નોખી માટીનો નોખો માનવી કમલેશ મોતા

હજુ સપ્ટેમ્બર મહિનાની પહેલી તારીખે કરેલી જન્મદિવસની ઉજવણીનો આનંદ શમ્યો નહોતો ત્યાં ગુજરાતી રંગભૂમિના દિગ્ગજ કલાકાર-દિગ્દર્શક-નિર્માતા અને ભારતીય વિદ્યાભવનના પ્રોગ્રામ ડિરેક્ટર કમલેશ મોતાનું આજે (૬ ઓક્ટોબર ૨૦૨૦)ના હૃદયરોગના ભારે હુમલાને કારણે અવસાન થતાં નાટ્યજગતમાં શોકની લાગણી ફેલાઈ છે. ત્રણેક દિવસ અગાઉ મેલેરિયાને કારણે હોસ્પિટલમાં દાખલ થયેલા કમલેશનું હૃદય રોગનો ભારે હુમલો આવતા અવસાન થયું હતું.

૧૯૮૩માં નટખટ જયુના બાળનાટક તોફાની ટપુડોમાં સુંદરલાલની ભૂમિકા ભજવી કલાજગતમાં એન્ટ્રી કરી. ત્યાર બાદ તેમણે કલાજગતમાં પાછું વળીને જોયું નથી. આઇએનટીનું રૂદિયાની રાણી, કે.બી. (કિરણ ભટ્ટ) નિર્મિત સુપરહિટ નાટક સૂર્યવંશી કર્યું. (સૂર્યવંશી નાટકથી જ જાણીતા સર્જક-અભિનેતા જે.ડી. અને બકુલ ઠક્કરને પણ નામના મળી). ત્યાર બાદ તો અમારી દુનિયા તમારી દુનિયા, કૌટિલ્ય જેવા અનેક નાટકો કર્યા બાદ તેમણે દિગ્દર્શન ક્ષેત્રે જંપલાવ્યું. ગુજરાતી અને હિન્દી ફિલ્મોના જાણીતા કલાકારો રાજીવ અને પ્રિયા તેંડુલકર સાથે વંશ બનાવ્યું. તો રોહિણી હટંગડી સાથે અમે જીવીએ બેફામ નાટક કર્યું. એ પછી અનેક નાટકો બનાવ્યા. દિગ્દર્શક તરીકે આઠ વરસ બિરલા કંપની માટે નાટકોનું દિગ્દર્શન પણ કર્યું.

કમલેશ મોતાએ ભારતીય વિદ્યાભવન, ચોપાટીના પ્રોગ્રામ ડિરેક્ટર તરીકે સેવા આપવાની સાથે ભારતીય નાટ્ય શિક્ષાપીઠમાં નાટકની અનેક શિબિરો યોજી છે. તો મુંબઈ મહાનગરપાલિકાની અનેક સ્કૂલોમાં પણ બાળકોને નાટ્ય શિક્ષણ આપ્યું છે. ભાઉસાહેબ (ગિરેશ દેસાઈ)ના હાથ નીચે તૈયાર થયેલા કમલેશ મોતા નવોદિતોને હંમેશ પ્રોત્સાહન આપવાની સાથે મોકો પણ આપતા હતા. તેમનું કહેવું હતું કે કોરી પાટી પર લખવાની મજા જ કંઈ ઓર છે.

નાટકનો પ્રેમ એટલો કે લૉકડાઉન દરમ્યાન પણ લૉકડાઉન-2020 નાટ્ય સ્પર્ધાનું આયોજન કર્યું. સ્પર્ધામાં દેશ-વિદેશના અનેક કલાકાર-કસબીઓએ ભાગ લીધો હતો.

નાટકોમાં સક્રિય એવા કમલેશ મોતાએ દરિયા છોરૂ જેવી એકાદ-બે ફિલ્મમાં કામ કર્યું હતું. જ્યારે પારકી થાપણ, સાથિયામાં એક રંગ ઓછો, એક મહલ હો સપનોં કા જેવી સિરિયલમાં અભિનય કર્યો હતો.

જેના પરથી હિન્દીની સુપર હિટ ફિલ્મ ઓહ માય ગૉડ (ઓએમજી) બની એ ગુજરાતીના વિખ્યાત નાટક કાનજી વિરૂદ્ધ કાનજીમાં કૃષ્ણની ભૂમિકા ભજવનાર કમલેશ મોતા આજે કૃષ્ણમય બની ગયા.

Exit mobile version