વીર હમીરજી પર આધારિત હિન્દી ફિલ્મ ‘કેસરી વીર : લેજેન્ડ ઓફ સોમનાથ’

સુનિલ શેટ્ટી, વિવેક ઓબેરોય અને સૂરજ પંચોલી મુખ્ય ભૂમિકામાં

હિન્દુ ધર્મ અને ગાયોની રક્ષા કાજે બલિદાન આપનાર સૌરાષ્ટ્રના સપૂત વીર હમીરજી ગોહિલ પર આધારિત ગુજરાતી ફિલ્મ વીર હમીરજી : સોમનાથની સાખે 2012માં રિલીઝ થઈ હતી. મૌલિક પાઠકની મુખ્ય ભૂમિકાવાળી ફિલ્મને દેશ-વિદેશમાં વસતા ગુજરાતીઓએ વધાવી લીધી હતી. હવે વીર હમીરજી પર આધારિત હિન્દી ફિલ્મ કેસરી વીર : લેજન્ડ ઑફ સોમનાથનું નિર્માણ થઈ રહ્યું છે. સૂરજ પંચોલી, વિવેક ઓબેરોય અને સુનીલ શેટ્ટીની મુખ્ય ભૂમિકાવાળી ફિલ્મમાં સૂરજ વીર હમીરજીનું પાત્ર ભજવી રહ્યો છે.

પ્રિન્સ ધીમન દિગ્દર્શિત ફિલ્મના નિર્માતા છે કનુ ચૌહાણ. ચૌહાણ સ્ટુડિયો બૅનર હેઠળ બની રહેલી ફિલ્મમાં આકાંક્ષા શર્મા પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મના નિર્માતાના જણાવ્યા મુજબ કેસરી વીર : લેજન્ડ ઑફ સોમનાથનું પહેલું પોસ્ટર ટૂંક સમયમાં રિલીઝ કરવામાં આવશે.

અનેક ઍક્શન ફિલ્મો કરી ચુકેલો સૂરજ પંચોલી પહેલીવાર પિરિયડ ફિલ્મ કેસરી વીર : લેજન્ડ ઑફ સોમનાથમાં વીર હમીરજીના પાત્રમાં જોવા મળશે. જ્યારે વિવેક ઓબેરોય તુઘલકના ક્રૂર સેનાપતિની ભૂમિકા ભજવી રહ્યો છે. એક એવો સેનાપતિ જે મંદિરો લૂંટવા અને હિન્દુઓનું ધર્મપરિવર્તન કરાવવા માટે કુખ્યાત છે. તો સુનીલ શેટ્ટી મંદિરોની રક્ષા કાજે જાનની બાજી લગાવે છે.

ફિલ્મનું ઐતિહાસિક પાત્ર ભજવવા માટે સૂરજે આકરી મહેનત કરી છે. યુદ્ધના દૃશ્યો વાસ્તવિક લાગે એ માટે સૂરજે ઘોડેસવારીની સાથે તલવારબાજીની પણ સઘન તાલિમ લીધી હતી. ફિલ્મના શૂટિંગ માટે ખાસ ભવ્ય સેટ બનાવવામાં આવ્યા હતા. જાણવા મળ્યા મુજબ ફિલ્મમાં ગુજરાતી સ્ટાર હિતુ કનોડિયાની પણ મહત્વની ભૂમિકા છે. જ્યારે પ્રતિશ વોરા આ ફિલ્મથી બોલિવૂડમાં દેબ્યું કરી રહ્યા છે. તો ગુજરાતી લોકગાયક પ્રફુલ જેઠવાએ એક ગીતને સ્વર આપ્યો છે.

Exit mobile version