તાનાજી : ધ અનસંગ હીરો. 10 જાન્યુઆરીએ રિલીઝ થયેલી અને માત્ર પંદર દિવસમાં 200 કરોડ (291.85 કરોડ રૂપિયા વર્લ્ડવાઇડ)ની ક્લબમાં એન્ટ્રી મેળવનાર ફિલ્મ આજકાલ મીડિયામાં ચર્ચાના ચકડોળે છે. અજય દેવગણથી લઈ ફિલ્મના નિર્માતા-દિગ્દર્શક સમાચારમાં ચમકી રહ્યા છે પણ લેખકનું ક્યાંય નામોનિશાન જોવા મળતું નથી. એક લેખક ફિલ્મ લખવા કેટલી મહેનત કરતો હોય છે અને ફિલ્મના લેખન અને રિલીઝ થયા બાદ લેખકની મનોસ્થિતિ કેવી હોય છે એ જાણવા “ફિલ્મી ઍક્શને” બાજીરાવ મસ્તાની, મરાઠી ફિલ્મ કટ્યાર કાળજાત ઘુસલી, પદ્માવત, તાનાજી જેવી સુપરડુપર હિટ ફિલ્મોના લેખક પ્રકાશ કાપડિયા સાથે વાત કરી એ સાથે તેમને લેખક બનવાની પ્રેરણા કોણે આપી, સંજય લીલા ભણશાળી સાથેની પહેલી મુલાકાત કેવી રીતે થઈની સાથે અત્યાર સુધીની તેમની કરિયર અંગેની પણ મજેદાર વાતો થઈ.
![](https://filmyaction.com/wp-content/uploads/2020/02/Prakash-Kapadia-2.jpg)
અનેક હિટ ફિલ્મોના લેખક પ્રકાશ કાપડિયાએ જણાવ્યું કે, તમારી વાત બિલકુલ સાચી છે કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં લેખકની જરૂરિયાત પૂરી થાય કે નહીં, પણ એણે તો પોતાનું શ્રેષ્ઠ જ આપવું પડે છે. એક ઉક્તિ છે કે મુંડે મુંડે મતિર્ભિન્ના (દરેક વ્યક્તિના વિચારો અલગ હોય છે) અને આવા અલગ વિચારવાળા તમામ લોકોના ગળે ઉતરે એવી ફિલ્મ લખવી આસાન કાર્ય નથી. અને આવા અલગ વિચારો ધરાવતા લાખો-કરોડો લોકોના ગળે વાત ઉતરે કે ફિલ્મ સારી છે ત્યારે એ સો-બસો-ત્રણસો કરોડની ક્લબમાં એન્ટ્રી કરતી હોય છે.
તાજેતરમાં જ રિલીઝ થયેલી તાનાજીની જ વાત કરીએ તો, તાનાજીની જે માહિતી ઉપલબ્ધ છે અને મહારાષ્ટ્રના ઇતિહાસકારો પાસેથી જેટલી વિગતો મળે એના પરથી માંડ શોર્ટ ફિલ્મ બની શકે. પરંતુ ઇતિહાસ સાથે ક્યાંય ચેડાં ન થાય એ રીતે બે-અઢી કલાકની મનોરંજક ફિલ્મ લખવી એ લોઢાના ચણા ચાવવા જેવું કઠીન સુપેરે કરી બતાવ્યું હોવા છતાં બસો કરોડની ક્લબમાં એન્ટ્રી કર્યા બાદ જેટલા પણ ન્યુઝ-ઇન્ટરવ્યુ પ્રસિદ્ધ થયા એમાં ક્યાંય લેખકનું નામ જોવા મળતું નથી. પ્રકાશ કાપડિયા કહે છે કે, હું અત્યારે મારી જ વાત કરૂં તો મારી લખેલી ફિલ્મના દરેક સીન સાથે દર્શક તાદાત્મ્ય સાધતો જોવા મળશે. આમ છતાં લેખકોના કામની ખાસ કદર ન થાય ત્યારે મન થોડું ખાટું થાય એ સ્વાભાવિક છે.
તમે લેખક બનવાનું ક્યારે વિચાર્યું?
મારી સાયન્સના વિદ્યાર્થીથી લેખક બનવાની સફર ઘણી મજેદાર છે. ભાષા પર મારૂં પ્રભુત્વ નાનપણથી જ હોવા છતાં મેં કેમિસ્ટ્રીમાં B.Sc. કર્યું. જોકે મને નાનપણથી જ વાચનનો શોખ. મારા કાકાને ત્યાં મોટી લાઇબ્રેરી હતી અને ત્યાંથી જેમ્સ હેડલી ચેઇઝથી લઈ આપણા ગુજરાતીના તમામ સાહિત્યકારોના પુસ્તકો મેં વાચ્યા. હું લેખક બન્યો એમાં સૌથી મોટું યોગદાન હોય તો એ મારા પપ્પા ઉપરાંત કાકા પ્રતાપ ભાનુશાળી, અનસુયાબહેન કાપડિયા અને આઇએનટીના મનસુખભાઈ જોશીનું છે.
દરમ્યાન અમે મિત્રઓએ મળી નાટ્યસંસ્થા નવરત્ન આર્ટની સ્થાપના કરી અને પહેલું કૉમર્શિયલ નાટક સૂર્યવંશી બનાવ્યું. અમે બારેક નાટકો બનાવ્યા અને એ સમયના તખ્તાના હોમી વાડિયા, નિકિતા શાહ, અજિત વાચ્છાની, રોહિણી હટંગડી સહિત તમામ ટોચના કલાકારો સાથે કામ કરવાનો અવસર મળ્યો.
નાટકથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કેવી રીતે થઈ?
આ એક મજેદાર સ્ટોરી છે. મારા એત મિત્રનાં લગ્નમાં મારે વેરાવળ જવાનું થયું. ત્યાં મારી ઓળખાણ અનેક ખારવાઓ સાથે થઈ. તેમની સાથેની વાતચીત દરમ્યાન મારા મગજમાં એક કથાબીજે આકાર લીધો અને એના પરથી અમે નાટક બનાવ્યું ચક્રવર્તી. પહેલીવાર ખારવાઓની વાત પર બનેલું નાટક દર્શકોએ વધાવી લીધું. દરમ્યાન, ચક્રવર્તી નાટક જોવા આવેલા નિર્માતા બિપિન શાહે નાટક પરથી ગુજરાતી ફિલ્મ બનાવવાની ઇચ્છા વ્યક્ત કરી. અમે પણ તૈયારી દર્શાવી એટલે ફિલ્મનું કામ શરૂ થયું. ફિલ્મ અને નાટક બંને અલગ માધ્યમ હોવાથી નાટકની સ્ક્રિપ્ટમાં ફિલ્મને અનુરૂપ ફેરફાર કરાયા. જેડી, શેફાલી શાહ, વિક્રમ ગોખલે જેવા ધરખમ કલાકારો સાથે ફિલ્મ બનાવવામાં આવી. દરિયા છોરૂ રિલીઝ થઈ એ અગાઉ અમિતાભ બચ્ચનથી લઈ અનેક ફિલ્મી હસ્તીઓએ ફિલ્મ જોઈ અને પ્રશંસા કરી. દર્શકોએ પણ દરિયા છોરૂને જબ્બર આવકાર આપ્યો.
ઢોલિવુડથી બૉલિવુડમાં એન્ટ્રી કેવી રીતે થઈ?
એમાં બન્યું એવું કે દરિયા છોરૂની ટ્રાયલમાં સંજય લીલા ભણશાળી પણ આવ્યા હતા. ફિલ્મ જોયા બાદ જેડીએ મારો પરિચય કરાવ્યો. આ પરિચયે મારા માટે નવી ક્ષિતિજ ખોલવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો. તેમણે મને દેવદાસ લખવાની ઑફર કરી. મેં કદી હિન્દી ફિલ્મ લખી નહોતી પણ મિત્રોએ મને ફિલ્મ લખવાની સલાહ આપી. મેં ફિલ્મ લખી અને પરિણામ સૌની નજર સમક્ષ છે. ત્યાર બાદ બાજીરાવ મસ્તાની, બ્લેક, સાંવરિયા કરી. આ ફિલ્મો લખવા ઉપરાંત ફિલ્મના કલાકારો શાહરૂખ ખાન, ઐશ્વર્યા રાય, માધુરી દીક્ષિત, રાની મુખર્જી ઉપરાંત અમિતાભ બચ્ચનને સ્ટોરી નેરેટ કરવાનો મોકો મળ્યો. માત્ર લેખન કરવા પૂરતું જ મારૂં કાર્ય સીમિત નહોતું, હું સેટ પર પણ હાજર રહેતો અને જ્યારે કોઈ સીન-સંવાદ બદલવાની જરૂર પડતી તો તાત્કાલિક કરી આપતો.
![](https://filmyaction.com/wp-content/uploads/2020/02/Prakash-Kapadia-1-1024x680.jpg)
તમને મરાઠી ફિલ્મ ‘કટિયાર કાળજાત ઘુસલી’ની ઑફર કેવી રીતે મળી?
હકીકતમાં આજ નામે 1967માં મરાઠીમાં એક નાટક આવ્યું હતું. પુરૂષોત્તમ દાર્હેકરના આ નાટક પરથી મારા મિત્ર સુબોધ ભાવે મરાઠી ફિલ્મ બનાવવા માગતા હતા. પણ નાટકના રાઇટ્સ માટે એક શરત હતી કે જો પ્રકાશ કાપડિયા ફિલ્મ લખવાના હોય તો હક આપવા તૈયાર છે. આમ મને આ ફિલ્મ મળી. જોકે મરાઠી ભાષા મારા માટે અજાણી નથી, મારા અનેક મિત્રો મહારાષ્ટ્રિયન છે. અને સૌથી મોટી વાત મારાં મમ્મીનું ભણતર પણ મરાઠીમાં થયું હતું. તમને નવાઈ લાગશે, પણ ફિલ્મ લખવા ઉપરાંત એનું ગીત પણ મેં લખ્યું છે. કટિયાર દરમ્યાન જ મારી ઓળખાણ ઓમ રાઉત સાથે થઈ અને એણે મને તાનાજી ઑફર કરી.
આગામી પ્રોજેક્ટ?
હાલ સંજય લીલા ભણશાળીની ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડીમાં સંજયને સહાય કરી રહ્યો છું. ઉપરાંત સંજયની જ આગામી ફિલ્મ બૈજુ બાવરા લખી રહ્યો છું.