હાઉસફુલ-૪ બાદ ૬ ડિસેમ્બરે રિલીઝ થઈ રહેલી પાનીપતમાં ક્રીતિ સેનન જોવા મળશે. હાલ પાનીપતના પ્રચારમાં વ્યસ્ત ક્રીતિ સેનને ફિલ્મી ઍક્શન સાથેની વાતચીતમાં એની આગામી ફિલ્મો પાનીપત ઉપરાંત સરોગસી પર આધારિત મિમી અને રાહુલ ધોળકિયાની થ્રિલર ફિલ્મની સાથે એની કરિયર વિશે વાતચીત કરી હતી.
પહેલીવાર તમે એક પિરિયડ ફિલ્મ પાનીપત કરી, તો એને માટે કેવી અને કેટલી તૈયારી કરવી પડી?
આમ તો દરેક ફિલ્મ માટે તૈયારી કરવી પડે છે પછી ભલેને એ કોઈ પણ જૉનરની ફિલ્મ હોય. પણ પાનીપત જેવી ફિલ્મમાં થોડું મુશ્કેલ એટલા માટે પડે છે કે એ એક એવા પિરિયડની વાત કરે છે જે આપણે જોયો નથી. એ સમયના લોકો કેવા હશે, કેવી રીતે વાત કરતા હશે એ આપણે જાણતા નથી. જેમ કે ફિલ્મમાં હું પાર્વતી બાઈનું પાત્ર ભજવી રહી છું જે મરાઠી છે, એટલે એના સંવાદો બોલતી વખતે મારે મરાઠી લહેકો લાવવાનો હતો. હું દિલ્હીની પંજાબણ છું એટલે મારા માટે યોગ્ય રીતે મરાઠી બોલવું એ એક પડકાર સમાન હતું. ઉપરાંત પિરિયડ ફિલ્મ કરતી વખતે આપણી બૉડી લેન્ગવેજ સ્લો થઈ જાય છે. અમે થોડો પૉઝ લઈને નજાકત સાથે વાત કરીએ છીએ. પાર્વતી બાઈ કોઈ રાજવી પરિવારનું સંતાન નહોતી. એ સાધારણ બ્રાહ્મણ પરિવારની પુત્રી હતી જેનાં લગ્ન શાહી ખાનદાનમાં થાય છે. એ સમયના હિસાબે એ બિન્ધાસ્ત અને નખરાળી હતી. હું ઘણીવાર વિચારતી અને આશુ સરને પૂછતી હતી કે મારે થોડી નજાકત લાવવી જાઇએ? તો તેઓ ના પાડવાની સાથે કહેતા કે આ જ તો તારા કિરદારની ખાસ વાત છે. એ લોકો કેવી રીતે બોલતા એની કોઈને જાણ નથી, એટલે આ ઇમેજ બનાવી છે જે એક નવી વાત હતી.
તમે અલગ-અલગ પ્રકારની પાત્રો ભજવી રહ્યા છો પણ તમારૂં પસંદગીનું જૉનર છે જેને તમે એક્સપ્લોર કરવા માંગતા હો?
હું લવ સ્ટોરીઝની ફૅન છું. આવી પ્યોર સાચ્ચી પ્રેમકથાની વાર્તા મળે જે જોતાવેંત દર્શકોના હૃદયને સ્પર્શી જાય, તો હું એવી ફિલ્મ કરવા માંગીશ. આજકાલ આવી ફિલ્મો ઘણી ઓછી જોવા મળે છે. ખરૂં કહું તો આવી ફિલ્મો જ ઘણી ઓછી બને છે. હું આશા રાખું છું કે મને એક ખૂબસૂરત ઇન્ટેન્સ લવ સ્ટોરી કરવા મળે. ઉપરાંત હું ઘણા સમયથી થ્રિલર ફિલ્મ કરવા માંગતી હતી જે હવે મને મળી છે. થ્રિલર ફિલ્મ મેં ક્યારેય કરી નથી. મને થ્રિલર ફિલ્મો જોવી ગમે છે પણ એક સારી થ્રિલર સ્ક્રિપ્ટ મળવી ઘણી મુશ્કેલ છે.
આજકાલ બાયોપિકનો જમાનો છે તો તમે કોની બાયોપિક કરવા માંગશો?
એવી કોઈ ચૉઇસ નથી પણ મને ઇન્દિરા ગાંધી, મીનાકુમારી, મધુબાલાની બાયોપિક કરવી ગમશે.
તમારી બહેન પણ અભિનેત્રી બનવા થનગની રહી છે, એને તમે શું સલાહ આપશો?
હું એ વાતની કદર કરૂં છું કે એ પણ એની કરિયર પોતાની રીતે આગળ ધપાવવા માંગે છે. હું માત્ર એટલી જ સલાહ આપું છું કે પહેલી ફિલ્મની પસંદગી ધીરજ રાખીને કરે. આ વાત ઘણી મહત્ત્વની છે. ઘણીવાર આપણી સામે એવી ફિલ્મ આવે છે જે કરવાની આપણને લાલચ થઈ આવે. પણ ડેબ્યુ ફિલ્મ માટે ધીરજ અતિ આવશ્યક છે, એ જેટલું મુશ્કેલ છે એટલું જ મહત્ત્વનું પણ છે. મેં એને એજ સમજાવ્યું કે મારી લાઇફમાં પણ આવા અનેક અવસર આવ્યા હતા, પણ જો મેં હા કહી હોત તો આજે મારી જર્ની પર પૂર્ણવિરામ મુકાઈ ગયું હોત. એટલે યોગ્ય ફિલ્મ માટે ધીરજ જરૂરી છે.
બૉલિવુડમાં આવ્યાને તમને પાંચ વરસ થઈ ગયા. શું હજી પોતાને આઉટસાઇડર માનો છો કે ઇન્ડસ્ટ્રીનો હિસ્સો બની ગયા છો?
ચોક્કસ હું ઇન્ડસ્ટ્રીનો હિસ્સો તો છું જ. પણ હા, હું આઉટસાઇડર છું, પરંતુ હવે ઘણા લોકો સાથે ઓળખાણ થઈ છે એટલે એવું લાગે છે કે હું ઇન્ડસ્ટ્રીનો હિસ્સો તો બની ગઈ છું. હા, એક વાત ચોક્કસ કહીશ કે ઇન્ડસ્ટ્રીમાં મારો કોઈ ગૉડ ફાધર નથી. જે કોઈ ફિલ્મો કરી એ અલગ અલગ લોકો સાથે કરી અને મને મારી ફિલ્મી સફર પર ગર્વ છે. હુ દરેક ફિલ્મ બાદ આત્મમંથન કરૂ છું. અભિનેત્રી બનવાનું મેં કદી વિચાર્યું પણ નહોતું. હું અભિનય શીખી નથી કે નથી મેં કોઈ વર્કશોપ કર્યો કે ન થિયેટર. હું જે કંઈ શીખી એ સેટ પર જ શીખી. મને આનંદ છે કે મેં ગ્લેમરસ રોલથી અલગ એવી બરેલી કી બરફી કરી, જે જોઈને લોકોનો મારા પ્રત્યેનો નજરિયો બદલાયો અને મને લુકા-છુપી જેવી ફિલ્મ મળી. આને કારણે લોકો મને સ્મોલ સિટી ગર્લ તરીકે ઓળખવા લાગ્યા. હવે મારી આગામી ફિલ્મોથી હું મારી આ ઇમેજ પણ દૂર કરવા માંગું છું કારણ, મારે એક અલગ દુનિયામાં જવું છે.
તાજેતરમાં તમારી હાઉસફુલ-૪ ફિલ્મ બૉક્સ ઑફિસ પર ધૂમ મચાવી રહી છે, પણ આવી મલ્ટી સ્ટારર ફિલ્મ કરતી વખતે સ્ક્રીન સ્પેસ અંગે ઇનસિક્યોરિટી અનુભવી હતી ખરી?
ના. કારણ જ્યારે તમે મલ્ટી સ્ટારર ફિલ્મ કરતા હો ત્યારે તમને ખબર હોય છે કે એમાં એક-બે નહીં ઘણા કલાકારો છે. એ સમયે એવું કોઈ ન વિચારે કે તમે એકલા દેખાશો. માનસિક રીતે તમે તૈયાર હો કે તમારો સ્ક્રીન ટાઇમ અન્ય કલાકારો સાથે વહેંચાશે. આવી ફિલ્મોની ફ્લેવર અલગ જ હોય છે અને એમાં તમારે તમારી અભિનય શક્તિથી દર્શકોનું ધ્યાન આકર્ષિત કરવાનું હોય છે.
તમે ઘણા રોમાન્ટિક છો એમ જણાવ્યું, તો અત્યાર સુધી પ્રેમથી દૂરી કેમ બનાવી રાખી છે?
હું પ્રેમથી જરાય ભાગતી નથી. મારૂ માનવું છે કે યોગ્ય વ્યક્તિ મળે તો આપોઆપ પ્રેમ થઈ જતો હોય છે. આ કોઈ એવી વસ્તુ નથી કે તમે એને શોધો કે એનો બોજો લઈને ફરો. જ્યારે યોગ્ય સમય આવશે, વ્યક્તિ લાયક હશે તો એ ઓટોમેટિકલી થઈ જશે. પણ હાલ તુરત તો મિસ્ટર રાઇટની મારા જીવનમાં એન્ટ્રી થઈ નથી.