5 મે, 1944માં સ્થાપિત થયેલી ઇન્ડિયન નેશનલ થિયેટર જે આઇએનટીના નામે મશહૂર છે એ આજે એની સ્થાપનાના 75મા વર્ષની ઉજવણી કરી રહ્યું છે. દેશી નાટક સમાજ બાદ કદાચ આ જ એક એવી સંસ્થા છે જે પોતાની 75મી જયંતિ ઉજવી રહી છે.
માત્ર ગુજરાતીમાં જ નહીં પરંતુ અન્ય ભાષામાં પણ આ સંસ્થા સતત નાટકો અને ગીત-સંગીતના વિવિધ કાર્યક્રમો યોજતી રહી છે. નાટ્ય શિક્ષણ, નાટ્ય તાલીમ તેમ જ નાટ્ય સંશોધનની પ્રવૃત્તિઓ પણ આઇએનટી કરી રહી છે.

આજ સુધી આ સંસ્થાની સમિતિમાં કમલાદેવી ચટ્ટોપાધ્યાય, ચંદ્રકાંત દલાલ, ગૌતમભાઈ જોશી, દામુભાઈ ઝવેરી, મનસુખ જોશી, ચંદ્રકાંત ઝવેરી અને હાલમાં બિરલા ગ્રુપના શ્રીમતી રાજેશ્રી બિરલા સેવા આપી રહ્યા છે.
આઇએનટીનું પ્રથમ નાટક હતું લગ્નની બેડી. જેનું દિગ્દર્શન કર્યું હતું ચંદ્રવદન ભટ્ટે. ત્યાર બાદ ઘણા દિગ્દર્શકોએ પોતાની સેવા આ સંસ્થાને આપી છે. મનસુખ જોશી, પ્રવીણ જોશી, કાંતિ મડિયા, સુરેશ રાજડા અને ગુજરાતી રંગભૂમિના અનેક દિગ્ગજ કલાકારોએ પણ આ નાટ્ય સંસ્થામાં અભિનયના ઓજસ પાથર્યા છે.
પ્રથમ સમિતિના સભ્ય અને સ્થાપક ગૌતભાઈ જોશી આજે પણ આ સંસ્થા વિશે વાત કરતાં આનંદ, ગૌરવ અને ગર્વ અનુભવે છે.
એમની ઘણી ઈચ્છા હતી કે આજનો આ 75મી જયંતિનો પ્રસંગ ખૂબ જ ધામધૂથી ઉજવે, પરંતુ કોરોનાને કારણે એ પ્રસંગ મુલતવી રાખવામાં આવ્યો છે.
બાબુલ ભાવસાર