અર્થસભર ગુજરાતી નાટકો અને ફિલ્મોના નિર્માતા-અભિનેતા શરદ દેસાઈ (ઑરો કૂલ ફિલ્મ્સ) ‘હૉમ શાંતિ’ નામક ગુજરાતી ફિલ્મનું નિર્માણ કરી રહ્યા છે. તો કોર્પોરેટ ક્ષેત્રે મહત્ત્વનું યોગદાન આપનાર યુવા અને પ્રતિભાશાળી પારુલ પટેલ હવે શરદ દેસાઈના સથવારે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ગજવવા આવી રહ્યાં છે.
નિર્માતા શરદ દેસાઈ કહે છે કે, હૉમ શાંતિ ફિલ્મ તમામ પરિવારને સ્પર્શે છે. દરેક ઘરમાં જૂની અને નવી પેઢી વચ્ચેનો વિવાદ ચાલતો હોય છે પરંતુ જો ઘરના સભ્યો જો સુમેળ જાળવવામાં સફળ રહ્યા તો ત્યાં હૉમ શાંતિ જળવાઈ રહેશે.
વાતને આગળ ધપાવતા ફિલ્મના અવૉર્ડ વિનિંગ લેખક-દિગ્દર્શક મનોજ નથવાણી કહે છે કે, કોઈના ગયા પછી તેમના આત્માને પરમ શાંતિ મળે એ માટે ૐ શાંતિની પ્રાર્થના કરતા હોઇએ છે. પરંતુ ધરતી પરના ભગવાન… માતા-પિતા આપણી સાથે, આપણી વચ્ચે રહેતા હોય ત્યારે જ આપણે ‘હૉમ શાંતિ’નું પણ શ્રદ્ધાપૂર્વક પાલન કરીએ તો મૃત્યુલોકમાં પણ સ્વર્ગલોકનો આનંદ પામી શકાય છે.
હૉમ શાંતિ દરેક પરિવારની વાત છે. પોતાના સંતાનોને શ્રેષ્ઠ શિક્ષણ મળવાની સાથે એની પસંદગીના ક્ષેત્રમાં કરિયર બનાવી શકે એ માટે જીવન ખર્ચી નાખનાર માતા-પિતા તેમના દીકરા-દીકરી માટે યોગ્ય જીવનસાથી મળે એની પણ કાળજી રાખવામાં કોઈ કસર ન છોડતા નથી. આવા માતા-પિતા જ્યારે આ દુનિયાથી રજા લઈ ઇશ્વરના ઘરે શિફ્ટ થવાના હોય એ પહેલાં જ જે ઘર વસાવવા તનતોડ મહેનત કરી હોય, ઘરમાં સદાય ખુશીનું વાતાવરણ રહે એ માટે પોતાના તમામ સપનાંઓનો હસતા મોઢે ભોગ આપ્યો હોય એવા આપણા પેરેન્ટ્સ તેમના જીવનના સંધ્યાકાળે કોઈ પણ કારણસર દુખી થઈ દેહ ત્યાગવો પડે એવી પરિસ્થિતિને શા માટે નિવારી ન શકાય?
મનોજ નથવાણીએ વધુમાં જણાવ્યું કે, ફિલ્મ માટે પંકજ ભટ્ટે મારા ધારવા કરતા પણ સુંદર અને સૂરિલાં ગીતો તૈયાર કર્યા છે. ગીત સાંભળીને મને થયું કે આ ગીતને ન્યાય મળે એવું એનું ફિલ્માંકન થવું જોઇએ. નૃત્ય દિગ્દર્શક ભલે નવો હોય પણ મારા વિઝનને પરદા પર દર્શાવી શકે એવી ટેલેન્ટ એનામાં હોવી જોઇએ. અને મારી મુલાકાત બૉલિવુડના યુવા અને પ્રતિભાશાળી કૉરિયોગ્રાફર પ્રતિક દોશી સાથે થઈ. પ્રતિકે ગીતોને જે ટ્રીટમેન્ટ આપી છે એ જોઈ દર્શકો આફરીન થઈ જશે. મને આનંદ એ વાતનો છે કે પ્રતિક દોશી અમારી ફિલ્મ હૉમ શાંતિથી ઢોલિવુડમાં એન્ટ્રી કરી રહ્યો છે.
ફિલ્મમાં પ્રતિભાશાળી અભિનેત્રીઓ મૌના શાહ અને હીના ઉપાધ્યાય મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ઉપરાંત આરતી ઠક્કર, પૂર્ણિમા દેસાઈ, હર્ષા રાવલ, અસ્મિતા પંચાલ, મનોજ રાવ, સંધ્યા જોશી, શૈલેષ શાહ અને શરદ દેસાઈ જેવા ખમતીધર કલાકારો પણ ફિલ્મમાં અભિનયના ઓજસ પાથરી રહ્યા છે.