હેલી શાહ (Helly Shah)ના ચાહકો માટે એક મજેદાર ન્યુઝ છે. અભિનેત્રીની શોર્ટ ફિલ્મ જિબાહને અમેરિકાની લૉસ એન્જલિસમાં થિયેટ્રિકલ સ્ક્રીનિંગ માટે પસંદ કરવામાં આવી છે. એટલે એક રીતે આ ફિલ્મ ભારતની ટૉપ ત્રણ ફિલ્મોમાં સામેલ થઈ છે જે ઑસ્કાર અવૉર્ડમાં ક્વૉલિફાઇડ થવા માટે એલિજિબલ થઈ છે.
હેલી શાહે જણાવ્યું કે, લૉસ એન્જલિસમાં સ્ક્રીનિંગ થવું અને ઑસ્કાર માટે ક્વૉલિફાઇ થવું એ અમારા માટે આનંદની વાત છે. અમે વિચાર્યું પણ નહોતું અમે અહીં સુધી પહોંચી શકશું. એ સાથે હેલીએ ઉમેર્યું કે, 2500 ફિલ્મોમાંથી પસંદ કરાયેલી ત્રણ ફિલ્મોમાં અમારી ફિલ્મ પણ છે જે મોટી વાત છે.
હેલી શાહે (Helly Shah) એના આનંદને વ્યક્ત કરતા સોશિયલ મીડિયા પર લખ્યું, આ પ્રકારના એક સુંદર પ્રોજેક્ટનો હિસ્સો બનવું ગર્વની વાત છે. અમને આપ સર્વેના પ્રેમ અને આશીર્વાદની જરૂર છે.
અરૂણજીત બોહરા દિગ્દર્શિત શોર્ટ ફિલ્મ જિબાહમાં હેલી એક કાશ્મીરી યુવતીની ભૂમિકા કરી રહી છે. ફિલ્મનું શૂટિંગ કાશ્મીરમાં કરવામાં આવ્યું છે અને ફિલ્મમાં હેલી શાહને એક ટ્રેડિશનલ લૂક આપવામાં આવ્યો છે.
હેલી શાહની શોર્ટ ફિલ્મ જિબાહ ફીમેલ જેનાઇટલ મ્યુટિલેશન પર આધારિત છે, જેને ઉર્દુમાં ખતના કહે છે. ખતના એટલે કે મહિલાઓના જનનાંગના બહારના હિસ્સો કે ત્વચાને કાપી નાખવામાં આવે છે. આ એક આંતરરાષ્ટ્રીય મુદ્દો છે, યુનાઇટેડ નેશન પણ એના વિરુદ્ધ છે.
મૂળ અમદાવાદની હેલી શાહની અભિનયની કરિયર સ્ટાર પ્લસના શો ગુલાલથી થઈ હતી. ત્યારબાદ હેલીએ દિયા ઔર બાતી હમ, અલક્ષ્મી – હમારી સુપર બહુ, ખેલતી હૈ જિંદગી આંખ મિચોલી, ખુશિયોં કી ગુલ્લક આશી જેવી સિરિયલો કરી. ઉપરાંત ઝલક દિખલા જાની નવમી સીઝનમાં પણ ભાગ લીધો હતો. જ્યારે દેવાંશીમાં ભજવેલી દેવાંશી ઉપાધ્યાયની ભૂમિકાએ હેલીને શ્રેષ્ઠ અભિનેત્રીનો ઇન્ડિયન ટેલિવિઝન એકેડેમી અવૉર્ડથી નવાજવામાં આવી હતી. તો સ્ટાર ભારત પર પ્રસારિત થયેલી સુફિયાના પ્યાર મેરા માટે હેલીને શ્રેષ્ઠ અભિનેત્રીનો ગૉલ્ડ અવૉર્ડ એનાયત થયો હતો.