પહેલી એપ્રિલે આવી રહી છે સાયકોથ્રિલર ‘રક્તબીજ’

રક્તબીજની ટૅગલાઇન છે, પાપ છુપાતું નથી, અપરાધ જન્મો સુધી સાથ આપે છે... લોહી હંમેશા હાંક મારે છે...

ગુજરાતી ફિલવ્મ ઇન્ડસ્ટ્રીમાં બદલાવ આવી રહ્યો છે અને ફિલ્મ નિર્માતાઓ નવા નવા વિષયો પર ફિલ્મો બનાવવાનું સાહસ ખેડી રહ્યા છે એમ ફિલ્મી ઍક્શન કહેતું આવ્યું છે. પહેલી એપ્રિલે રિલીઝ થઈ રહેલી આવી જ એક ફિલ્મ છે રક્તબીજ. ગુજરાતીમાં હૉરર, સસ્પેન્સ, થ્રિલર ફિલ્મો આવી ચુકી છે પરંતુ અમારી જાણકારી મુજબ રક્તબીજ ગુજરાતીની કદાચ પહેલી જ સાયકોથ્રિલર ફિલ્મ હશે.

સેલ્ફમેડ ફિલ્મ સર્જક હાર્દિક પરીખ દિગ્દર્શિત અને રમેશ પ્રજાપતિ દ્વારા નિર્મિત રક્તબીજની વાત માત્ર એક રાતની છે. ફિલ્મી ઍક્શન સાથેની વાતચીતમાં હાર્દિક પરીખે જણાવ્યું કે, ફિલ્મની વાર્તા આઠ પાત્રોની છે. જેઓ તોફાની રાતે શહેરના એક કૅફેમાં ફસાઈ જાય છે. આમાંનાં એક પાત્ર આધ્યા શોધન (ડેનિશા ઘુમરા)ને બાકીની દરેક વ્યક્તિ તેને મારવા માટેના અલગ અલગ હેતુઓ ધરાવે છે. આખી રાત શું બને છે અને આધ્યા સવારે સહીસલામત કૅફેની બહાર જઈ શકશે કે એ પોતે દોષી પુરવાર થશે? કેવી રીતે એક રાત વ્યક્તિનું જીવન બદલી શકે છે એ રક્તબીજમાં જોવા મળશે. અને એટલા માટે જ અમારી ફિલ્મની ટૅગલાઇન છે, પાપ છુપાતું નથી, અપરાધ જન્મો સુધી સાથ આપે છે… લોહી હંમેશા હાંક મારે છે…

નાનપણથી ફિલ્મો પ્રત્યે આકર્ષાયેલા હાર્દિકને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કંઇક અનોખું કરવાની હોંશ હતી. જોકે એ માટે કોઈના સહાયક બનવાની તૈયારી નહોતી. એનું કારણ જણાવતા હાર્દિક કહે છે કે કોઈના સહાયક બનીએ તો તેમની કામ કરવાની સ્ટાઇલ, વિચારસરણી અનાયાસ તમારા મગજમાં ઘર કરી જતી હોય છે. એટલે મેં મારી રીતે ફિલ્મ મેકિંગ વાશે જાણકારી મેળવી. નાના પાયે શોર્ટ ફિલ્મથી શરૂઆત કરી. પહેલી જ ફિલ્મને સુંદર પ્રતિસાદ મળ્યો અને અનેક ફેસ્ટિવલમાં ઇનામો પણ મળ્યા. આને કારણે મારો ઉત્સાહ વધ્યો. મેં મારો પોતાનો પોસ્ટ પ્રોડક્શનનો સ્ટુડિયો શરૂ કર્યો, ઍડ ફિલ્મો બનાવી.

રક્તબીજ બનાવવાનો વિચાર કેવી રીતે આવ્યો? પ્રશ્નના જવાબમાં હાર્દિક કહે છે કે, એક નવા ખુલેલા કૅફેમાં બેઠો હતો ત્યારે મનમાં વિચાર આવ્યો કે આવી નાની પણ મસ્ત રીતે ડેકોરેટ કરેલા કૅફેને કેન્દ્રમાં રાખી સ્ક્રિપ્ટ તૈયાર કરવી જોઇએ. અને ત્યાં જ રક્તબીજનો કન્સેપ્ટ ઘડાયો. અને લેખક ડેનિશ ક્રિશ્ચિયન સાથે બેસીને આખી સ્ક્રિપ્ટ તૈયાર કરી. પહેલા તો અમે વેબ સિરીઝ બનાવવાનું પ્લાનિંગ કર્યું હતું. અને શૂટિંગ પણ એ પ્રમાણે જ કર્યું હતું. જોકે કોરોનાના પ્રતિબંધો દૂર થતા ગયા અને થિયેટર ખુલવા લાગ્યા એટલે અમે રક્તબીજને ફિલ્મ ફોર્મેટમાં તૈયાર કરી રિલીઝ કરવાનું નક્કી કર્યું. અમારા નિર્માતા રમેશ પ્રજાપતિએ પણ મંજૂરીની મહોર મારવાની સાથે અમને સતત પ્રોત્સાહિત કરતા રહ્યા.

તમને જાણીને નવાઈ લાગશે કે અમે ફિલ્મ હજુ રિલીઝ કરી નથી પણ બે આંતરરાષ્ટ્રી ફેસ્ટિવલમાં રક્તબીજને સ્થાન મળ્યુ છે.

ફિલ્મમાં ડેનિશા ઘુમરા, નિસર્ગ ત્રિવેદી, નક્શ રાજ, તર્જની ભાડલા, નિશ્ચય રાણા, નાવિદ કાદરી, આકાંક્ષા પંચાલ, કૌશંબી ભટ્ટ જેવા કસાયેલા કલાકારો છે તો લૉસ એન્જલીસના જાણીતા સિનેમેટોગ્રાફર ધ્રુવ પંચાલે એક નાના કૅફેમાં ફિલ્મને મજેદાર રીતે કંડારી છે. રક્તબીજમાં વાર્તાના પ્રવાહને અનુરૂપ બે ગીતો આકાશ શાહે તૈયાર કર્યા છે.

રક્તબીજ પહેલી એપ્રિલે ગુજરાતના તમામ મોટા શહેરોમાં રિલીઝ થઈ રહી છે.

Exit mobile version