91 વરસથી સતત મુંબઈના ગુજરાતીઓનું માનીતું અખબાર જન્મભૂમિ હંમેશા ગુજરાતી ફિલ્મ-નાટક-ટેલિવિઝન જેવા કલાજગતના વિવિધ માધ્યમોને પ્રોત્સાહિત કરતું આવ્યું છે. આ વરસે એક ડગલું આગળ વધીને ગુજરાતી ફિલ્મો અને નાટકોના કલાકાર-કસબીઓને બિરદાવવા જન્મભૂમિ ગુજરાતી અવૉર્ડનું આયોજન કર્યું છે. બીજી એપ્રિલે યોજાઈ રહેલા આ રંગારંગ અવૉર્ડ નાઇટના નોમિનેશનની જાહેરાત આજે કરવામાં આવી હતી.
છેલ્લા થોડા વરસોથી, ખાસ કરીને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નવોદિત સર્જકોના આવ્યા બાદ ફિલ્મોનું સ્તર સતત ઊંચું જઈ રહ્યું છે. બીબાંઢાળ પારિવારિક અને ઐતિહાસિક કે ધાર્મિક ફિલ્મોની દીવાલ તોડી આજના સર્જકો વૈવિધ્યસભર વિષયો પર ફિલ્મો બનાવવાનું સાહસ કરી રહ્યા છે. એના ફળસ્વરૂપ દર વરસે ભારત સરકાર દ્વારા અપાતા રાષ્ટ્રીય પુરસ્કારોની યાદીમાં ગુજરાતી ફિલ્મોના નામો પણ જોવા મળી રહ્યા છે. એકાદ દાયકા પહેલા વરસ દરમિયાન માંડ ગણતરીની ફિલ્મો બનતી હતી જે હવે વરસે સો કરતા વધુ ફિલ્મો બની રહી છે. આજની તારીખે ફિલ્મો માત્ર ગુજરાત કે દેશના અન્ય રાજ્યોમાં જ નહીં, વિદેશમાં પણ ફિલ્માવાઈ રહી છે. ત્યારે આઝાદીની લડત સમયે પણ જેનું મહત્વનું યોગદાન રહ્યું છે એવા જન્મભૂમિ જેવા પ્રતિષ્ઠિત અખબાર કલા જગતને પોંખવાનું કાર્ય કરે એ સોનામાં સુગંધ ભળ્યા જેવું છે.
જન્મભૂમિ ગુજરાતી અવૉર્ડ માટે 2024માં રિલીઝ થયેલી ફિલ્મો અને નાટકોનો એમાં સમાવેશ કરવામાં આવ્યો છે. 2024માં રિલીઝ થયેલી કિલ 104 ફિલ્મોમાંથી 55 ફિલ્મોની એન્ટ્રી આવી હતી. આયોજકો દ્વારા 30 કેટેગરીના નોમિનેશન જાહેર કરવામાં આવ્યા હતા. આયોજકોને મળેલી પંચાવન ફિલ્મોની એન્ટ્રીમાંથી 23 ફિલ્મોના નામ નોમિનેશનમાં જોવા મળે છે. એટલે કે 50 ટકા કરતા ઓછી ફિલ્મોને નોમિનેશનમાં સ્થાન મળ્યું છે.
આંકડાની દૃષ્ટીએ વાત કરીએ તો કસુંબોને સૌથી વધુ એટલે કે 22 નોમિનેશન મળલ્યા છે. ત્યાર બાદ વેનિલા આઇસ્ક્રીમને 20, ઝમકુડીને 17, અજબ રાતની ગજબ વાત 12, નાસૂરને 12 અને સાસણને 10 નોમિનેશન મળ્યા છે. જ્યારે નવ ફિલ્મને એક-એક નોમિનેશન મળ્યા છે. તો કમઠાણ (7), હાહાકાર (6), સમંદર (5), ધ ગ્રેટ ગુજરાતી મેટ્રિમોની (4), બિલ્ડર બૉય્ઝ (4), લગન સ્પેશિયલ (3), ચૂપ (3), રણભૂમિ (2), ભૂમિ (2) નોમિનેશન મળ્યા છે.
આયોજકોએ કરેલા દાવા મુજબ મુંબઈ અને અમદાવાદના રંગકર્મીઓ, કલાકારો અને કસબીઓની તટસ્થ જ્યુરીએ આવેલી એન્ટ્રીમાંથી તમામ ફિલ્મો જોયા બાદ વિવિધ કેટેગરીમાં નામાંકનોની યાદી તૈયાર કરવામાં આવી છે.
જન્મભૂમિ ગુજરાતી અવૉર્ડનું આયોજન 2 એપ્રિલ, 2025ના વિલે પાર્લે સ્થિત મુકેશ પટેલ ઑડિટોરિયમ ખાતે કરવામાં આવ્યું છે.