બાવીસ વરસ પહેલાં ગોધરા ખાતે કાર સેવકોને લઈને આવી રહેલી સાબરમતી એક્સપ્રેસના બે ડબા સળગાવાયા હતા જેમાં અનેક રામ ભક્તો મૃત્યુ પામ્યા હતા. આ ઘટના પર આધારિત અને રણવીર શૌરી અભિનીત ફિલ્મ એક્સિડન્ટ યા કૉન્સ્પિરસી ગોધરાની રિલીઝની તારીખ જાહેર કરવામાં આવી. ફિલ્મ હિન્દી ઉપરાંત તમિલ, તેલુગુ, મલયાલમ અને અંગ્રેજીમાં 19 જુલાઈના રિલીઝ થશે. બાવીસ વરસ પહેલા ગોધરા ખાતે બનેલી ઘટના પર આધારિત ફિલ્મમાં આ એક કાવતરું હતું કે દુર્ઘટના એની હકીકત દર્શાવવામાં આવી છે.
ઓમ ત્રિનેત્ર ફિલ્મ્સ બેનર હેઠળ બનેલી ફિલ્મનું દિગ્દર્શન એમ.કે. શિવાક્ષે કર્યું છે. બી.જે. પુરોહિત દ્વારા નિર્મિત ફિલ્મમાં રણવીર શૌરી ઉપરાંત અક્ષિતા નામદેવ, મનોજ જોશી, હિતુ કનોડિયા, ગુલશન પાંડેય અને ડેનિશા ઘુમરા જેવા કલાકારો છે.
ફિલ્મના નિર્માતા બૂ.જે. પુરોહિતે જણાવ્યું કે, અમે જ્યારે ડિસ્ટ્રિબ્યુટર્સ માટે ફિલ્મનો શો રાખ્યો ત્યારે તેમણે ફિલ્મને અન્ય ભાષામાં પણ એક સાથે રિલીઝ કરવાની સલાહ આપી હતી. હવે અમે એક્સિડન્ટ યા કૉન્સ્પિરસી ગોધરાને સમગ્ર દેશમાં 19 જુલાઈના રિલીઝ કરી રહ્યા છીએ.
તો દિગ્દર્શક એમ.કે. શિવાક્ષે કહ્યું કે, ફિલ્મની પ્રાઇવેટ સ્ક્રીનિંગ દરમિયાન દર્શકો રડી પડ્યા હતા. અને આ ફિલ્મની સૌથી મોટી સફળતા અને અવૉર્ડ છે. ગોધરા ખાતે સાબરમતી ટ્રેનમાં આવી રહેલા 59 નિર્દોષ કાર સેવકોની હત્યા પર માત્ર રાજનીતિ કરવામાં આવી છે. દર્શકોને આ ફિલ્મ દ્વારા હકીકતની જાણકારી મળશે.