ટૂંક સમયમાં રિલીઝ થનારી ફિલ્મ કિરકેટ : બિહાર કે અપમાન સે સન્માન તકનું ટ્રેલર લૉન્ચ કરાયું ત્યારે ફિલ્મમાં ભૂમિકા ભજવી રહેલા કીર્તિ આઝાદ અને અતુલ વાસન ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત ફિલ્મના નિર્માતા અને અભિનેતા આર. કે. જાલન, વિશાલ તિવારી, સોનુ ઝા, સોનમ છાબરા, દેવ સિંહ, અજય ઉપાધ્યાય સહિત તમામ કલાકાર-કસબી ઉપિસ્થત રહ્યા હતા.
ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ક્રિકેટર કીર્તિ આઝાદ ભારત માટે પહેલીવાર વર્લ્ડ કપ જીતનારી ભારતીય ક્રિકેટ ટીમના સભ્ય રહી ચુક્યા છે. ક્રિકેટના મેદાનમાંથી રાજકારણના મેદાનમાં ઉતરેલા કીર્તિ આઝાદે ત્રણ વાર દરભંગા સંસદીય ક્ષેત્રથી ભાજપનું પ્રતિનિધિત્વ કર્યું. પરંતુ દિલ્હી એન્ડ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિયેશન (ડીડીસીએ)ના અધ્યક્ષ અને તત્કાલીન કેન્દ્રય નાણા પ્રધાન અરૂણ જેટલી પર ક્રિકેટ એસોસિયેશનની સંચાલનમાં ગરબડની સાથે ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યા બાદ કીર્તિ આઝાદને ૨૦૧૫માં પાર્ટીમાંથી નિલંબિત કરાયા હતા.
કીર્તિ આઝાદની બીજી ઇનિંગ કિરકેટ ફિલ્મથી કરી રહ્યા છે. ફિલ્મમાં બિહાર ક્રિકેટની દયનીય દશા અને ત્યાંના ક્રિકેટરને રાષ્ટ્રીય ટીમમાં સામેલ કરાતા ન હોવા જેવા ગંભીર વિષયોને આવરી લેવાયા છે. ઉપરાંત ફિલ્મમાં કીર્તિ આઝાદના સંઘર્ષ અને ઉપલબ્ધિઓને પણ બખૂબી દર્શાવાયા છે.
ટ્રેલર લૉન્ચિંગ ઇવેન્ટમાં કીર્તિ આઝાદને પૂછાયેલા એક પ્રશ્ન જો કોઈ એક ક્રિકેટર પર બાયોપિક બનાવવી હોય તો કોનું નામ સજેસ્ટ કરશો?ના જવાબમાં ક્ષણભરનો વિલંબ કર્યા વગર કહ્યું હતું કે કપિલ દેવ. એ સાથે તેમણે જણાવ્યું હતું કે ૧૯૮૩ના વર્લ્ડ કપ ટુર્નામેન્ટ દરમ્યાન એક માત્ર કપિલ દેવ વર્લ્ડ કપ જીતવા માટે આશાવાદી હતો. બાકી બધાને આશંકા હતી કે સેમિ ફાઇનલ સુધી પણ પહોંચાશે કે કેમ એ એક સવાલ હતો. પણ કપિલનો આશાવાદ જીતી ગયો અને ભારત પહેલીવાર વર્લ્ડ કપમાં વિજયી બન્યો.