તાજેતરમાં શમશેરા ફિલ્મ ઊંધે માથે પટકાઈ તો એની સાથે જ રિલીઝ થયેલી કાર્તિકેય-2 બૉક્સ ઑફિસ પર ધૂમ મચાવી રહી છે. શમશેરા જ નહીં, બૉલિવુડની અન્ય ફિલ્મોને પણ ફ્લૉપનું લેબલ લાગ્યું છે. હિન્દી મૂવી કેમ નથી ચાલી રહી એની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. તો સામે પક્ષે સાઉથની ફિલ્મો દક્ષિણમાં જ નહીં, સમગ્ર ભારતમાં ધૂમ મચાવી રહી હોવાના સમાચાર પણ બધે ચમકી રહ્યા છે. હિન્દી ફિલ્મો કેમ નથી ચાલી રહી એ વિશે અનેક કારણો અપી રહ્યા છે. અહીં જરા હટકે કારણ દર્શાવવાનો પ્રયાસ કર્યો છે.
જોકે સામાન્ય દર્શકોના હિસાબે બૉલિવુડના નિર્માતાઓ અંગ્રેજી ભાષા અને કલ્ચરથી એટલા રંગાઈ ગયા છે કે આપણી સંસ્કૃતિને કોરાણે મુકી દીધી હોય એવું લાગે છે. બૉલિવુડની ફિલ્મોની વાર્તાથી લઈ કલાકાર-કસબીઓની રોજિંદી રહેણીકરણીમાં પણ હૉલિવુડની ઝલક જોવા મળે છે.
એનું સૌથી મોટું ઉદાહરણ છે હિન્દી ફિલ્મોની હીરોઇન સગર્ભા બને એટલે તુરંત બેબી બમ્પનું ફોટો શૂટ કરાવવા દોડી જાય છે. છેલ્લા થોડા વરસોમાં ઘણી હીરોઇનોએ તેમના બેબી બમ્પના ફોટો સોશિયલ મીડિયા પર અપલોડ કર્યા છે. જેમાં વિરાટ-અનુષ્કા, સૈફ-કરીના, આનંદ-સોનમ કપૂર, કરણ-બિપાશા વગેર વગેરે. હીરોઇન માતા બનવાની હોય અને એ ખુશાલીના સમાચાર ચાહકોને આપે તેમાં કંઈ ખોટું નથી પણ જે રીતે અશ્લીલ કહેવાય એવા ફોટો શૂટ કરાવી વાયરલ કરે છે એ થોડું અજુગતું લાગે છે.
અત્રે આ લખનારને અખિલેન્દ્ર મિશ્રાએ આપેલા ઇન્ટરવ્યુમાં જણાવેલી વાત યાદ આવે છે. તેમણે કહ્યું હતું કે, હિન્દી ફિલ્મોના નિર્માતા-દિગ્દર્શક-કલાકાર અંગ્રેજીમાં વિચારે છે, અંગ્રેજીમાં લખે છે, અંગ્રેજીમાં ચર્ચા કરે છે અને ફિલ્મ બનાવે છે હિન્દી. તો એ ખોળિયામાં પ્રાણ ક્યાંથી આવે? આજે ફ્રાન્સ, જર્મનીથી લઈને કોરિયન, ચાઇનીઝ, જપાનીઝ સહિતની તમામ ઇન્ડસ્ટ્રીના લોકો તેમની ભાષામાં વિચારે છે અને ફિલ્મ બનાવે છે એટલે દુનિયામાં તેમની ફિલ્મોનો ડંકો વાગે છે. આધુનિકતા સાથે તેમણે પોતાની સંસ્કૃતિને પણ જાળવી રાખી છે.