ગુજરાતી ફિલ્મોના મિલેનિયમ સ્ટાર નરેશ કનોડિયાના અવસાનને પગલે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો એક યુગ સમાપ્ત થયો. ઢોલિવુડના કપરા કાળમાં પણ જો કોઈ કલાકારે ઇન્ડસ્ટ્રીને ટકાવી રાખવામાં અને દર્શકોને થિયેટર સુધી લઈ આવવાનું ભગીરથ કાર્ય કર્યું હોય તો એ માત્ર ને માત્ર નરેશ કનોડિયાએ. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી તેમના આ યોગદાનને ક્યારેય ભૂલી શકશે નહીં. એક એવી પ્રતિભા કે તેમની ફિલ્મી કરિયર દરમ્યાન બનેલા પ્રસંગો કે અવનવી વાતો યાદ કરી લખવા બેસીએ તો પણ એક દળદાર પુસ્તક તૈયાર થઈ શકે. આવી એક વાત અહીં રજૂ કરી છે જેની જાણ ભાગ્યે જ કોઈને હશે.
વાત જાણે એમ છે કે જાન્યુઆરી 1983માં રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ કંકુની કિંમતના ટાઇટલમાં ફિલ્મના દિગ્દર્શક તરીકે કાર્તિક મહેતાનું નામ છે. એ સમયના બૉલિવુડના દિગ્ગજ કલાકારો રોમેશ શર્મા (અમિતાભ અભિનીત હમના નિર્માતા), બૉલિવુડની સેક્સ બૉમ્બ આશા સચદેવ, બૉલિવુડના જ ખતરનાક ખલનાયક ડેની ડેન્ઝોંગ્પા, હિન્દી ફિલ્મોના ચોકલેટી હીરો વિનોદ મહેરા, ગુજરાતી ફિલ્મોના ફિરોઝ ઇરાની, અરવિંદ રાઠોડ, રીટા ભાદુરી જેવા જાણીતા કલાકારો. આવી મલ્ટીસ્ટારર ફિલ્મના હીરો હતા આપણા નરેશ કનોડિયા.
ઉપર વાત કરી એમ ફિલ્મના ટાઇટલમાં દિગ્દર્શકનું નામ કાર્તિક મહેતા હોવાનું જણાવાયું છે. પરંતુ, હકીકતમાં ફિલ્મનું દિગ્દર્શન કર્યું હતું બૉલિવુડની અમિતાભ બચ્ચનની સુપરહિટ ફિલ્મો હમ, ખુદા ગવાહ અને અગ્નિપથના દિગ્દર્શક મુકુલ એસ. આનંદે. બૉલિવુડના આ દિગ્ગજ દિગ્દર્શકે ઢોલિવુડથી દિગ્દર્શનની શરૂઆત કરી હતી એ વાત ભાગ્યેજ કોઈને જાણ હશે એમ કે. અમરે (ડેની) ફિલ્મી ઍક્શનને જણાવ્યું હતું. આ અંગે જો કોઈને આશંકા હોય તો તેઓ ફિરોઝ ઇરાની કે અરવિંદ રાઠોડ પૂછી ખાતરી કરી શકે છે.
વાત નરેશ કનોડિયાની કરીએ તો રોમેશ શર્મા નિર્મિત કંકુની કિંમતમાં બૉલિવુડના મોટા ગજાના કલાકારો હોવા છતાં નિર્માતાએ હીરો તરીકે નકેશ કનોડિયા પર પસંદગી ઉતારી હતી. કારણ, એ સમયે નરેશ કનોડિયા એટલે બૉક્સ ઑફિસનો હુકમનો એક્કો. આ વાત બૉલિવુડના સર્જકો પણ જાણતા હોવાથી રોમેશ શર્માએ જ્યારે કંકુની કિંમત ફિલ્મ બનાવી ત્યારે તેમની ફિલ્મના હીરો તરીકે નરેશ કનોડિયા પર પસંદગી ઉતારી હતી.