નિર્માતા-દિગ્દર્શક અને સ્ટારનો અતૂટ સંબંધ

એક કલાકાર અને નિર્માતાના વચ્ચેના અતૂટ સંબંધનું જીવતુંજાગતું ઉદાહરણ આપવું હોય તો વિક્રમ ઠાકોર અને હરસુખ પટેલનું આપી શકાય. તમને નવાઈ લાગશે કે અનેક નિર્માતા તેમના હીરોને રિપીટ કરતા હોય છે તો આ બંનેનું ઉદાહરણ કેમ આપ્યું? તો તમારી જાણ ખાતર જણાવીએ કે ૧ એપ્રિલ એટલે ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર વિક્રમ ઠાકોરનો જન્મદિવસ. અને છેલ્લા ૧૪ વરસથી નિર્માતા-દિગ્દર્શક હરસુખ પટેલ આ દિવસે તેમની નવી ફિલ્મની જાહેરાત કરતા આવ્યા છે. આ વરસે પણ તેમણે હાલો ભેરૂ ગામડે ફિલ્મની જાહેરાત કરી છે.

સતત ૧૪ વરસથી એક કલાકારના જન્મદિવસે ફિલ્મની જાહેરાત થતી હોય એવું ભારતીય તો ઠીક વિશ્વભરની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પહેલીવાર બન્યું હશે. આ કદાચ વિશ્વવિક્રમ પણ હોઈ શકે (ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણકારો આના પર પ્રકાશ પાડી શકે). ૧ એપ્રિલે ફિલ્મની જાહેરાત બાદ ફિલ્મી ઍક્શન સાથેની વાતચીતમાં નિર્માતા-દિગ્દર્શક હરસુખ પટેલે જણાવ્યું કે મારી પહેલી ફિલ્મ ગોરી તારો પિયુ કરે પોકારમાં જગદિશ ઠાકોર હીરો હતો. જોકે એ પછી દર વરસે વિક્રમ ઠાકોરના જન્મદિવસે મારી નવી ફિલ્મની જાહેરાત કરતો આવ્યો છું. વિક્રમ સાથે આ મારી ૧૪મી ફિલ્મ છે. પરંતુ લૉકડાઉનને કારણે વિધિવત ફિલ્મનું મુહૂર્ત કર્યું નથી પણ લૉકડાઉન પૂરૂં થશે કે ધામધૂમથી ફિલ્મનો શુભારંભ કરાશે.

ફિલ્મ વિશે જણાવતા હરસુખ પટેલ કહે છે કે હાલો ભેરૂ ગામડે મલ્ટીસ્ટારર ફિલ્મ હશે. અત્યારે તો અમે માત્ર વિક્રમ ઠાકોર અને જીતુ પંડ્યાના નામની જ જાહેરાત કરી છે પરંતુ ફિલ્મમાં ચાર હીરો છે.  હાલો ભેરૂ ગામડે પૂરી મસાલા મૂવી છે જે અર્બન-રૂરલ બંને દર્શકોને પસંદ પડશે. ફિલ્મ એક સામાજિક સંદેશ પણ આપે છે. આજે ગામડાઓનું શહેરીકરણ થઈ રહ્યું છે. પરંતુ એને કારણે અનેક સામાજિક મુસીબતો જન્મ લેતી હોય છે. આ વાત અમે ફિલ્મમાં દર્શાવવાનો પ્રયાસ કર્યો છે.

શ્રીજી સિને પ્રોડક્શનની ફિલ્મ હાલો ભેરૂ ગામડેનું શૂટિંગ જૂન-જુલાઈ (અષાઢી બીજ)નાં શરૂ કરાશે અને દિવાળીમાં રિલીઝ કરાશે. લૉકડાઉન બાદ અન્ય કલાકારોની પસંદગી કરાશે. ફિલ્મની કથા-સંવાદ મુકેશ માલવણકરના છે.

Exit mobile version