નેશનલ ઍવોર્ડ વિનિંગ મેકઅપ અને પ્રોસ્થેટિક ડિઝાઇનર પ્રીતિશીલ સિંઘ જ્હૉન અબ્રાહમ અને વિવેક ઓબેરોયને તેમના પાત્રમાં ઢાળી રહી છે એનો વિડિયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે. બંને કલાકારોને તેમના પાત્રને અનુરૂપ લૂક આપવા ભારે મેકઅપ અને પ્રોસ્થેટિક આર્ટનો સહારો લેવો પડ્યો છે.
ગયા અઠવાડિયે નરેન્દ્ર મોદીની બાયોપિકનો પરદા પાછળનો વિડિયો યુટ્યુબ પર રિલીઝ કરાયો. જેમાં વિવેકના ચહેરા પરના પ્રોસ્થેટિક મેકઅપ માટે પાંચ-છ કલાકનો સમય લાગતો. વિડિયોમાં વિવેક કહે છે કે, પ્રોસ્થેટિક આંતરરાષ્ટ્રીય સ્તરે ફેમસ છે, પણ એમાં અમે આપણો દેશી તડકો ઉમેર્યો છે.
એક સમયે ઓમંગ કુમાર અને નિર્માતા સંદીપ એસ સિંઘને લૂક ટેસ્ટ દરમ્યાન લાગ્યું કે મેકઅપ બાદ પણ ચહેરો મેળ ખાતો ન હોવાથી ફિલ્મનો આઇડિયા પડતો મુકવાનો વિચાર કર્યો હતો. પરંતુ પ્રીતિશીલે નવી ટેક્નિકનો પ્રયોગ કર્યો જે સફળ રહ્યો.
જેમ વિવેક ઓબેરોયનો મોદીનો લૂક ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે તેમ જ્હૉન અબ્રાહમનો રોબી ગ્રેવાલની સ્પાય થ્રિલર રોમિયો અકબર વૉલ્ટર (રૉ)નો ડિઝાઇનર લૂક પણ ચર્ચાનો વિષય બન્યો છે. જ્હોન અબ્રાહમે રિલીઝ કરેલા વિડિયોમાં એના સૌથી મુશ્કેલ એવા દાઢીવાળા વૃદ્ધના લૂકને શેર કર્યો છે.
ફિલ્મમાં જ્હૉનના એક કરતા વધુ ગેટ-અપમાં છે. કારણ એ દુશ્મનોના દેશમાં સિક્રેટ સર્વિસ ઓફિસરની ફરજ બજાવતો હોય છે. પાકિસ્તાનમાં જાસૂસી કરવા એ વેશ પલટો કરી રહેતો હોય છે. 1971માં થયેલા ભારત અને પાકિસ્તાનના યુદ્ધની પૃષ્ઠભૂમિનું કથાનક રૉમાં દર્શાવાયું છે.
ગયા અઠવાડિયે રિલીઝ થયેલી ગોન કેશમાં સુંદરતા અંગેના સમાજની માન્યતાનો ફિલ્મની હીરોઇન કેવી રીતે મુકાબલો કરે છે એની વાત આલેખી છે. આ ફિલ્મના પ્રીતિશીલના કામના તમામ સ્તરે વખાણ થયા છે.
અગાઉ પ્રીતિશીલ સંજય લીલા ભણશાળીની પદ્માવત, ઉમેશ શુક્લાની 102 નોટ આઉટ, અનુભવ સિન્હાની મુલ્ક, શ્રીરામ રાઘવનની અંધાધૂનમાં પોતાની કલાનો પરચો દાખવી ચુકી છે. તો શિવસેના સુપ્રીમોની બાયોપિકમાં નવાજુદ્દીન સિદ્દિકીનો બાળાસાહેબ ઠાકરે લૂક પણ પ્રીતિશીલની દેન છે.