11 ડિસેમ્બર 1922માં આઝાદી પૂર્વેના અખંડ ભારતના પેશાવર (હાલ પાકિસ્તાનના ખૈબર પખ્તુનવા)માં જન્મેલા મુહમ્મદ યુસુફ ખાન આજે તેમનો 97મો જન્મદિન ઉજવી રહ્યા છે. આ મુહમ્મદ યુસુફ ખાન એટલે બૉલિવુડના લિવિંગ લેજન્ડ એવા દિલીપકુમાર. ટ્રેજેડી કિંગ તરીકે વ્ખ્યા એવા દિલીપકુમાર ફિલ્મ ઇન્ડસ્ટ્રીના પહેલા ખાન અભિનેતા હતા. પહેલી જ ફિલ્મથી અભિનયમાં વાસ્તવિકતા લાવનાર કલાકારનું માન પણ તેમના ફાળે જાય છે.
દિલીપકુમારે 1944મા આવેલી બૉમ્બે ટૉકીઝની જ્વારભાટાથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડગ માંડ્યા હતા. પાંચ દાયકાની કરિયરમાં દિલીપકુમારે માત્ર 65 ફિલ્મોમાં કામ કર્યું હોવા છતાં રોમાન્ટિક અંદાજ (1949), હૃદયસ્પર્શી બાબુલ (1950),પ્રભાવિત કરતી દીદાર (1951), ટપોરીગીરીવાળી બાબુલ (1952), સામાજિક દાગ (1952), ડ્રામા દેવદાસ (1955) અને કૉમેડી આઝાદ (1955) જેવીવી વિધિ વિષયોવાળી ફિલ્મો ઉપરાંત નયા દૌર (1957), યહુદી (1958), મધુમતી (1958), કોહિનૂર (1960), ઐતિહાસિક મુગલ-એ-આઝમ (1960), ડાકુઓ પર આધારિત ગંગા જમુના (1961) અને કૉમેડી રામ ઔર શ્યામનો સમાવેશ થાય છે. 1976માં પાંચ વરસના બ્રેક બાદ તેમણે ક્રાંતિ, શક્તિ, મશાલ, કર્મા, સૌદાગર જેવી ફિલ્મો કરી. જ્યારે 1998માં આવેલી કિલા તેમની છેલ્લી ફિલ્મ હતી.
દિલીપકુમારે નવ ફિલ્મફેર ઍવોર્ડ જીત્યા હતા. એટલું જ નહીં, ફિલ્મફેરનો શ્રેષ્ઠ અભિનેતાનો ઍવોર્ડ જીતનાર તેઓ પહેલા અભિનેતા હતા. મધુબાલા સાથે લાંબો સમય રિલેશનશિપમાં રહ્યા પણ લગ્ન કરી શક્યા નહીં. 1966માં તેમનાથી લગભગ અડધી ઉંમરની અભિનેત્રી સાયરા બાનો સાથે લગ્ન કર્યા.
ફિલ્મોમાં જોડી જમાવવાનો ચીલો ચાતરનાર દિલીપકુમારે મધુબાલા, નરગિસ, વૈજયંતિમાલા, નિમ્મી, મીનાકુમારી અને કામિની કૌશલ સાથે નેક હિટ ફિલ્મો આપી હતી. 1950ના દાયકામાં સૌથી વધુ વકરો કરનાર 30 ફિલ્મોની યાદીમાં તેમની નવ ફિલ્મોનો સમાવેશ થયો હતો. 1950માં દિલીપકુમાર પહેલા અભિનેતા હતા જેમને મહેનતાણા પેટે ફિલ્મ દીઠ એક લાખ રૂપિયા (આજના હિસાબે 79 લાખ રૂપિયા પ્રતિ ફિલ્મ) લેતા હતા.
દિલીપકુમારના નામે એક અનોખો વર્લ્ડ રેકોર્ડ બોલે છે. તેમને ફિલ્મી કરિયરદરમ્યાન સૌથી વધુ ઍવોર્ડ મેળવવાનો ગિનેસ રેકોર્ડ બોલાય છે. ભારત સરકારે પણ બૉલિવુડના અભિનેતાને નવાજવામાં કોઈ કચાશ રાખી નથી. 2015માં તેમને પદ્મ વિભુષણથી નવાજવામાં આવ્યા હતા. 2000-2006ના સમયગાળા દરમ્યાન તેઓ રાજ્યસભાના સભ્ય તરીકે નિયુક્ત થયા હતા. જ્યારે મહારાષ્ટ્ર સરકારે 1979 થી 1982 સુધીના ત્રણ વરસના ગાળા માટે ગવર્નરે તેમની મુંબઈના શેરીફ તરીકે નિયુક્તિ કરી હતી. જ્યારે પાકિસ્તાન સરકારે 1998માં તેમનું હાઇએસ્ટ સિવિલિયન સન્માન નિશાન-એ-ઇમ્તિયાઝથી નવાજ્યા હતા.