સોની એન્ટરટેઇન્મેન્ટ ટેલિવિઝન પર પ્રસારિત થતી સિરિયલ વિઘ્નહર્તા ગણેશમાં ભગવાન વિષ્ણુનું પાત્ર ભજવતા કુલદીપ સિંહને બૉલિવુડમાં બ્રેક મળ્યો છે. પોતાની અભિનય પ્રતિભા દ્વારા અનેકને પ્રભાવિત કરનાર કુલદીપને એક હિન્દી ફિલ્મમાં મુખ્ય ભૂમિકા માટે સિલેક્ટ કરાયો છે. ફિલ્મનું નિર્માણ જાણીતા ગીતકાર ફૈઝ અનવર કરી રહ્યા છે.ફિલ્મની વાર્તા જુબિન નૌટિયાલથી પ્રેરિત છે અને એક ગાયકની જિંદગી પર આધારિત છે.
આ ફિલ્મ અંગે જણાવતા કુલદીપ કહે છે કે, મને એક ફિલ્મમાં લીડ રોલ માટે સિલેક્ટ કરવામાં આવ્યો છે જે એક સિંગરની જિંદગી પર આધારિત છે. હું પોતે સંગીતનો દીવાનો છું. મેં પૂરૂં એક અઠવાડિયું જુબિન સાથે વીતાવ્યું અને એના હાવભાવ અને બૉડી લેન્ગ્વેજનો અભ્યાસ કર્યો. તેમના કોન્સર્ટ અને રેકોર્ડિંગમાં પણ સાથે ગયો, ઉપરાંત તેઓ કેવી રીતે ખાય છે અને દિવસ આખો શું કરે છે એ તમામ બાબતોનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું. મારા માટે આ મોટો મોકો છે અને એમાં હું મારૂં સો ટકા યોગદાન આપીશ.
અગાઉ ધાર્મિક પાત્રની ઇમેજમાંથી બહાર નીકળવા કુલદીપે એકતા કપૂરની વેબ સિરીઝ ગંદી બાતમાં પણ કામ કર્યું હતું. કુલદીપનું કહેવું છે કે, એકબીજાથી વિભિન્ન પાત્ર અને એ પણ એક સમયગાળામાં શૂટિંગ કરવું ઘણું મુશ્કેલ કામ હતું. ગંદી બાત પૂર્ણપણે કામુકતા પર આધારિત સિરીઝ છે તો વિઘ્નહર્તા ગણેશ ધાર્મિક સિરિયલ છે. આમ બે અલગ પ્રકારના દર્શકો મારા અભિનયને માણી રહ્યા છે.
મૂળ દિલ્હીના કુલદીપ સિંહે એની કરિયરની શરૂઆત સુપરકૉપ્સ વર્સસ સુપરવિલન સિરિયલથી કરી હતી. સિરિયલમાં એની હીરોઇન હતી સ્મૃતિ ખન્ના. આ સિવાય કુલદીપે ફિયર ફાઇલ્સ કી સચ્ચી તસવીરેં, મન મેં હૈ વિશ્વાસ અને સીઆઈડી જેવી સિરિયલોમાં પણ કામ કર્યું છે.