70 અને 80ના દાયકામાં બૉલિવુડમાં રાજ કરનાર ડાન્સિંગ સ્ટાર જિતેન્દ્ર હવે અભિનયની બીજી ઇનિંગ શરૂ કરી રહ્યા છે. સિત્તેરના દાયકાના સુપરસ્ટાર અનેક સુપરહિટ ફિલ્મો આપી ચુક્યા છે અને હવે ડિજિટલ ડેબ્યુ કરી રહ્યા છે. તેઓ તેમની પુત્રી એકતા કપૂરની અલ્ટ બાલાજીની સિરીઝ બારિશની બીજી સીઝનમાં મહત્ત્વનો કેમિયો કરી રહ્યા છે. બારિશ જેવી સિરીઝથી રૂપેરી પરદે પાછા ફરવું એ ઘણો સુખદ અનુભવ કહી શકાય. સિરીઝના કલાકારો અને કસબીઓનો વ્યવહાર પણ ઘણો ઉષ્માભર્યો હતો એમ જિતેન્દ્રએ જણાવ્યું.

અભિનેતાએ વધુમાં કહ્યું કે, સિરીઝમાં જીતુજી, જેના પોતાના સદ્ધાંતો છે એવી વ્યક્તિનું પાત્ર ભજવવામાં ઘણો આનંદ આવ્યો. મારા ચાહકો અને દર્શકોને પાત્રમાં અનેક શેડ્સ જોવા મળશે. એ અનુજ અને ગૌરવીને પાછા મેળવવાનો પ્રયાસ કરે છે. અને મને આશા છે કે તેમને ભેળા કરવાના મારા નુસખા દર્શકોને પસંદ પડશે.
બારિશની પહેલી સીઝન દર્શકોને ઘણી પસંદ પડી હતી. સિરીઝના વાર્તા અને આશા નેગી અને શરમન જોશીનો પર્ફોર્મન્સ લોકોને ઘણો પસંદ પડ્યો હતો.

પહેલી સીઝનને મળેલી અપાર સફળતાને પગલે સર્જકોએ એની બીજી સીઝન બનાવવાનો નિર્ણય લીધો. એ સાથે લોકપ્રિય જોડી આશા નેગી અને શરમન જોશીને રીપિટ કરી. પહેલા ભાગમાં યુગલને તેમના પરિવારજનોને કારણે છૂટા પડવું પડ્યું હતું. સિરીઝમાં આશા નેગી અને શરમન જોશી ઉપરાંત આશાના ભાઈની ભૂમિકામાં વિક્રમ સિંઘ ચૌહાણ તો શરમનની બેહનનું પાત્ર પ્રિયા બેનર્જી ભજવી રહી છે.