Table of Contents
લવ સ્ટોરી શહેરની હોય કે ગામડાની પ્રેમ કહાણી… બંનેની લાગણીઓની સરવાણી સરખી જ રહેવાની. કોઈ શહેરી અંદાજમાં પ્રેમની વાતો કરશે તો ગ્રામીણ વિસ્તારમાં રહેતા પ્રેમીપંખીડાઓ દેશી લહેકામાં તેમની હૈયાની વાત્યું કરતા હશે. ફરક ફક્ત રજૂઆતમાં હશે પણ પ્રેમીઓ શહેરી હોય કે ગામડાના… તેમના હૈયા એકસરખા જ ધબકતાં હોય છે.
ઢોલિવુડમાં આજે જ્યારે અર્બન ફિલ્મોનો દોર ચાલી રહ્યો છે ત્યારે બૉલિવુડના વૅનિટી વૅનના માંધાતા કેતન રાવલ ગીરના એક નાનકડા ગામડાંની પ્રેમ કથા ધરાવતી ફિલ્મ રામ ભરોસે લઈને આવી રહ્યા છે. જોકે ગુજરાતના અંતરિયાળ ગામડાંની તળપદી ભાષામાં બોલાતા સંવાદ તમારા હૈયાના તારને ઝણઝણાવી જાય એવા છે. તમે જો ટીઝર-ટ્રેલર જોયું હોય તો એમાં એક સંવાદ છે ‘તારી યાદોના અભરખા હે ને અભેરાઈ ચડી ગ્યા તા…તો મને થ્યું એમાં બાવા બાઝે એ પેલાં તને મળી લઉં’ જે વિખૂટા પડેલા પ્રેમીની વ્યથા દર્શાવે છે.
ફિલ્મની વાર્તા ગામડામાં આકાર લેતી પ્રેમ કથા હોય એવું લાગી રહ્યું છે. જોકે હૈયા મળવા… વિરહની વેદના…મિલનની ઘડી કે વિખૂટા પડવાની વેળા…આ તમામ બાબતો વચ્ચે બનતી ઘટનાઓને કુશળતાપૂર્વક ફિલ્માવાઈ હશે એવું ટ્રેલર જોઈને લાગી રહ્યું છે. અને ફિલ્મના દિગ્દર્શક વિશાલ વડા વાળા દરેક દૃશ્ય રોચક-રોમાંચક બને એ રીતે ફિલ્માવવામાં માહેર છે. દરિયાખેડુની વાત કહેતી સમંદર બાદ વિશાલ વડા વાળા ગીરના અંતરિયાળ વિસ્તારમાં આવેલા એક નાનકડાં ગામડાંની એક લવ સ્ટોરી લઈને આવી રહ્યા છે.
મજાની વાત એ છે કે ફિલ્મના ટ્રેલરમાં બંને મુખ્ય પાત્રો ધૈર્ય ઠક્કર અને રીવા રાચ્છની જબરજસ્ત કેમિસ્ટ્રી જોવા મળે છે. બંને કલાકારોએ અંગભંગિમાઓને બદલે ચહેરાના ભાવ દ્વારા દૃશ્યને ન્યાય આપવાનો જે પ્રયાસ કર્યો છે એ સરાહનીય છે. તો સંગીતકાર કેદાર ભાર્ગવનું સંગીત પણ ફિલ્મની વાર્તાને નિખારવામાં સહાયભૂત બનશે એવું ટ્રેલર જોઈને લાગી રહ્યું છે. ટ્રેલર જોઈ ફિલ્મમાં કોઈ ખૂંખાર વિલન હોય એવું લાગી નથી રહ્યું. પરંતુ ફિલ્મમાં કુંવારી માતાનો વિષય કેન્દ્રમાં હોય એવું લાગી રહ્યું છે.
નિર્માતા કેતન રાવલના જણાવ્યા મુજબ ફિલ્મની વાર્તા ગુજરાતની સંસ્કૃતિને રૂપેરી પડદા પર જીવંત કરે છે. ફિલ્મનાં હીરો-હીરોઇનને ભગવાન શ્રીરામ પર અથાક ભરોસો છે. અને ઇશ્વર પ્રત્યેની શ્રદ્ધા દરેકના જીવનમાં કેટલો મહત્વનો ભાગ ભજવે છે એની વાત ફિલ્મમાં આલેખવામાં આવી છે. અને એટલા માટે જ ફિલ્મનું ટાઇટલ રામ ભરોસે રાખ્યું છે. ફિલ્મનું શુટિંગ ગુજરાતના જૂનાગઢ, તલાલા, લુણાસના ગામ ખાતે કરવામાં આવ્યું છે.
‘રામ ભરોસે’ ફિલ્મથી ધૈર્ય ઠક્કર, રીવા રાચ્છ અને નિલેષ પરમાર ઢોલિવુડમાં ડેબ્યૂ કરી રહ્યાં છે. વિશાલ વાડાવાલા દિગ્દર્શિત ફિલ્મના નિર્માતા છે કેતન રાવલ, મનીષ જૈન, અજિત જોશી, માલતીબેન દવે, મનીષ સતાની અને તેજલ રાવલ.