બોલિવુડનું વિખ્યાત પ્રોડક્શન હાઉસ અને જાણીતા દિગ્દર્શક સૂરજ બડજાત્યાની ફિલ્મ, જેની આતુરતાપૂર્વક રાહ જોવાઇ રહી છે એ ઉંચાઈ ટૂંક સમયમાં રિલીઝ થઈ રહી છે. જોકે દર્શકોને વધુ રાહ ન જોવડાવતા રાજશ્રી ફિલ્મ્સે ફ્રેન્ડશિપ દિવસનું ઔચિત્ય સાધી ઉંચાઈનું ટીઝર પોસ્ટર રિલીઝ કર્યું છે. પોસ્ટર ફિલ્મની શાક વાત રજૂ કરે છે… દોસ્તીથી વધારે જીવનમાં વધું શું છે.
ઉંચાઈના પોસ્ટરમાં અમિતાભ બચ્ચન, અનુપમ ખેર અને બોમન ઇરાનીને હિમાલય પર ટ્રેકિંગ કરતા દર્શાવાય છે અને તેમના બેકડ્રોપમાં માઉન્ટ એવરેસ્ટનો ખૂબસૂરત નજારો જોવા મળે છે. ટીઝર પોસ્ટરની ઉપરની ટૅગલાઇનમાં લખ્યું છે, દોસ્તી જ તેમની પ્રેરણા હતી.
22 નવેમ્બર, 2022ના રિલીઝ થનારી ઉંચાઈમાં અમિતાભ બચ્ચન, અનુપમ ખેર, બોમન ઇરાની, નીના ગુપ્તા અને સારિકા જેવા પીઢ કલાકારોનો કસાયેલો અભિનય દર્શકોને જોવા મળશે. એચલું જ નહીં, પરિણીતિ ચોપરા એક ખાસ ભૂમિકામાં જોવા મળશે. ઉપરાંત ડેની ડેન્ઝોન્ગ્પા અને નફીસા અલી સોઢી પણ ખાસ ભૂમિકામાં જોવા મળશે.
ફ્રેન્ડશિપ ડેના અવસરે અમિતાભ બચ્ચને તેમની આગામી ફિલ્મ ઉંચાઈનું સોશિયલ મીડિયા પર ફિલ્મની પહેલી ઝલક શેર કરી હતી. અમિતાભે પોસ્ટર શેર કરવાની સાથે લખ્યું કે, ઉંચાઈની પહેલી ઝલકની સાથે ફ્રેન્ડશિપ ડે સેલિબ્રેટ કરો. બિગ બીએ પોસ્ટર સાથે ટ્વીટ કર્યું કે, બોમન ઇરાની અને અનુપમ ખેર સાથેની મારી ફ્રેન્ડશિપની આ સફરમાં તમે પણ જોડાઓ.
સૂરજ બડજાત્યાની ફિલ્મમાં સલમાન ખાનનો કેમિયો હશે એવું ચર્ચાઈ રહ્યું હતું. પરંતુ ઉંચાઈમાં સલમાન જોવા નહીં મળે એવી સ્પષ્ટતા સૂરજે કરી હતી. જોકે ઉંચાઈ રિલીઝ થયા બાદ સૂરજ તેમના પ્રેમ એટલે કે સલમાન ખાન સાથેનીતેમની આગામી ફિલ્મના પ્રી-પ્રોડક્શનનું કામ શરૂ કરશે. આ ફિલ્મ એક યુગલની વાત છે અને સંયુક્ત પરિવારના બેકડ્રોપ પર આધારિત છે.
ઉંચાઈ રાજશ્રી ફિલ્મ્સની 60મી ફિલ્મ છે જ્યારે દિગ્દર્શક સૂરજ બડજાત્યાની દિગ્દર્શિત આ સાતમી ફિલ્મ છે. એટલું જ નહીં, રાજશ્રી ફિલ્મ્સ એની 75મી વર્ષગાંઠ ઉજવી રહી છે.
રાજશ્રીના કમલ કુમાર બડજાત્યા, સ્વર્ગીય રાજકુમાર બડજાત્યા અને અજિત કુમાર બડજાત્યાએ આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ માટે મહાવીર જૈન ફિલ્મ્સના મહાવીર જૈન અને બાઉંડલેસ મીડિયાનાં નતાશા માલપાની ઓસવાલ સાથે હાથ મેળવ્યો છે.
ઉંચાઈ 11-11-22ના રિલીઝ થઈ રહી છે.