલ્મોની સુપરસ્ટાર છે. જ્યારે વાયા સાઉથ ઇન્ડસ્ટ્રી ઢોલિવુડમાં એન્ટ્રી કરનાર મોનલ ગજ્જરે પણ અનેક ફિલ્મોમાં અભિનય કર્યો છે. જોકે અહીં આપણે વાત કરી રહ્યા છીએ હીરોની. અનેક હિન્દી-ગુજરાતી ફિલ્મો અને સિરિયલોમાં કામ કરી ચુકેલા સચીન પરીખ પણ રાધે શ્યામ ફિલ્મથી સાઉથમાં એન્ટ્રી કરી રહ્યા છે.
જોકે એન્ટ્રી કરી રહ્યા હોવાનું કહેવાને બદલે સચીન પરીખે ગુજરાતી કલાકારો માટે સાઉથની ફિલ્મોના દ્વાર ખોલ્યા છે એમ કહેવું વધારે ઉચિત ગણાશે. કારણ, તમિલ-તેલુગુ-કન્નડ ફિલ્મોમાં અનેક મરાઠી-પંજાબી કલાકારો કામ કરી રહ્યા છે. પણ બૉલિવુડ-ટેલિવુડમાં અનેક પ્રતિભાશાળી ગુજરાતી કલાકારોએ નામના મેળવી હોવા છતાં સાઉથની ફિલ્મોના સર્જકોનું ધ્યાન તેમના તરફ કેમ ન ગયું એ નવાઈની વાત છે. ખેર, મોડે મોડે પણ ગુજરાતી કલાકરને સાઉથમાં એન્ટ્રી મળી ખરી.
રાધે શ્યામ ફિલ્મની વાત કરતા સચીન પરીખે ફિલ્મી ઍક્શનને જણાવ્યું કે, મારો પ્રોફાઇલ ફિલ્મના કાસ્ટિંગ ડિરેક્ટરે જોયો હશે એટલે મને લૂક ટેસ્ટ માટે બોલાવ્યો. એ યોગ્ય જણાતા દિગ્દર્શકે મારી પસંદગી કરી. ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ચુક્યું છે અને પહેલું શિડ્યુલ ઇટલી ખાતે હતું.
સચીન કહે છે કે સાઉથના સર્જકોનું પ્લાનિંગ જબરજસ્ત હોય છે. ફિલ્મ શરૂ થાય એ પહેલાં જ તમને સ્ક્રિપ્ટ મળી જાય. ત્યાર બાદ રિહર્સલ શરૂ થાય. નાનામાં નાની ચીજાનું ધ્યાન રખાતું હોય છે. ચલાવી લેવાનું કે ચાલી જશેનું ચલણ અહીં જોવા મળતું નથી. દરેક પ્રોટોકોલ જળવાતા હોય છે. સાઉથના પ્રોડક્શન હાઉસ એકદમ ઓર્ગેનાઇઝ્ડ હોય છે, પછી શૂટિંગ શિડ્યુલ હોય કે કલાકાર-કસબીઓના પેમેન્ટ તમામ ચીજો આપેલ સમય મુજબ થઈ જતી હોય છે.
ફિલ્મમાં તમારૂં પાત્ર કેવું છે પૂછતા સચીન પરીખ કહે છે કે, ફિલ્મમાં મારૂં કેરેક્ટર બેન્ક એક્ઝિક્યુટિવનું છે. અમે ઇટલીમાં ત્રણ દિવસનું શૂટિંગ કર્યું હવે હૈદરાબાદ ખાતે શૂટિંગ થશે.
પ્રભાસ સાથેનો શૂટિંગનો અનુભવ કેવો રહ્યો?
ફિલ્મના સેટ પર અનેકવાર પ્રભાસને મળવાનું થયું. એકદમ ડાઉન ટુ અર્થ છે. સ્પૉટબૉય હોય કે સહકલાકાર બધા સાથે સહજતાથી વાત કરે છે. જોકે એક વાતનો અફસોસ રહેશે કે મારો એક પણ સીન પ્રભાસ સાથે નહોતો. ફિલ્મ એક લવસ્ટોરી છે.
સાઉથની ફિલ્મોમાં પહેલીવાર કામ કરવાનો અનુભવ કેવો રહ્યો?
સિમ્પલી સુપર્બ. હકીકતમાં તેમની કામ કરવાની સ્ટાઇલ જ અલગ છે. તમામ કામો એકદમ શિસ્તબદ્ધ રીતે થતા હોય છે. કામમાં કોઈ બાંધછોડ નહીં. ગુજરાતી છોડો હિન્દી ફિલ્મમાં કામ કર્યું હોય તો પણ સાઉથની ફિલ્મો કરતી વખતે ઘણી વસ્તુઓ શીખવા મળે છે.
અત્યારે લૉકડાઉનમાં શૂટિંગ બંધ છે ત્યારે કોઈ પ્રવૃત્તિ?
અત્યારે મેં ઑનલાઇન એક્ટિંગ ક્લાસ શરૂ કર્યા છે. ઑનલાઇન ક્લાસને જબરજસ્ત સફળતા મળી હોવાથી લૉકડાઉન બાદ એક્ટિંગ ઍકેડેમી ખોલવાનું પ્લાનિંગ છે.
સાઉથની સાથે હિન્દી ઇન્ડસ્ટ્રીમાં સક્રિય છો તો ગુજરાતી ફિલ્મો…
જો ફિલ્મનો સેટઅપ અને કેરેક્ટર મજેદાર હશે તો ચોક્કસ કરીશ.