31 જાન્યુઆરીના અમદાવાદ ખાતે વિહાન દંડ નિર્મિત અને અખિલ કોટક દિગ્દર્શિત ગુજરાતી ફિલ્મ ફરી એક વારનું મુહૂર્ત સંપન્ન થયું. મધુ એન્ટરટેઇન્મેન્ટ એન્ડ મીડિયા પ્રા. લિમિટેડની ફિલ્મની વાર્તાના કેન્દ્રમાં છે યુવાનોથી લઈ વરિષ્ઠ નાગરિકો જેઓ એકલવાયું જીવન જીવી રહ્યા છે. ફિલ્મનાં લેખિકા કાજલ મહેતાના જણાવ્યા મુજબ, એવા ઘણા લોકો છે જેઓ વિધુર કે વિધવા છે, છૂટાછેડા થયા હોય કે મોટી ઉંમર સુધી લગ્ન ન થયા હોય. તેઓ ફરી એક વાર તેમનું જીવન નવપલ્લવિત કરી શકે છે એ ફિલ્મમાં દર્શાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.
ફિલ્મનો મુહૂર્ત શોટ સુપ્રિયા પાઠક, નેત્રી ત્રિવેદી અને ઉત્સવ નાઇક પર ફિલ્માવવામાં આવ્યો હતો. મુહૂર્ત શોટની ક્લૅપ શર્મીલ સીઝરે આપી હતી તો શર્વિલ શ્રીધર (શ્રીધર ઇન્ફ્રાકટન એલએલપી)એ કૅમેરા ઑન કર્યો હતો.
ફિલ્મ અંગે અખિલ કોટક જણાવે છે કે ફિલ્મમાં એવા વિષયની રજૂઆત કરી રહ્યા છીએ જેના પ્રત્યે સમાજમાં હજુ જાગરુકતા આવી નથી. જેમ કે મોટી ઉંમરના એકલવાયા લોકો જેઓ પરિવાર સાથે તો રહે છે પણ અંગત જીવનમાં ખાલીપો અનુભવતા હોય છે. કારણ, તેમણે મોટી ઉંમરે જીવનસાથી ગુમાવ્યો હોય કે તેમના છૂટાછેડા થયા હોય, પછી ભલે એ સ્ત્રી હોય કે પુરુષ. તેઓ ફરી એક વાર તેમની પસંદગીનું પાત્ર શોધી તેમના જીવનનો ખાલીપો દૂર કરી શકે છે.
ફિલવ્મમાં બેથી ત્રણ ગીત હશે જેમાંનુંમ એક અઘોરી બૅન્ડ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. અન્ય ગીતો હવે રેકૉર્ડ કરવામાં આવશે. આપની જાણ ખાતર એક ગીત અક્ષર રિવર ક્રુઝ પર ફિલ્માવવામાં આવશે.
સળગતા સામાજિક પ્રશ્ન પર આધારિત સુપ્રિયા પાઠક, ઉત્ત્સવ નાઈક, નેત્રી ત્રિવેદી, અવની મોદી, ભરત ઠક્કર, કોમલ પંચાલ, મોરલી પટેલ સહિત અન્ય કલાકારો ધરાવતી ફિલ્મના મુહૂર્ત બાદ તુરંત શૂટિંગ શરૂ કરવામાં આવ્યું હતું. ફરી એક વારનું ફિલ્માંકન અમદાવાદ અને એની આસપાસના વિવિધ લોકેશન પર કરવામાં આવશે.