ખાસ મહેમાનો માટે યોજાયો રિઝવાન ફિલ્મનો શો

મૂળ પોરબંદરના પણ વરસોથી આફ્રિકામાં વસી પોતાનું બિઝનેસ સામ્રાજ્ય સ્થાપનાર રિઝવાન આડતિયાની બાયોપિક રિઝવાનનું સ્ક્રીનિંગ તાજેતરમાં યોજાયું હતું. એક બિઝનેસ મૅનની બાયોપિક બનાવવાનું કારણ શું એવું દરેકના મનમાં થશે. સ્વાભાવિક છે કે આવો પ્રશ્ન ઉદભવે પણ રિઝવાન આડતિયાની જીવની પરથી ફિલ્મ બનાવવાનું કારણ છે તેમની સામાજિક સેવા. માત્ર આફ્રિકામાં જ નહીં, ભારત સહિત દુનિયાના અનેક દેશઓમાં તેમના દ્વારા સંચાલિત સંસ્થા અનેક પ્રકારના કાર્યો કરવામાં આવે છે જેમાં શૈક્ષણિક, વૈદ્યકીયની જેવી અનેક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. અને આ કાર્યો માટે તેઓ તેમની કમાણીનો મોટા ભાગનો હિસ્સો ખર્ચતા હોય છે.

આ પ્રસંગે ઉપિસ્થત રિઝવાન આડતિયાએ જણાવ્યું કે, ગુજરાતના પ્રસિદ્ધ ડૉક્ટર-લેખક શરદ ઠાકરની સાથે ઓળખાણ થઈ અને તેમણે મારા પર પુસ્તક લખવાની પરવાનગી માંગી. આ પુસ્તક બધાને એટલું ગમ્યું કે મોરિશિયસમાં રહેતા દિગ્દર્શક હરેશ વ્યાસે એના પરથી ફિલ્મ બનાવવાના રાઇટ્સ માંગ્યા. હું પોતે આ પ્રકારની સ્વપ્રસિદ્ધિથી દૂર રહ્યો હોવાથી અવઢવમાં હતો. પરંતુ અનેક મિત્રોના આગ્રહને વશ થઈ મેં ફિલ્મ માટે હા પાડી. દિગ્દર્શક હરેશ વ્યાસે ખરેખર મારાં જીવનના પ્રસંગોને ખૂબ જ સુંદર રીતે પરદા પર દર્શાવ્યા છે. એટલું જ નહીં, ફિલ્મમાં મારું અને મારી પત્નીનું પાત્ર ભજવનાર કલાકાર વિક્રમ મહેતા અને કેયુરી શાહે સુંદર અભિનય દ્વારા અમને પેશ કર્યા છે.

ફિલ્મમાં રિઝવાન આડતિયાનાં પત્નીનું પાત્ર ભજવી રહેલાં ગુજરાતી-હિન્દી ફિલ્મોનાં અભિનેત્રી કેયુરી શાહે આ પ્રસંગે જણાવ્યું હતું કે, મને જ્યારે બાયોપિકની ઑફર આવી ત્યારે થયું કે એક એનજીઓ ચલાવનાર વ્યક્તિની બાયોપિકમાં વળી શું હશે? પણ જ્યારે દિગ્દર્શક હરેશ વ્યાસે મને સ્ક્રિપ્ટ વાચવા આપી તો હું અભિભૂત થઈ ગઈ. આજના જમાનામાં પણ એક વ્યક્તિ આટલી સાલસ, દયાળુ હોઇ શકે એવું તો હું વિચારી પણ શકતી નહોતી. કેયુરીએ ઉપિસ્થત પત્રકારોને જણાવ્યું હતું કે એણે રિઝવાનની પત્ની સલમાની ભૂમિકા ભજવી છે. એકવીસમી સદીમાં પણ એક પત્ની પોતાનો પતિ આવકનો મોટો ભાગ ધર્માદામાં વાપરતો હોય છતાં એનો વિરોધ કરવાને બદલે પૂર્ણપણે સહયોગ આપતી હોય એવું તો કલ્પના પણ ન આવે. કદાચ એટલા માટે જ કહેવાતું હશે કે દરેક પુરૂષની સફળતા પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે. અમે ફિલ્મનું મોટા ભાગનું શૂટિંગ આફ્રિકામાં કર્યું હતું. વિદેશમાં શૂટિંગ કરી રહ્યા હોવા છતાં એટલી સરસ વ્યવસ્થા હતી કે અમને કોઈ તકલીફ પડી નહોતી. ફિલ્મ અંગે હું એટલું જ કહીશ કે ભલે આ એક વ્યક્તિની બાયોપિક હોય પણ એમાં મનોરંજનની સાથે સંદેશ આપવાનો પણ પ્રયાસ કરાયો છે.

Exit mobile version