ભારતની મોટાભાગની વસતિ ગ્રામીણ વિસ્તારમાં રહેતી હોવા છતાં મનોરંજનની તમામ ચેનલ પર પ્રસારિત થતી સિરિયલના વિષય શહેરી લોકો માટેના હોય છે. ગામડાંઓમાં રહેતા દર્શકોને હવે દૂરદર્શન ઉપરાંત એક ઓર ચેનલ પર તેમની પસંગીના કાર્યક્રમો જોવા મળશે.૧૪ સપ્ટેમ્બરથી બિગિનન મીડિયા દ્વારા તેમની પહેલી મનોરંજન ચેનલ આઝાદ લોન્ચ થઈ રહી છે. આઝાદ ચેનલની ટેગલાઈન છે હમારી મિટ્ટી હમારા આસમાન. આ થીમ પર જ ચેનલનાં કાર્યક્રમો તૈયાર કરાશે.
બિગિનન મિડિયા પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેકટર ભારત કુમાર રંગાનું કહેવું છે કે, દર્શકોનો વિશ્વાસ હાંસલ કરવો અમારા મોડલનો મુખ્ય ઉદ્દેશ છે.અમારી ચેનલનાં ટાર્ગેટ ઓડિયન્સ છે ગ્રામીણ વિસ્તારના દર્શકો. આઝાદ ચેનલ ગામ પ્રેમી ડીએનએને દર્શાવે છે, જે ભારતીયતાની ખરી ઓળખ છે.
૧૪ સપ્ટેમ્બરના શરૂ થઈ રહેલી ગ્રામીણ વિસ્તારના લોકો માટેની પહેલી ખાનગી ચેનલ આઝાદ પર પ્રસારિત થનારા પહેલા શોનું નામ છે મેરી ડોલી મેરે અંગના. શો ખાસ કરીને ગામડાંના પ્રેમીઓ માટે છે. જિતેન્દ્ર ગુપ્તા અને મહેશ તાગડે દ્વારા નિર્મિત સિરિયલની પૃષ્ઠભૂમિ બિઠુરની છે. શોમાં માસૂમ દીકરીની ઘરની અનુભવી વહુ સુધીની સફર દર્શાવવામાં આવી છે. શોની મુખ્ય કલાકાર છે આસ્થા અભય. એની સાથે છે સુરેન્દ્ર પાલ, અંકિત રાઈઝાદા અને રુદ્રાક્ષી ગુપ્તા. ટેલ – એ- ટેલ મિડિયાએ આઝાદ ચેનલ માટે મેરી ડોલી મેરે અંગના શો નિર્માણ કર્યું છે.
આઝાદના બીજા શોનું નામ છે પવિત્રા ભરોસે કા સફર. પાર્થ પ્રોડક્શનના સંતોષ સિંહ, રોશેલ સાથે સિંહ અને પર્લ ગ્રે દ્વારા નિર્મિત શોની પૃષ્ઠભૂમિ મેરઠની છે. શોની નાયિકા પવિત્રા ટેક્સી ડ્રાઇવરની દીકરી છે પણ અભ્યાસ પૂરો કર્યા બાદ આત્મનિર્ભર બનવાની મહેચ્છા ધરાવે છે. ધંધામાં સફળ થવા કોઈ પણ હદે જવા તૈયાર છે. એટલું જ નહીં અન્ય મહિલાઓને પણ સક્ષમ બનાવવા સહાય કરે છે. પવિત્રાની ભૂમિકા શૈલી પ્રિયા ભજવી રહી છે. અન્ય કલાકારો છે નીલુ વાઘેલા, કુમાર રાજપુત અને શિઝાન મોહમ્મદ. ૧૪ સપ્ટેમ્બરથી રોજ રાત્રે આઝાદ ચેનલ પર શોનું પ્રસારણ થશે.